Yamuna Flood : યમુનાનું રૌદ્ર સ્વરૂપ! દિલ્હીના અનેક વિસ્તારો જળબંબાકાર
Yamuna Flood : યમુના નદીં દિલ્હીની ઓળખ છે, જ્યારે તે શાંત હોય છે, ત્યારે તે ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જ્યારે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે બધું જ નષ્ટ કરી નાખે છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે યમુના (Yamuna Flood) એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીનું પાણીનું સ્તર 206.93 મીટર સુધી પહોંચી ગયું છે, જે ભયાનક સપાટીની ઉપર પહોંચી ગયું છે. જણાવી દઈએ કે, NCRના જે વિસ્તારો યમુનાની આસપાસ છે, તે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.
જે બુધવારે, દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલો રહેણાંક વિસ્તાર, મયુર વિહાર, જૈતપુર પુષ્ટ, શ્યામ ઘાટ અને યમુના બજારનું દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું. ચારે બાજુ કાદવવાળું પૂરનું પાણી ભરાઈ ગયું છે, જેમાં ખાટલા તરતા જોવા મળી રહ્યા છે. લોકો ઘૂંટણ સુધી પાણીમાં પસાર થઈ રહ્યા હતા. ઘરોની અંદર પાણી પહોંચી ગયું હતું. લોકો માથા પર જરૂરી વસ્તુઓ લઈને સુરક્ષિત સ્થળો તરફ જઈ રહ્યા હતા.
પૂરની સૌથી વધુ અસર ખેડૂતો પર પડી છે
પૂરની સૌથી વધુ અસર ખેડૂતો પર પડી છે. મદનપુર ખાદર જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના પાકનો નાશ થયો છે. ખેડૂત રામશંકરે પોતાની પીડા વ્યક્ત કરતા કહ્યું કે, તેમના કાકાએ પાક ઉગાડવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ બધું બરબાદ થઈ ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે, પાણીનું સ્તર દર કલાકે વધી રહ્યું છે, જેના કારણે તેમના ખેતરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. બીજા ખેડૂત વિકાસે જણાવ્યું કે, તેમના પરિવારની આજીવિકા સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર છે અને હવે અડધાથી વધુ ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. પૂરે માત્ર પાક અને ખેતરો જ નહીં, પરંતુ લોકોના ઘરો પણ ડૂબી ગયા છે. ઘણા લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.
આ પણ વાંચો -Maratha Reservation : મરાઠા અનામત મુદ્દે ફડણવીસ સરકાર ફસાઈ,કદાવર મંત્રીએ જ વાંધો ઊઠાવ્યો
ઝૂંપડા પણ પાણીમાં ડૂબ્યાં
મદનપુર ખાદરના એક રહેવાસીએ જણાવ્યું કે, ખેતરોની સાથે તેમના ઝૂંપડા પણ પાણીમાં ડૂબી ગયા છે. તેમણે ફરિયાદ કરી કે, પોલીસ તેમને ત્યાંથી ખસેડવા માટે કહી રહી છે, પરંતુ તેમના માટે રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. યમુના નદી પારના વિસ્તારોમાં, રાતે પડેલા વરસાદને કારણે, ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ફર્નિચરથી લઈને જરૂર વસ્તુઓ ભીની થઈ ગઈ હતી અને લોકોને ખૂબ જ તકલીફ પડી હતી.
આ પણ વાંચો -વરસાદની 'સરપ્રાઇઝ'એ પૂરની સ્થિતી સર્જી, કાશ્મીરથી લઇને પંજાબ સુધી તબાહી
રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા
ISBT નજીકનું મઠ બજાર અને આસપાસના રહેણાંક વિસ્તારો પણ પાણીથી ભરાઈ ગયા હતા. મઠનું લદ્દાખ બુદ્ધ વિહાર મંદિર પણ પાણીમાં ડૂબી ગયું હતું. પાણીના સ્તરમાં વધારો થવાને કારણે નિગમ બોધ ઘાટ અને યમુના બજાર જેવા અન્ય વિસ્તારો પણ પ્રભાવિત થયા હતા. યમુના બજાર લગભગ 10 ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયું છે.વહીવટીતંત્રે પરિસ્થિતિને ગંભીરતાથી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હરિયાણામાં હાથિનીકુંડ બેરેજ અને અન્ય બેરેજમાંથી પાણી છોડવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. બોટમાંથી જાહેરાત કરીને, નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળોએ જવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.
જીવનમાં ઊંડી કટોકટી
પૂરને કારણે બેઘર બનેલા લોકો તેમના સામાન સાથે સુરક્ષિત સ્થળો શોધી રહ્યા છે. સતત વધતા પાણીનું સ્તર અને ભવિષ્યની અનિશ્ચિતતાએ તેમના જીવનમાં ઊંડી કટોકટી ઉભી કરી છે. આ પૂરે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકોના જીવનને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે.


