Rajkot: મળવા ગયેલા પ્રેમીને પરણિત પ્રેમિકાના પિતા આપી મોતની સજા, વાંચો આ ચોંકાવનારી ઘટના
- રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના આવી સામે
- પરણિત પ્રેમિકાને મળવા જતા પ્રેમિકાના પિતાએ કરી હત્યા
- રાજકોટના રેલનગર વિસ્તારમાં બની લોહિયાળ ઘટના
Rajkot: રાજકોટમાં એક યુવકને પોતાની પ્રેમિકાને મળવા જવા માટેની સજા મળી છે. 32 વર્ષીય આસિફ સોરા નામના પ્રેમીની હત્યા બુધવારના રોજ રેલનગર વિસ્તારમાં પોતાની પરણિત પ્રેમિકા મુસ્કાનના પિતા 65 વર્ષીય રાજેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઉપલેટા ખાતે અગાઉ બેન્ક લોન કરાવવાના વ્યવસાય સાથે સંકળાયેલ આસિફ સોરા પોતાની પરણિત પ્રેમિકા મુસ્કાનને મળવા માટે બુધવારના રોજ રાજકોટ આવ્યો હતો. ત્યારે પોતાની પરણિત પ્રેમિકાને મળવા માટે તે તેણીના રેલનગર સ્થિત આવેલા હેત બંગ્લોઝ નામની સોસાયટી ખાતે પહોંચ્યો હતો.
આ પણ વાંચો: શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના, બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી
રાજેન્દ્ર રાઠોડ અને આસિફ વચ્ચે બોલા ચાલી થઈ અને..
નોંધનીય છે કે, સાંજના સમયે પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી રાજેન્દ્ર રાઠોડ પોતાની પરિણીત દીકરીને તેના પ્રેમી આસિફ સોરા સાથે જોઈ જતા રાજેન્દ્ર રાઠોડ અને આસિફ વચ્ચે બોલા ચાલી થઈ હતી. બોલાચાલી અંતર્ગત રાજેન્દ્ર રાઠોડ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ ઘરમાં રહેલ છરી વડે આસીફના પગના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી આસિફને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સારવાર અર્થે પ્રેમિકા મુસ્કાન દ્વારા આસીફને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આસિફનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Rajkot: કેકેવી બ્રિજ નીચે ગેમ ઝોન બનતા સ્થાનિકોનો વિરોધ, ફરી અકસ્માતનો ભય
છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું
આમ બનાવ હત્યામાં પરિવર્તિત થયો હોવાનું સામે આવ્યું છે. હત્યાનો બનાવ સામે આવતા ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.જે.ચૌધરી તેમજ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના સ્ટાફ દ્વારા ક્રાઇમ સીનને મોનિટર કરવામાં આવ્યો હતો. તો સાથે જ જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. ડીસીપી જગદીશ બાંગરવાના જણાવ્યા અનુસાર મૃતક આસિફ અને આરોપી રાજેન્દ્ર રાઠોડની પુત્રી વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે બોલા ચાલી અને ઝપાઝપીની ઘટના અંદાજિત સાંજના 4:30 વાગ્યા આસપાસ બની હતી. બનાવ સમયે આસિફ, રાજેન્દ્ર રાઠોડ તેમજ રાજેન્દ્ર રાઠોડની પરિણીત દીકરી અને દોહિત્રી હાજર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: દ્વારકાધીશ મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી
ટૂંકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું
સમગ્ર ઘટનાની વિગત સાથે વાત કરવામાં આવે તો હોસ્પિટલ ખાતે મૃતક આસીફને તેની પ્રેમિકા સારવાર અર્થે લઈ આવી હતી. મૃતકને મોટા પ્રમાણમાં પગેથી લોહી વહેવાના કારણે તેનું ટૂંકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા હાલ રાજેન્દ્ર રાઠોડની અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો છે. આસિફ અને મૃતકની દીકરી કઈ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.
અહેવાલઃ ગૌતમ ભેડા, રાજકોટ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


