જેતપુરમાં દેશી દારૂના વેચાણ પર મહિલાઓમાં ભારે રોષ, દારૂના અડ્ડા પર કર્યો હલ્લાબોલ
- જેતપુરમાં મહિલાઓનો દારૂના દૂષણનો વિરોધ, ચામુંડાનગરમાં ફરી ‘જનતા રેડ’
- પોલીસની કામગીરી સામે મહિલાઓનો આક્રોશ, દારૂના અડ્ડા પર હલ્લાબોલ
- ચામુંડાનગરમાં મહિલાઓ રણચંડી બની, બુટલેગરો સામે ખુલ્લુ મોરચું
Jetpur : જેતપુરના ધોરાજી રોડ પર આવેલા ચામુંડાનગરમાં દેશી દારૂના દૂષણને ડામવામાં પોલીસ નિષ્ફળ નીવડતા આખરે મહિલાઓએ કાયદો હાથમાં લીધો છે. સ્થાનિક મહિલાઓએ સતત બીજા દિવસે રણચંડી બનીને દારૂના અડ્ડા પર 'જનતા રેડ' કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. મહિલાઓએ રોષ સાથે આક્ષેપ કર્યો હતો કે પોલીસ બુટલેગરોને પકડે છે પરંતુ માત્ર અડધી કલાકમાં જ છોડી મુકે છે, જેના કારણે બુટલેગરો બેફામ બન્યા છે.
મહિલાઓએ કરી જનતા રેડ
બનાવની વિગત મુજબ, ચામુંડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ ધમધમી રહ્યું છે. ગઈકાલે પણ અહીંની જાગૃત મહિલાઓએ એકત્ર થઈને જનતા રેડ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. જોકે, સ્થાનિક મહિલા શિલ્પાબેન રાજપરાના જણાવ્યા મુજબ, પોલીસ આરોપીને લઈ ગઈ હતી પરંતુ માત્ર અડધો કલાકમાં જ તેને છોડી મુક્યો હતો. જે બાદ સાંજે ફરીથી દારૂનું વેચાણ શરુ થઈ ગયું હતું અને બુટલેગરોએ મહિલાઓને ખૂન કરી નાખવાની ધમકી આપી હતી. પોલીસની આવી કામગીરીથી અકળાયેલી મહિલાઓએ ગઇકાલે (મંગળવાર) સવારે ફરીથી એકઠા થઈને બીજા દિવસે પણ દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જેમાં દારૂ અને હથિયારો પણ મળી આવ્યા હોવાનો દાવો મહિલાઓએ કર્યો છે.
દીકરીઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ
અન્ય એક સ્થાનિક મહિલા નીતાબેન રાજપરાએ જણાવ્યું હતું કે, "અમે પોલીસ, મામલતદાર અને આગેવાનોને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પરિણામ આવતું નથી. અમારા વિસ્તારમાં દારૂડિયાઓ રસ્તા પર ઉભા રહીને દારૂ પીવે છે, જેના કારણે અમારી જુવાન દીકરીઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે." રોષે ભરાયેલી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક પોલીસ કાર્યવાહી નહીં કરે તો તેઓ રાજકોટ એસ.પી. અને ગાંધીનગર સુધી રજૂઆત કરવા જશે. હાલ તો જેતપુર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
પોલીસ અડધા કલાકમાં છોડી મુકે, સાંજે ફરી ધંધો શરુ!
મહિલાઓએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમે 5 વર્ષથી ફરિયાદો કરીએ છીએ. સોમવારે રેડ કરી તો પોલીસ આરોપીને લઈ ગઈ અને અડધી કલાકમાં પાછો મોકલી દીધો. છૂટીને આવેલા બુટલેગરે વિસ્તારમાં દાદાગીરી કરી મહિલાઓને કહ્યું હતું કે, "તમારું ખૂન કરી નાખીશું." શું જેતપુર પોલીસ બુટલેગરો સામે લાચાર છે કે પછી તેમની મીઠી નજર છે? તેવો સવાલ જનમુખે ચર્ચાઈ રહ્યો છે.
અહેવાલ - હરેશ ભાલિયા, જેતપુર
આ પણ વાંચો : Jetpur ઓવરબ્રિજ પર મહિલાઓનો ચક્કાજામ, પોલીસે કડક વલણ અપનાવ્યું