Gondal Marketing Yard ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, 4500 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું
- ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્રનો પ્રારંભ થયો
- ગોંડલ તાલુકાના 4500 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું
- આજરોજ પ્રથમ 100 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતાં
Gondal Marketing Yard: સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્રનો પ્રારંભ થયો છે. જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેરની ગોંડલ તાલુકાનું પ્રથમ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. ગોંડલ તાલુકાના 4500 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આજરોજ પ્રથમ 100 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતાં. જેમાં 20 ખેડૂતો ટેકાના ભાવે તુવેર વેચવા માટે ગોંડલ યાર્ડ ખાતે શરૂ કરેલ કેન્દ્ર પર આવી પહોચ્યા હતાં.
પ્રથમ ખેડૂતનું હારતોરા કરી સન્માન કરવામાં આવ્યું
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ટેકાના ભાવે તુવેરની ખરીદ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેરડી (કુંભાજી) ગામના પ્રથમ ખેડૂત અરવિંદભાઈ નરોડીયાનું કુમ કુમ તિલક, હારતોરા અને મો મીઠું કરી સન્માન કરવામાં આવ્યું હતું. જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરા દ્વારા શ્રી ફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, ડિરેક્ટર પ્રફુલભાઈ (બાવભાઈ) ટોળીયા, કચરાભાઈ વૈષ્ણવ, જીતુભાઈ જીવાણી, જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: જ્ઞાન પ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી, જલારામ બાપા પરના નિવેદનથી ફેલાયો આક્રોશ
ગોંડલ યાર્ડના યાર્ડના ચેરમેને સરકારનો આભાર માન્યો
ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે આજથી 20 કિલોના રૂપિયા 1510/- ટેકાના ભાવે તુવેરની ખરીદીના કેન્દ્રનો પ્રારંભ થયો છે. સૌ પ્રથમ ખેડૂત આપણા ભગવાન છે એટલે તેમનું ચાંદલો કરી હારતોરા કરી સન્માન કરવામાં આવ્યું છે. સાથે સરકારને અભિનંદન સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કારણકે એક ખેડૂત દીઠ 200 મણ ની ટેકાના ભાવે ખરીદી કરવાના છે. ભારતના ઇતિહાસમાં હમણાં જે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી છે એ ક્યારેય કોઈએ કલ્પના નો કરી હોય સૌરાષ્ટ્રના ખેડૂતોની જે મગફળીના રૂપિયા 900 થી 1000 ભાવ જતા હતા ત્યારે સરકારે ઊંચા ભાવે ખરીદી કરી ખેડૂતોની ખભે ખભો મિલાવી સાથે ઉભી રહી છે એવી જ રીતે અત્યારે તુવેરની ખરીદી કરી ખેડૂતોની સાથે ઉભી રહી છે. ગોંડલ તાલુકાની અંદર 4500 જેટલી એન્ટ્રી નોંધણી છે. ખેડૂતો માટે આજે દિવાળી જેવો માહોલ છે કારણકે જ્યારે જ્યારે ભાવ નબળા હોય ત્યારે સરકાર ખરીદીમાં આવી જાય જેનો ફાયદો ખેડૂતોને ઉંચી બજાર મળે તેમજ જેટલો જથ્થો સરકાર પાસે ખરીદી થાય એટલો જથ્થો બજારમાં ખૂટે એને હિસાબે પણ બજારમાં ભાવ ઉંચો રહેતો હોય છે. યાર્ડના ચેરમેને દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીનો આભાર માન્યો હતો. તેમજ જામવાડી સેવા સહકારી મંડળીનો આભાર માનતા જણાવ્યું હતું કે ગયા વખતે જામવાડી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં નોંધનીય કામગીરી કરી હતી જેને હિસાબે સરકારે તેમને ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્ર આપી છે.
આ પણ વાંચો: હરિયાણામાં ગુજરાત ATS અને હરિયાણા STFનું સંયુક્ત ઓપરેશન, આતંકી અબ્દુલ રહેમાનની ધરપકડ
સરકારે ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો
જામવાડી સેવા સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્વારા આજે માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેર ખરીદીનો પ્રારંભ થતા મોવિયા ગામથી તુવેર લઈને આવેલ ખેડૂત બ્રિજેશભાઈ ખૂંટ એ જણાવ્યું હતું કે, આજથી સરકારે ટેકાના ભાવે રૂપિયા 1510/- તુવેરની ખરીદી કરતા સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભાવ સારા છે તેવું જણાવ્યું હતું. જામવાડી જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ વિનુભાઈ મોણપરા જણાવ્યું હતું કે સરકારે આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્રનો પ્રારંભ કર્યો છે ત્યારે અમે પ્રથમ 100 ખેડૂતોને બોલાવ્યા હતા જેમાં 20 ખેડૂતો ગોંડલ યાર્ડ ખાતે આવી પોહચ્યા હતા. ખેડૂતોને ટેકાના ભાવે તુવેરના સારા ભાવ મળી રહે છે જેને લઈને ખેડૂતો ખુશ છે આજરોજ અમારી મંડળી દ્વારા ટેકાના ભાવે તુવેર વેચવા આવેલ ખેડૂતો તેમજ મજૂરોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી.


