Gondal : બિલિયાળા ગામમાં વાડીમાં પાણીની મોટર ચાલુ કરતા વીજ કરંટથી પિતા-પુત્રના મોત
- ગોંડલનાં બિલિયાળા ગામે રક્ષાબંધન પહેલા બની કરૂણ ઘટના
- Gondal નાં બિલિયાળાની સીમમાં વાડીએ પિતા-પુત્રને શોર્ટ લાગતા બંનેનું મોત
- મોલાતને પાણી પીવડાવવા માટે મોટર ચાલુ કરી તો જોરદાર શોર્ટ લાગ્યો હતો
- પિતા-પુત્રનાં આકસ્મિક મોત બાદ પરિવાર, ગામ શોકમગ્ન થયા
Rajkot : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાથી (Gondal) માત્ર 8 કિમી દૂર બિલિયાળાની સીમમાં વાડીની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરતી વખતે પિતા-પુત્રને શોર્ટ લાગી જતાં તીવ્ર વીજ કરંટને કારણે બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બે બહેનો વચ્ચે એકનાં એક ભાઇનું રક્ષાબંધન પૂર્વે આકસ્મિક મોત થતા પરિવારમાં હૈયાફાટ રુદન સાથે શોક છવાયો છે. ઘટનામાં પરિવારે તેનાં મોભી પણ ગુમાવ્યા હોય નાનું એવું બિલિયાળા ગામ શોકમગ્ન બન્યુ હતું.
આ પણ વાંચો - Mehsana : વિજાપુર પાસે ગમખ્વાર અકસ્માત, કાર-રિક્ષાની ટક્કરમાં 28 દિવસના માસૂમનું મોત
પિતા-પુત્ર મોલાતને પાણી પીવડાવવા માટે મોટર ચાલુ કરી, શોર્ટ લાગ્યો
પ્રાપ્ત વિગત મુજબ, બિલિયાળા ગામમાં (Biliyala Village) રહેતા ભીખાભાઈ ભોવનભાઇ હિરપરા (ઉં.55) અને તેમનો પુત્ર ક્રીસ (ઉ.19) નિત્યક્રમ મુજબ સાંજે પોતાની વાડીએ ગયા હતા. વાવણી કરી હોય મોલાતને પાણી પીવડાવવા માટે વાડીની ઓરડીમાં જઇ પાણીની મોટર ચાલુ કરવા જતાં પિતા-પુત્રને વીજ કરંટ લાગ્યો હતો. જોરદાર વીજ કરંટને (Electric Shock) કારણે બંને ફંગોળાયા હતા અને ઘટના સ્થળે જ બંનેનું મોત નીપજ્યું હતું.
ઘણો સમય વીતી જતાં પાડોશી વાડીએ ગયા તો જાણ થઈ
ઘણો સમય થઈ જતાં પિતા-પુત્ર ઘરે ન આવતા ભીખુભાઈના પત્નીએ વારંવાર ફોન કરવા છતાં માત્ર રીંગ વાગતી હોવાથી, કંઇક અજુગતું બન્યાની શંકાએ પાડોશમાં રહેતા ભરતભાઈને જાણ કરી હતી. ત્યાર બાદ તેઓ વાડીએ દોડી જતા પિતા-પુત્રને મૃત હાલતમાં જોતા તેમણે સગા-સબંધીઓને જાણ કરી હતી.
આ પણ વાંચો - Amreli : બાળસિંહોનાં મોત વચ્ચે વધુ એક સિંહણનું મોત, વનતંત્ર દોડતું થયું!
પિતા-પુત્રનાં મોતથી પરિવાર શોકમગ્ન
બનાવનાં પગલે બિલિયાળાનાં સરપંચ દીપકભાઈ (લાલો) રુપારેલીયા, યુવા અગ્રણી ગણેશભાઈ, સમીરભાઈ કોટડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પિતા-પુત્રના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ (Gondal Government Hospital) ખસેડ્યા હતા. બનાવની કરુણતા એ છે કે પાંચ દિવસ પછી રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે. તે પહેલા બે બહેનોનો લાડકવાયો ભાઈ અને પરિવારનો આશાસ્પદ દીકરો ક્રિશનું આકસ્મિક નોત નીપજતાં બહેનો સહિત પરિવાર શોકમગ્ન થયો છે. ઉપરાંત, પરિવારના મોભી ભીખાભાઈનું પણ મોત નીપજ્યું હોવાથી પરિવાર નોંધારો બન્યો છે.
રક્ષાબંધન પહેલા ભાઈને ગુમાવતા બહેનો પર આભ તૂટ્યું
ભીખુભાઈ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં બે પુત્રી અને એકનો એક દીકરો ક્રીશ હતો. ક્રિશ રાજકોટની આત્મિય કોલેજ માં BBA નાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ઘટનાની જાણ થતા પીજીવીસીએલ સ્ટાફ તથા તાલુકા પોલીસ (Gondal Taluka Police) સ્ટાફ હોસ્પિટલ દોડી આવી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસનાં એએસઆઇ કર્મવિરસિહ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Surat : ડિલિવરી બોય મિત્રને કામ નહોતું મળતું, ધો.10 માં ભણતો મિત્ર નાપાસ થયો, તણાવમાં બંને ભર્યું અંતિમ પગલું!


