ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot TRP ગેમ ઝોન અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ, ન્યાય હજુ બાકી...

અગ્નિ કાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ક્યારે ન્યાય મળશે તેની રાહમાં બેઠા છે
07:21 AM May 25, 2025 IST | SANJAY
અગ્નિ કાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ક્યારે ન્યાય મળશે તેની રાહમાં બેઠા છે
Rajkot TRP Gamezone fire incident

Rajkot TRP Game Zone fire : અગ્નિ કાંડ સર્જાયાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ અગ્નિ કાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ક્યારે ન્યાય મળશે તેની રાહમાં બેઠા છે. અગ્નિ કાંડમાં એક નહીં બે નહીં પરંતુ 27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અગ્નિ કાંડમાં 27 લોકો આગમાં તે રીતે ભડથું થયા હતા કે તેમની લાશની ઓળખ કરવા માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક વર્ષ બાદ પણ પરિવારજનો સહિતના માંગ કરી રહ્યા છે કે અગ્નિ કાંડ કેસનો હિયરિંગ ડે ટુ ડે ચાલે પરંતુ કાયદામાં રહેલ છટકબારી કહો કે વિધિના લેખ 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત ફરી રહ્યા છે.

Rajkot TRP Game Zone

જાણો શું હતી સમગ્ર ઘટના

ઉનાળાના વેકેશનનો સમય હતો. શનિવારનો દિવસ લોકો પોતાના સ્વજનોને ત્યાં રોકાવા પણ આવ્યા હતા. તો બીજી તરફ ગેમ ઝોનના સંચાલકોએ લોકોને આકર્ષવા માટે જુદી જુદી ગેમની સ્કીમો પણ બહાર પાડી હતી. જેના કારણે સામાન્ય દિવસો કરતા લોકોની ભીડ પણ વધુ જોવા મળી હતી. લોકો થોડીક ક્ષણો પૂર્વે જે ગેમ ઝોનમાં આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા. ત્યારે થોડીક જ ક્ષણોમાં પળભરનો આનંદ લોકોની ચીચીયારીઓમાં ફેરવાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ફાયર વિભાગના રેસ્ક્યૂ ઓપરેશનમાં એક પણ વ્યક્તિ જીવતો બહાર ન નીકળી શક્યો હોવાનું સામે આવ્યું હતું. ગેમ ઝોન ખાતેથી નીકળી શકી હતી તો માત્ર આગમાં ભડથું થઈ ગયેલા માસૂમોની લાશ.

હજુ સુધી આ મામલે કોઈપણ નિર્ણય લેવામાં નથી આવ્યો

સમગ્ર બનાવ સંદર્ભે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે TRP ગેમ ઝોનના ભાગીદારો અને ઘટનામાં મૃત્યુ પામેલા પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈન, અશોક સિંહ જાડેજા, કિરીટ સિંહ જાડેજા, રાહુલ રાઠોડ, યુવરાજસિંહ સોલંકી, મહેશ રાઠોડ, બી.જે.ઠેબા, આઈ.વી.ખેર, મનસુખ સાગઠીયા, ગૌતમ જોષી, મુકેશ મકવાણા, રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી, રોહિત વિગોરા સહિત કુલ 16 વ્યક્તિઓ વિરુદ્ધ IPC ની કલમ 304, 308, 337, 338, 114 સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંતર્ગત જુલાઈ 2024માં નીચલી કોર્ટમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર મામલો 21 / 08 / 2024મા સેશન્સ કમિટ થતા મામલો સેશન્સ કોર્ટમાં પહોંચ્યો હતો.

Rajkot TRP game zone

અત્યાર સુધીમાં 9 મહિનાના સમયગાળા દરમિયાન 23 જેટલી મુદ્દતો સેશન્સ કોર્ટમાં પડી ચૂકી છે

અત્યાર સુધીમાં 9 મહિનાના સમયગાળા દરમિયાન 23 જેટલી મુદ્દતો સેશન્સ કોર્ટમાં પડી ચૂકી છે. તેમજ આજ સુધીમાં 4 જેટલા આરોપીઓને હાઇકોર્ટમાંથી રાહત મળતા તેઓ હાલ જામીન પર મુક્ત થયા છે. તો બીજી તરફ સમગ્ર કેસ સેશન્સ કમિટ થયા બાદ પણ આરોપીઓ દ્વારા પોતાના વકીલ રોકવામાં ન આવતા ઘણા સમય સુધી કોર્ટની ટ્રાયલની કામગીરીમાં વિવધાન ઊભા થયા હતા. પીડિતોના વકીલો તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર દ્વારા કેસનું ડે ટુ ડે હીયરિંગ કરવામાં આવે તેની માંગ પણ કરવામાં આવી છે. જોકે હજુ સુધી આ મામલે કોઈપણ નિર્ણય લેવામાં નથી આવ્યો.

જો સમયમસર ન્યાય ન મળે તો તે ન્યાય ન મળ્યા બરોબર

કાયદાના ક્ષેત્રમાં, વિલિયમ ઇ. ગ્લેડસ્ટોન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવામાં આવી હતી. Justice delay is justice denied એટલે કે જો સમયમસર ન્યાય ન મળે તો તે ન્યાય ન મળ્યા બરોબર છે. ગેમ ઝોન અગ્નિ કાંડને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. 15 આરોપીઓ પૈકી 11 આરોપીઓ જેલમાં છે. 4 આરોપીને હાઇકોર્ટમાંથી રાહત મળતા તેઓ હાલ સામાન્ય જીવન જીવી રહ્યા છે. તો બીજી તરફ જે લોકોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે તેઓના જીવનમાં આજે પણ અગ્નિ કાંડની જ્વાળાઓ ફેલાયેલી જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા અગ્નિ કાંડમાં ભોગ બનનાર પરિવારોની હાલ શું સ્થિતિ છે તે બાબતે પણ જાણવાનો તેમના દુઃખમાં સહભાગી થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

અગ્નિ કાંડ સંદર્ભે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેમજ ડે ટુ ડે તેનું હીયરીંગ થવું જોઈએ

ગુજરાત ફર્સ્ટ દ્વારા રાજકોટ શહેરના આકાશવાણી ચોક પાસે રહેતા તેમજ લોન્ડ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા મોડાસીયા પરિવાર સાથે વાતચીત કરી હતી. મોડાસા પરિવારે અગ્નિકાંડમાં પોતાના એક નહીં પરંતુ ત્રણ ત્રણ વ્યક્તિઓને ગુમાવવાનો વારો આવ્યો હતો. આજે પણ પરિવાર જ્યારે અગ્નિકાંડના ભયાવહ દિવસને યાદ કરે છે ત્યારે તેમના આંખમાંથી આંસુ સરી પડે છે. પોતાની બે બે દીકરી તેમજ એક જમાઈને ગુમાવનારા અશોકભાઈ મોડાસીયા જણાવે છે કે, અગ્નિ કાંડ સંદર્ભે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેમજ ડે ટુ ડે તેનું હીયરીંગ થવું જોઈએ. તેમજ આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ તેમજ જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓ છેલ્લા સળિયા પાછળ જ જીવવા જોઈએ. તેમજ જેટલા પણ આરોપીઓની બેનામી સંપત્તિ મળી આવી છે તેમની સંપત્તિ સરકારે સારા કામે વાપરવી જોઈએ.

RAJKOT SOFFICIALS SUSPEND

આરોપીઓને એટલી જ સજા થવી જોઈએ જેટલી તકલીફમાંથી અમે છીએ

ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં અશોકભાઈના પત્ની અમિતા બહેને વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારી દીકરી ખુશાલીના લગ્ન ત્રણ મહિના પૂર્વે જ વિવેક દુશારા નામના વ્યક્તિ સાથે થયા હતા. અગ્નિકાંડ જ્યારે સર્જાયો ત્યારે મારી દીકરીએ માત્ર ત્રણ મહિનાનો જ લગ્નજીવન ભોગવ્યું હતું. જ્યારે કે મારી બીજી દીકરી તીશા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. અગ્નિકાંડમાં મારી બંને દીકરીઓ તેમજ જમાઈ આગમાં ભડથું થઈ ગયા હતા. મારી બંને દીકરીઓ તેમજ જમાઈ અટલ સરોવર ખાતે ફરવા જવાના હતા. પરંતુ અટલ સરોવર ખાતે ફરવા ન જઈને તેવો ગેમ ઝોન ખાતે મસ્તી કરવા ગયા હતા. સાંજના ચાર વાગ્યે જ્યારે મેં મારી દીકરીઓ સાથે વાતચીત કરી ત્યારે તેઓ કહી રહ્યા હતા કે અમે અટલ સરોવર ફરવા જઈએ છીએ.

દીકરીઓ અને જમાઈ પરત ન ફરતા પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી

અગ્નિકાંડ સર્જાયાના કલાકો બાદ પણ દીકરીઓ અને જમાઈ પરત ન ફરતા પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમજ ગેમ ઝોન ખાતે મારી નાનકડી દીકરીએ ફોટો પાડીને સ્નેપચેટમાં સ્ટોરી મૂકી હતી. જે સ્ટોરી મારી નાનકડી દીકરીની બહેનપણીએ જોઈ હતી. ત્યારબાદ નાનકડી દીકરીની બહેનપણીએ મારા પતિ સહિતનાઓને જાણ કરી હતી કે, અમારા સ્વજનો પણ અગ્નિકાંડ સર્જાયો તે જગ્યાએ ગેમ ઝોન ખાતે બોલિંગ સહિતની રમતો રમી રહ્યા હતા. તો બીજી તરફ 26મી તારીખના રોજ પરિવારજનો દીકરી અને જમાઈ જે ટુ વ્હિલરમાં ગયા હતા તેની શોધ માટે ગેમ ઝોન ખાતે પહોંચ્યા ત્યારે ટુ વ્હીલર ગેમ ઝોન ખાતેથી મળી આવ્યું હતું. તેમજ ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. DNA ટેસ્ટ બાદ અમને અમરા સ્વજનોની લાશ મળી હતી. પરંતુ અમે તેમના ચહેરા જોઈ શક્યા નહોતા. ત્યારે આરોપીઓને એટલી જ સજા થવી જોઈએ જેટલી તકલીફમાંથી અમે હાલ પસાર થઈ રહ્યા છીએ.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 25 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

 

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGujarati NewsGujarati Top NewsJustice Gujarat todayRAJKOTTop Gujarati Newstrp game zone fire
Next Article