ભારતનો વર્તમાન રાષ્ટ્રધ્વજ કોણે બનાવ્યો હતો? જાણો, આપણા રાષ્ટ્રધ્વજોનો રોચક ઈતિહાસ
વર્તમાન તિરંગાની ડિઝાઈન આંધ્ર પ્રદેશના પિંગલી વેંકૈયાએ બનાવી હતી. પિંગલીને મહાત્મા ગાંધીએ આ જવાબદારી સોંપી હતી. બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં નોકરી કરી રહેલા પિંગલીની ગાંધીજી સાથે મુલાકાત દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. આ દરમિયાન તેમણે પોતાનો અલગ રાષ્ટ્રધ્વજ હોવાની વાત કહી હતી જે ગાંધીજીને ખૂબ જ પસંદ આવી.
આપણા રાષ્ટ્રીય ધ્વજ `તિરંગા'નો ઇતિહાસ ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યો છે. આપણો તિરંગો આજે છે તેવો પહેલેથી નહોતો. ઈ.સ. 1906થી અત્યાર સુધીમાં 6 વખત રાષ્ટ્રીય ધ્વજનું સ્વરૂપ બદલાઈ ચૂક્યું છે. તેના વિશે થોડું જાણીએ
ઈ.સ. 1906માં ભારતનો અનૌપચારિક ઝંડો
ભારતનો પહેલો ધ્વજ 7 ઓગસ્ટ, 1906માં કોલકાતાના પારસી બાગાન સ્ક્વેર (ગ્રીન પાર્ક)માં ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ લાલ, પીળા અને લીલા રંગના પટ્ટાથી બનેલો હતો. લીલા પટ્ટામાં સફેદ કમળ બનેલાં હતાં અને લાલ પટ્ટામાં ચંદ્ર અને સૂરજ હતા.
તિરંગા સાથે જોડાયેલી રસપ્રદ બાબતો
આપણા દેશમાં `ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા' (ભારતીય ધ્વજ સંહિતા) નામનો એક કાયદો છે, જેમાં તિરંગાને ફરકાવવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમો તોડનારને જેલ પણ થઈ શકે છે. નિયમો મુજબ તિરંગો હંમેશાં કોટન, સિલ્ક અથવા તો ખાદીનો જ હોવો જોઈએ.પ્લાસ્ટિકનો ઝંડો બનાવવાની મનાઈ છે. તિરંગાનું નિર્માણ હંમેશાં લંબચોરસ આકારમાં જ કરવું અને તેનું માપ 3:2 જ હોવું જોઈએ જ્યારે અશોક ચક્રનું કોઈ ચોક્કસ માપ નક્કી નથી કરાયું. તેમાં 24 આરા હોવા જરૂરી છે.
ઈ.સ. 1921નો ઝંડો
ઈ.સ. 1921માં બેજવાડા (અત્યારના વિજયવાડા)માં ભરાયેલા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સત્ર દરમિયાન આંધ્રના એક યુવકે ગાંધીજીને એક ઝંડો ભેટમાં આપ્યો. તે માત્ર બે રંગોથી બનેલો હતો- લાલ અને લીલો. લાલ હિંદુ અને લીલો રંગ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતો હતો. ગાંધીજીએ બાકી સમુદાયોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સફેદ પટ્ટી અને રાષ્ટ્રની પ્રગતિનું પ્રતીક એવો ચરખો તેમાં ઉમેરવામાં આવ્યો.
બર્લિન સમિતિનો ઝંડો
આ ઝંડાને પેરિસમાં મેડમ કામા અને ઈ.સ. 1907 (અમુક મત પ્રમાણે 2005)માં તેમની સાથે નિર્વાસિત થયેલા કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. જોકે, આ ધ્વજ પહેલા ધ્વજ જેવો જ હતો, પરંતુ કમળની જગ્યાએ તારાઓ બનેલા હતા. આ ઝંડો બર્લિનમાં થયેલા સમાજવાદી સંમેલનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ઈ.સ. 1931માં અપનાવેલો ઝંડો
ઈ.સ. 1931માં એક તિરંગા (ત્રણ રંગના) ઝંડાને આપણા રાષ્ટ્રીય ધ્વજ સ્વરૂપે અપનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય સેવાનું યુદ્ધ ચિહ્ન પણ હતું. આ ધ્વજમાં સૌથી ઉપર કેસરી વચ્ચે સફેદ અને છેલ્લે લીલો રંગ હતો. જેની બરાબર વચ્ચે સફેદ પટ્ટામાં ચરખો બનેલો હતો. જોકે, સ્પષ્ટ રીતે એ જણાવાયું હતું કે તેનું કોઈ સાંપ્રદાયિક મહત્ત્વ નહોતું અને તેની વ્યાખ્યા તે રીતે જ કરવી.
ઈ.સ. 1917ના હોમ રુલ આંદોલનનો ઝંડો
ત્રીજો ઝંડો 1917માં હોમ રુલ આંદોલનમાં ડૉ. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે ફરકાવ્યો હતો. ધ્વજમાં પાંચ લાલ અને ચાર લીલી પટ્ટીઓ એક પછી એક બનેલી હતી અને સપ્તર્ષિઓને દર્શાવતા સાત તારા બનેલા હતા. ધ્વજમાં ડાબી બાજુ સૌથી ઉપરના કિનારે યુનિયન જેક હતો અને જમણી બાજુ સૌથી ઉપર ખૂણામાં સફેદ અર્ધચંદ્ર અને તારો પણ હતો.
વર્તમાન તિરંગો ઝંડો
22 જુલાઈ, 1947માં સંવિધાન સભાએ સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે વર્તમાનમાં છે તે તિરંગાને અપનાવ્યો હતો. સ્વતંત્રતા મળ્યા પછી રંગોનું મહત્ત્વ જળવાઈ રહ્યું. ધ્વજ પર પ્રતીક રૂપે ચરખાના સ્થાન પર સમ્રાટ અશોકના ધર્મ ચક્રને મૂકવામાં આવ્યું. ભારતના ઝંડાની લંબાઈ અને પહોળાઈ 3:2 હોય છે. ધ્વજમાં સમાન રીતે ત્રણ પટ્ટા બંનેલા છે જેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ છે. સફેદ પટ્ટીમાં બરાબર કેન્દ્રમાં નીલા રંગનું પૈડું બનેલું છે જે ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ ડિઝાઈનને સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવી હતી અને ચક્રમાં 24 આરા હોય છે.
આ પણ વાંચો -GOOGLE એ INDEPENDENCE DAY પર બનાવ્યું ખાસ DOODLE, ભારતની આ પરંપરા દર્શાવી


