Jetpur ઓવરબ્રિજ પર મહિલાઓનો ચક્કાજામ, પોલીસે કડક વલણ અપનાવ્યું
- Jetpur ઓવરબ્રિજ પર મહિલાઓનો ચક્કાજામ, પોલીસે કરી અટકાયત
- ચામુંડાનગર મહિલાઓનો હલ્લાબોલ, ટ્રાફિક ઠપ – પોલીસ એક્શનમાં
- ઓવરબ્રિજ વિવાદ: માર્ગ રોકનાર મહિલાઓને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી
Jetpur : જેતપુરના ધોરાજી રોડ પર આવેલા નવા ઓવરબ્રિજ પર ગઇકાલે સવારે સ્થાનિક મહિલાઓએ ચક્કાજામ કર્યું હતું. જેને લઇને પોલીસે કડક કાર્યવાહી કરી છે. બ્રિજ નીચેનો રસ્તો અને ફાટક બંધ કરી દેવાતા રોષે ભરાયેલી ચામુંડાનગરની મહિલાઓએ બ્રિજ પર હલ્લાબોલ કરી વાહન વ્યવહાર થંભાવી દીધો હતો. જોકે, ટ્રાફિકની સમસ્યા વકરતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આંદોલનકારી મહિલાઓની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી હતી.
સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓ રણચંડી બની (Jetpur)
બનાવની વિગત મુજબ, ધોરાજી રોડ પર ઓવરબ્રિજ કાર્યરત થયા બાદ તંત્ર દ્વારા નીચેનું રેલવે ફાટક અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક રહીશોને સામેની બાજુ જવા માટે કિલોમીટરો સુધી ફરીને જવું પડે છે. આ સમસ્યાનો ઉકેલ ન આવતા ગઇકાલે મહિલાઓ રણચંડી બની રસ્તા પર ઉતરી આવી હતી અને બ્રિજ બ્લોક કરી દીધો હતો.
પોલીસે કડક વલણ અપનાવ્યું
ચક્કાજામને પગલે બ્રિજ પર વાહનોની લાંબી લાઈનો લાગી જતા જેતપુર પોલીસ (Jetpur Police) નો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે શરૂઆતમાં મહિલાઓને સમજાવીને રસ્તો ખુલ્લો કરવા વિનંતી કરી હતી, પરંતુ મહિલાઓ પોતાની માંગ પર અડગ રહી હતી અને રસ્તા પરથી હટવાની ના પાડી દીધી હતી. અંતે પરિસ્થિતિને કાબુમાં લેવા અને ટ્રાફિક પૂર્વવત કરવા માટે પોલીસે કડક વલણ દાખવ્યું હતું. મહિલા પોલીસની મદદથી ચક્કાજામ કરી રહેલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી બાદ બ્રિજ પરનો ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થયો હતો.
અહેવાલ - હરેશ ભાલિયા, જેતપુર
આ પણ વાંચો : Rajkot : જેતપુરમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ!


