Gondal : નકલંક ધામ શ્રદ્ધાથી ઝળહળ્યું, પ્રથમ વખત 11 તુલસી વિવાહનું ભવ્ય આયોજન
- Gondal નાં વોરા કોટડા રોડ પર નકલંક ધામ (ઠાકર દ્વારા) ખાતે દિવ્ય આયોજન
- ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 11 તુલસી વિવાહનું ભવ્ય આયોજન
- 16 ફૂટની યજ્ઞરૂપી અગરબત્તી અને 7 ફૂટનો લાકડાનો માણેક સ્થંભ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર
- મોટી સંખ્યામાં જાનૈયાઓએ રાસ-ગરબા અને હુડા રમીને ઉત્સાહ વ્યક્ત કર્યો
Gondal : દેવ દિવાળીના પાવન અવસરે સમગ્ર ગુજરાતમાં ઉત્સવનો માહોલ છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલનાં વોરા કોટડા રોડ પર આવેલા નકલંક ધામ (ઠાકર દ્વારા) ખાતે એક અભૂતપૂર્વ અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું. રાણીમાં રૂડીમાં ઠાકરની આ પવિત્ર જગ્યામાં ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 11 તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું હતું.
આ અવસરે સંતો-મહંતો, ભરવાડ સમાજનાં આગેવાનો અને હજારો ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. ગોંડલનાં નકલંક ધામમાં દેવ દિવાળીનું પર્વ આસ્થા અને ભક્તિનાં ત્રિવેણી સંગમ સમું બન્યું. આ દિવ્ય આયોજનમાં 16 ફૂટની યજ્ઞરૂપી અગરબત્તી અને 7 ફૂટનો લાકડાનો માણેક સ્થંભ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ કાર્યક્રમમાં પધારવા માટે નકલંક ધામના રતનમાં દ્વારા સર્વે ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 11 દિવ્ય વિવાહનાં સાક્ષી બનવા ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો - Amreli : એક તરફ શાબ્દિક પ્રહાર, બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના આ MLA ના કર્યા વખાણ
Gondal માં તુલસી વિવાહ, 4 ઘોડાબગી- 11 શણગારેલી ગાડીઓ જોડાઈ
વિવાહ પ્રસંગ પૂર્વે, 11 ઠાકરની ભવ્ય જાન વોરા કોટડા રોડ પર રોયલ પ્રાઈમ પાસેથી વાજતે-ગાજતે નકલંક ધામ ખાતે પહોંચી હતી. આ જાનમાં એક ઘોડાબગી તેમ જ 11 શણગારેલી ગાડીઓ જોડાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જાનૈયાઓએ રાસ-ગરબા અને હુડા રમીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ દિવ્ય પ્રસંગે દેવળીયા ગામના ચોરાના ઠાકરના માવતર (ગામ સમસ્ત) દ્વારા પરંપરાગત મોરલનાં શણગાર સાથે નેહડાનો પહેરવેશ પહેરીને હાજરી આપવામાં આવી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ધામ ખાતે પધારેલા 11 ઠાકરનું રતનમાં અને તેમના ગુરૂ જાનબાઈમાં દ્વારા કંકુ-ચોખા કરી સામૈયા કરવામાં આવ્યા હતા. જે બાદ, 11 બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે 11 તુલસી વિવાહની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Amit Khunt Case : મૃતક યુવક અમિત ખૂંટના ભાઈએ રાજ્યનાં જેલ વડાને કરી રજૂઆત, લગાવ્યા ગંભીર આરોપ
આ ગામોના પરિવારોને માવતર બનવાનું સૌભાગ્ય મળ્યું
આ 11 દિવ્ય વિવાહમાં તુલસીમાં અને ઠાકરના માવતર (યજમાન) બનવાનું સૌભાગ્ય સુલતાનપુર, આટકોટ, સાંઢવાયા, શિવરાજગઢ, હરેંડા, ખરેડા, રાજકોટ, ડાળીયા, જામકંડોરણા, રાજપરા અને રાજગઢ સહિતના ગામોના પરિવારોને પ્રાપ્ત થયું હતું. આયોજનમાં મચ્છુ નગર ગ્રુપ દ્વારા ભક્તોને શરબત સેવા આપવામાં આવી હતી, તો લાંબરીયા પરિવાર (બગદળીયા) તરફથી 7 ફૂટનો સુંદર માણેકસ્તંભ અર્પણ કરાયો હતો, જેની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. ખરેખર, નકલંક ધામ ખાતેનું આ ભવ્યાતિભવ્ય આયોજન ગોંડલના ઇતિહાસમાં યાદગાર બની રહેશે, જ્યાં શ્રદ્ધા, પરંપરા અને સામુદાયિક સેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Gir Somnath : ધરતીપુત્રોની વ્હારે આવ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત


