IPS અધિકારીએ એવું તો શું કર્યું કે સુપ્રીમ કોર્ટે સમાચાર પત્રમાં માફીનામું લખાવ્યું
- IPS અધિકારીએ એવું તો શું કર્યું કે સુપ્રીમ કોર્ટે સમાચાર પત્રમાં માફીનામું લખાવ્યું
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક વૈવાહિક વિવાદના નિરાકરણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં એક મહિલા IPS અધિકારીને તેમના પૂર્વ પતિ અને તેમના પરિવાર પાસે જાહેરમાં બિનશરતી માફી માંગવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માફી એક જાણીતા અંગ્રેજી અને હિન્દી અખબારના રાષ્ટ્રીય આવૃત્તિમાં તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, અને યુટ્યૂબ પર પ્રકાશિત કરવાની રહેશે. આ કેસ એટલો અનોખો છે કે તેમાં IPS અધિકારીના આરોપોને કારણે પતિ અને તેમના પરિવારે જેલની હવા ખાધી અને ભારે માનસિક-શારીરિક ત્રાસ સહન કર્યો. આ ચુકાદો 22 જુલાઈ 2025ના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે આપ્યો હતો.
કેસની પૃષ્ઠભૂમિ: શું હતો મામલો?
આ કેસ એક દિલ્હીના બિઝનેસમેન અને એક મહિલા IPS અધિકારીના 2015માં થયેલા લગ્નથી શરૂ થયો. 2018માં બંને અલગ થયા, અને તે પછી આ વૈવાહિક વિવાદે કાનૂની યુદ્ધનું સ્વરૂપ લીધું. મહિલાએ 2022માં IPS અધિકારી તરીકે નિમણૂક મેળવી હતી, જેના ત્રણ વર્ષ પહેલાં તે પોતાના પતિથી અલગ થઈને ઉત્તર પ્રદેશના પોતાના ગૃહનગરમાં રહેવા ગઈ હતી.
બંને પક્ષે એકબીજા વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા. મહિલાએ પોતાના પતિ અને સાસરીયાંઓ વિરુદ્ધ ઘરેલું હિંસા, બળાત્કાર, અને હત્યાનો પ્રયાસ (IPCની કલમ 498A, 307, 376) જેવા આરોપો લગાવીને યુપીમાં 6 કેસ દાખલ કર્યા, તેમજ ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ 3 કેસ અને બે અન્ય ફોજદારી વિશ્વાસઘાતના (કલમ 406) કેસ દાખલ કર્યા. તેમણે ફેમિલી કોર્ટમાં પણ તલાક અને ભરણપોષણની માંગણી કરી. બીજી તરફ, પતિએ દિલ્હીની રોહિણી કોર્ટમાં માનહાનિનો આરોપ લગાવ્યો અને મહિલાની IPS ઉમેદવારીને પડકારી. આ ઉપરાંત, પતિએ તેમની 8 વર્ષની દીકરીની કસ્ટડી માટે અરજી કરી.
જેલની સજા અને પરિવારનો ત્રાસસુપ્રીમ કોર્ટે નોંધ્યું કે મહિલા IPS અધિકારી દ્વારા દાખલ કરાયેલા આરોપોના કારણે પતિ 109 દિવસ અને તેમના પિતા 103 દિવસ જેલમાં રહ્યા. આ ઉપરાંત, પરિવારે શારીરિક અને માનસિક ત્રાસ સહન કર્યો, જેની ભરપાઈ કોઈ પણ રીતે થઈ શકે તેમ નથી. કોર્ટે આને “અત્યંત ગંભીર” ગણાવીને મહિલા અને તેમના માતાપિતાને બિનશરતી માફી માંગવાનો આદેશ આપ્યો.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો: માફી અને તલાક
ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે સંવિધાનની કલમ 142નો ઉપયોગ કરીને બંને પક્ષો વચ્ચેના તમામ નાગરિક અને ફોજદારી કેસો રદ કરીને લગ્નનો અંત લાવ્યો, કારણ કે 2018થી અલગ રહેતા આ દંપતી વચ્ચે સમાધાનની કોઈ શક્યતા ન રહી હતી.
કોર્ટે નીચેના આદેશો આપ્યા:
માફીનો આદેશ: મહિલા IPS અધિકારી અને તેમના માતાપિતાએ પતિ અને તેમના પરિવાર પાસે બિનશરતી માફી માંગવી પડશે. આ માફી એક જાણીતા અંગ્રેજી અને હિન્દી અખબારના રાષ્ટ્રીય આવૃત્તિમાં તેમજ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, અને યુટ્યૂબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 3 દિવસમાં પ્રકાશિત કરવાની રહેશે.
માફીનો હેતુ: કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ માફી લાંબી કાનૂની લડાઈ અને તેનાથી થયેલા ભાવનાત્મક-માનસિક તણાવને સૌહાર્દપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે છે. આ માફી કોઈ કાનૂની જવાબદારીનો સ્વીકાર નથી અને તેનો ઉપયોગ મહિલા વિરુદ્ધ ક્યારેય નહીં થાય.
બાળકીની કસ્ટડી: 8 વર્ષની દીકરીની પ્રાથમિક કસ્ટડી માતાને આપવામાં આવી, જ્યારે પિતા અને તેમના પરિવારને પહેલા ત્રણ મહિના માટે દેખરેખ હેઠળ મુલાકાતનો અધિકાર અને ત્યારબાદ દર મહિનાના પહેલા રવિવારે બાળકીને મળવાની મંજૂરી આપવામાં આવી.
સુરક્ષા: પતિ અને તેમના પરિવારને પોલીસ સુરક્ષા આપવામાં આવશે, અને IPS અધિકારીને ચેતવણી આપવામાં આવી કે તેઓ ભવિષ્યમાં પોતાના પદનો દુરુપયોગ કરીને પતિ કે તેમના પરિવારને શારીરિક કે માનસિક નુકસાન ન પહોંચાડે.
પતિને ચેતવણી: કોર્ટે પતિ અને તેમના પરિવારને પણ ચેતવણી આપી કે તેઓ આ માફીનો ઉપયોગ કોઈ કાનૂની, વહીવટી, કે નિયમનકારી ફોરમમાં ન કરે, નહીં તો તે કોર્ટની અવમાનના ગણાશે.
માફીનું ફોર્મેટ
સુપ્રીમ કોર્ટે માફીનું ચોક્કસ ફોર્મેટ પણ નિર્ધારિત કર્યું છે, જેમાં મહિલાએ પોતાના અને માતાપિતાના વતી પતિ અને તેમના પરિવારને થયેલા દુઃખ માટે ખેદ વ્યક્ત કરવાનો છે. માફીમાં એ પણ જણાવવાનું છે કે આ લગ્નથી જન્મેલી બાળકી નિર્દોષ છે અને પતિનો પરિવાર તેને મળવા માટે આવકાર્ય છે. મહિલાએ પોતાને બૌદ્ધ ધર્મની અનુયાયી ગણાવીને પતિના પરિવાર માટે શાંતિ અને સુખની પ્રાર્થના કરવાની રહેશે. આ માફી 3 દિવસમાં પ્રકાશિત થવી જોઈએ.
આ પણ વાંચો- Arvalli માં આપ નેતા Arvind Kejriwal ના પ્રહાર, “જો પશુપાલકોને તેમનો હક મળે તો ગરીબી દુર થાય”


