કુસ્તીબાજો ફરીએકવાર ઉતરશે ધરણા પર,7 મહિલા પહેલવાનોએ યૌન ઉત્પીડનના આરોપોનું કર્યુ પુનરાવર્તન
કુસ્તી સંઘ અને કુસ્તીબાજો ફરી એકવાર સામસામે છે. અઢી મહિના પહેલા કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે રેસલિંગ WFIના પ્રમુખ બ્રજ ભૂષણ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રવિવારે ફરી એક વાર કુસ્તીબાજોએ પોતાના એ જ આરોપોને પુનરાવર્તિત કર્યા છે અને જંતર-મંતરથી ધરણા કરવાની પણ જાહેરાત કરી છે. સાંજે 4 વાગ્યે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વિનેશ ફોગાટ, સાક્ષી અને બજરંગ પુનિયા સાથે બેઠેલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અહીં જંતર-મંતર પર રહેશે.
કમિટીએ શું તપાસ કરી તે હજુ સુધી સામે આવ્યું નથી
પત્રકારો સાથે વાત કરતા કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે સાત રેસલર છોકરીઓએ ફરિયાદ આપી છે, પરંતુ તેમની ફરિયાદ પર એફઆઈઆર કરવામાં આવી રહી નથી. પોલીસ અધિકારીઓ સોમવારે વાત કરવાનું કહી રહ્યા છે અને મામલામાં સતત વિલંબ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ એક સંવેદનશીલ મામલો છે, પરંતુ તેમાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે સમજની બહાર છે. તેમણે કહ્યું કે, અગાઉ લાગેલા આરોપોની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી હતી, પરંતુ કમિટીએ શું તપાસ કરી અને તે તપાસમાં શું તારણ આવ્યું, તે હજુ સામે આવ્યું નથી.
ન તો સમય મળી રહ્યો છે અને ન તો જવાબ મળી રહ્યો છેઃ વિનેશ ફોગાટ
આ દરમિયાન ત્રણ મુખ્ય કુસ્તીબાજોને પૂછવામાં આવ્યું કે મામલો સંવેદનશીલ કેમ છે? આના જવાબમાં સાક્ષીએ કહ્યું કે કુસ્તીબાજોના શોષણનો મામલો છે. તમે પહેલેથી જ સમજી રહ્યા છો કે સતામણીનો મામલો પોતે કેટલો સંવેદનશીલ છે. છોકરીની વાત હોય તો કેટલી સંવેદનશીલ હોય છે. તે જ સમયે, વિનેશ ફોગાટે કહ્યું કે ખેલાડીઓ કહી રહી છે કે ઉત્પીડન થઈ રહ્યું છે, તેઓ ત્રણ મહિનાથી માનસિક ત્રાસનો સામનો કરી રહી છે. જો અમે સુરક્ષિત નથી તો કોણ સુરક્ષિત છે. અમે ત્રણ મહિનાથી મંત્રાલય અને સમિતિ પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ ન તો સમય મળી રહ્યો છે અને ન તો જવાબ મળી રહ્યો છે.
ન્યાય નહીં મળે ત્યાં સુધી જંતર-મંતર પર રોકાઈશું: કુસ્તીબાજો
તેમણે WFI પ્રમુખ બ્રજ ભૂષણ વિશે વાત કરતા કહ્યું કે ખબર નથી કે તેમને બચાવવા માટે કોણ સમર્થન આપી રહ્યું છે. હવે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીં જ રહીશું, અહીં જ સૂઈશું. બજરંગ પુનિયાએ એમ પણ કહ્યું કે તેઓ ત્રણ મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. આ દરમિયાન વિનેશ ફોગટ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી.
પીએમ મોદીને પણ વિનંતી છે કે અમારી વાત સાંભળોઃસાક્ષી મલિક
આ પછી સાક્ષી મલિકે કહ્યું, અમને પહેલા પણ વિશ્વાસ હતો, આજે પણ વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. એટલા માટે અમે જનતા સમક્ષ આવ્યા છીએ. પીએમ મોદીને પણ વિનંતી છે કે અમારી વાત સાંભળો, અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે કુસ્તી સુરક્ષિત હાથમાં જાય. અમારી ફરિયાદ પર કાર્યવાહી નથી થઈ રહી, તેના પર કાર્યવાહી થવી જોઈએ. આ દિવસોમાં લોકો એવો આક્ષેપ કરવા લાગ્યા છે કે અમારી કરીયર ખતમ થઈ ગઇ છે.. તેમણે અપીલ કરી અને કહ્યું કે, અમને જુઠ્ઠા સાબિત ન કરો.


