Gondal : 20 વર્ષીય યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, 2 પાનાંની સુસાઇડ નોટ લખી
- Gondal માં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
- આત્મહત્યા કરતા પહેલા યુવકે ઈંગ્લીશમાં સુસાઇડ નોટ લખી
- યુવકે સુસાઇડ નોટમાં લખ્યું- 'હું જીવનનો આ છેલ્લો પ્રયાસ કરી રહ્યો છું...'
- 'હું જીતીશ અને આરામ કરીશ, અથવા શાંતિથી સૂઈ જઈશ...'
Gondal : ગોંડલ જેતપુર રોડ પર પરિમલ સોસાયટીમાં રહેતા 20 વર્ષીય એક યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા યુવકે ઈંગ્લીશમાં સુસાઇડ નોટ લખી હતી. 20 વર્ષીય યુવક ધ્યેય હેમલભાઈ રાદડિયાએ પોતાના ઘરે ગતરાત્રે સૌ પ્રથમવાર પાણીના ટાકામાં પડી આત્મહત્યા કરવાની કોશિશ કરી પણ થઈ શકી નહીં ત્યાર બાદ તે ભીના કપડે પોતાનાં ઘરે પહેલા માળે આવેલ રૂમમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચો - Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને 'DISHA' ની બેઠક યોજાઈ
માહિતી અનુસાર, મૃતક ધ્યેયના પરિવારજનો તેમના સગાને ત્યાં છઠ્ઠીના પ્રસંગે ગયા હતા. પરિવારજનો ઘરે આવતા ધ્યેયનો મોબાઈલ જોવા મળ્યો હતો. ધ્યેય ક્યાંયના દેખાતા ઉપરનાં રૂમમાં શોધવા માટે ગયા હતા, જ્યાં રૂમનું બારણું બંધ હતું, ખખડાવતા રૂમનું બારણું ખોલ્યું ન હતું. અંતે રૂમનાં બારણાને ધક્કો મારી તોડી નાખવામાં આવ્યું હતું. બારણું ખોલતા જ ધ્યેય ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ અને ગોંડલ સિટી પોલીસ (Gondal B Division Police) ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક ધ્યેયના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. મૃતક યુવકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને ગોંડલ B ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી છે.
સુસાઇડ નોટ પોતાની વેદના વ્યક્ત કરી
આપઘાત કરતા પહેલા ધ્યેય રાદડિયાએ (Dhyey Hemalbhai Radadiya) ઇંગ્લીશમાં સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, 'હું જીવનનો આ છેલ્લો પ્રયાસ કરી રહ્યો છું. જ્યારે, હું આ પત્ર લખી રહ્યો છું, ત્યારે ફક્ત બે જ શક્યતા છે. હું જીતીશ અને આરામ કરીશ, અથવા શાંતિથી સૂઈ જઈશ. તમે આ પત્ર વાંચી રહ્યા હશો ત્યારે હું બહુ દૂર પહોંચી ગયો હઈશ..
આ પણ વાંચો - Rath Yatra 2025 : અમદાવાદનાં જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે સહભાગી થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ
ધ્યેય એ પત્રમાં વધુંમાં લખ્યું કે, "આ મારો ત્રીજો પ્રયાસ હશે. પહેલો અને બીજો 8 વર્ષ પહેલાં થયો હતો, જ્યારે હું 13 વર્ષનો હતો અને તે દિવસથી મારું જીવન એક દુઃખદ સ્વપ્ન જેવું બની ગયું છે. આ કોઈ ધંધામાં નિષ્ફળ થવા અથવા પૈસા ગુમાવવા વિશે નથી. મુખ્ય કારણ એ હતું કે મેં આશા ગુમાવી દીધી છે. આ કોઈ ખરાબ દિવસ નથી, 8 વર્ષ થઈ ગયા છે અને હવે મને આશા નથી કે એક દિવસ બધું બરાબર થઈ જશે. દરેક વ્યક્તિ કહે છે કે તમે જે કંઈ પણ કર્યું છે, તે બધું તમને કર્મના રૂપમાં પાછું મળશે. મેં ક્યારેય કોઈને દુઃખ નથી પહોંચાડ્યું, તો પછી મને આટલી સખત સજા કેમ મળી રહી છે ? હું કોના કર્મને ભોગવી રહ્યો છું?"
'શું ખરેખર મારે મરવું છે ? હું શા માટે આત્મહત્યા કરું છું ?'
મૃતક ધ્યેયએ (Dhyey Hemalbhai Radadiya) સુસાઇડ નોટમાં આગળ લખ્યું કે, "શું ખરેખર મારે મરવું છે ? કોઈ પણ વ્યક્તિ મરવા માંગતી હોય એટલે આત્મહત્યા કરતું નથી. તો પછી હું શા માટે કરું છું ? કારણ કે હું પીડાને રોકવા માંગુ છું. હું પણ બીજાની જેમ ખુશ રહેવા માંગતો હતો, પણ અંતે જીવવા માટે મરવા કરતાં વધુ હિંમત જોઈએ છે. હવે, બસ શાંતિની ઊંઘ જોઈએ છે. વિદાય લેવાનો સમય થઈ ગયો છે. દરેક વસ્તુ માટે આભાર." આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Patan : રાજસ્થાનનાં બાલોતરા પાસે પાટણના યુવાનોની કાર ટેલર સાથે ધડાકાભેર અથડાઈ, 2 નાં મોત


