સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુકનાર ફિલ્મ ડાયરેક્ટર સામે ફરિયાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુકનાર ફિલ્મ ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. ફિલ્મ ડાયરેકટરે કેન્દ્રીય ગૃહ મંત્રીની છબી ખરડાય તેવી પોસ્ટ પણ શેર કરી હતી. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા તમામ લોકો માટે ચેતવણીરૂપ બાબત એ છે કે તમારી તમામ પોસ્ટ અને એક્ટિવિટી પર પોલીસની સતત નજર રહેતી હોય છે.તેની સાથે જ કોઈ પણ વિવાદાસ્પદ અથવા કોઈની પણ લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરવા બદલ જેલના સળિયા પણ ગણવા પડી શકે છે. ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરાઇ હતી, જે બદલ તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે આરોપી અવિનાશ દાસની સોશિયલ મીડિયા પોસ્ટ તપાસ કરતાં સામે આવ્યું કે હાલમાં જ મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયેલા ઝારખંડના મહિલા આઈ.એ.એસ પૂજા સિંઘલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાંચ વર્ષ જુનો ફોટો પોસ્ટ કરી લોકોમાં ગેરસમજ ઉભી કરવાની અને તેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની કોશિષ કરાઇ હતી જેથી પોલીસે તે બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


