Banaskantha: ધાનેરાના મેવાડા ગામમાં પાણીનો પ્રશ્ન, લોકોએ ગામ છોડી કરી હિજરત
- Banaskantha: લોકો હાલ પાણી વગર વલખા મારી રહ્યા છે અને હિજરત કરી રહ્યા છે
- ઘણા સમયથી જિલ્લામાં પાણીના તળ દિવસેને દિવસે નીચે જઈ રહ્યા છે
- ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેકમાં કંઈક વાસ્તવિકતા અલગ જ જોવા મળી
Banaskantha: ધાનેરાના મેવાડા ગામમાં પાણીના પ્રશ્નને લઈને ગામમાંથી 60 થી 70 ટકા લોકો ગામ છોડી હિજરત કરી બીજે વસવાટ કરવા માટે મજબૂર બન્યા છે. મેવાડા ગામમાં પાણી ન હોવાને કારણે ખેતી અને પશુપાલન પણ થઈ શકતું નથી અને અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી તો પીવાના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે. બહારથી ટેન્કર દ્વારા પાણી પીવા માટે મોકલવામાં આવે છે એ પણ ત્રણથી ચાર દિવસે ટેન્કર આવે છે જેથી લોકો હાલ પાણી વગર વલખા મારી રહ્યા છે અને હિજરત કરી રહ્યા છે.
ઘણા સમયથી જિલ્લામાં પાણીના તળ દિવસેને દિવસે નીચે જઈ રહ્યા છે
બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે પરંતુ ઘણા સમયથી જિલ્લામાં પાણીના તળ દિવસેને દિવસે નીચે જઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને ધાનેરા તાલુકાના મેવાડા ગામમાં અત્યારે ખેતી અને પશુપાલન માટે પાણી નથી મળી રહ્યું જેના કારણે ખેડૂતો અહીં ખેતી પણ નથી કરી શકતા કે પશુપાલન પણ નથી કરી શકતા. જેના લીધે ખેડૂતો પોતાની લાખો કરોડો રૂપિયાની જમીન અને મકાનો મૂકીને હિજરત કરવા મજબૂર બન્યા છે.
Banaskantha: ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેકમાં કંઈક વાસ્તવિકતા અલગ જ જોવા મળી
મહત્વની વાત છે કે ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેકમાં કંઈક વાસ્તવિકતા અલગ જ જોવા મળી છે ગામમાં ખેતી અને પશુપાલન માટે તો ઠીક છે પરંતુ લોકોને પીવા અને નાહવા ધોવા માટે પણ પાણી પૂરતું મળતું નથી. ગામ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેઓને બે ચાર દિવસે ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે પરંતુ એ પણ પૂરું પડતું નથી .
ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બોર બનાવવામાં આવે છે પરંતુ પાણી ન હોવાને કારણે બોર ફેલ થાય છે અને પાણી મળતું નથી જેના કારણે ગામમાં 60 થી 70 ટકા લોકો પોતાની મહામૂલી જમીન અને મકાનો મૂકીને મુંબઈ, સુરત , નવસારી,પાલનપુર સહિત મોટી સીટીઓમાં ધંધાર્થે હિજરત કરી ચાલ્યા ગયા છે.
અહેવાલ: કમલેશ રાવલ, બનાસકાંઠા
આ પણ વાંચો: Gandhinagar નલ સે જલ કૌભાંડમાં 5 લોકોની ધરપકડ, હવે ખુલશે મોટા નામ


