Rajkot : રીબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર મોડી રાત્રે ફાયરિંગ, હુમલાની જવાબદારી સ્વિકારતો વીડિયો વાયરલ
- રીબડા ગામે Aniruddhasinh Jadeja ના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ
- મોડી રાત્રે 2 બુકાનીધારીઓએ બાઈક પર આવીને ગોળીબાર કર્યો
- આ ફાયરિંગની જવાબદારી સ્વિકારતો વીડિયો Hardiksinh એ જાહેર કર્યો છે
Rajkot : ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજા (Aniruddhasinh Jadeja) ના ભત્રીજાના પેટ્રોલ પંપ પર 2 બુકાનીધારીઓ બાઈક પર આવીને ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી જનાર બન્ને શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. આ સમગ્ર બનાવ અંગે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) સામે ફરિયાદમાં શંકા વ્યક્ત કરાઈ હતી. જો કે હાર્દિકસિંહ જાડેજા (Hardiksinh Jadeja) નામના વ્યક્તિ એ ઈન્સ્ટાગ્રામ પર ફાયરિંગની જવાબદારી સ્વીકારી છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાક્રમ
ગત મોડી રાત્રે રીબડા ગામે આવેલ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ ભાગીરથસિંહ જાડેજાની માલિકીના રીબડા પેટ્રોલિયમ નામક પેટ્રોલ પંપ પર 2 બુકાનીધારીઓ બાઈક પર આવીને ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગ બાદ શંકાની સોંય ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે તકાઈ રહી હતી. જો કે સમગ્ર ઘટનામાં હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ એ ઈન્સ્ટાગ્રામ પર ફાયરિંગની જવાબદારી સ્વીકારતો વીડિયો પોસ્ટ કર્યો છે. જેનાથી જયરાજસિંહ જાડેજા હાલ પૂરતા શંકાના દાયરાની બહાર નીકળી ગયા છે.
આ પણ વાંચોઃ Gujarat News: પાટનગર ગાંધીનગરમાં 2 દિવસનો રહેશે પાણીકાપ
પોલીસ કાર્યવાહી
રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર 2 બુકાનીધારીઓ બાઈક પર આવીને ફાયરિંગ કરવાની ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ તાલુકા પોલીસે બીએનએસની કલમ 109,54 તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જયારે એલસીબી, એસઓજી સહીતની ટીમે અલગ આલગ દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ફાયરિંગની જવાબદારી લીધી
આ સમગ્ર ઘટનામાં એક તરફ જયરાજસિંહ જાડેજા દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જયારે બીજી તરફ હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને ફાયરિંગની જવાબદારી સ્વીકારી લીધી છે. હાર્દિકસિંહ જાડેજાએ વીડિયોમાં જણાવ્યું છે કે, આ તો ટ્રેલર છે, હું તમારા ઘર પર પણ ફાયરિંગ કરાવી શકતો હતો પણ તમે બંને (અનિરુદ્ધસિંહ - રાજદીપસિંહ) બંને ફરાર છો એટલે ઘર પર ફાયરિંગ ન કરાવ્યું. વધુમાં હાર્દિકસિંહ જાડેજાએ રાજદીપસિંહ અને પીન્ટુભાઈ ખાટડી તમને બંનેને મરાવી જ નાખીશ તેવી ધમકી પણ ઉચ્ચારી છે. ફાયરિંગની જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહ જાડેજા મૂળ ભાવનગર જિલ્લાના અડવાળ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. અગાઉ તે હત્યાના ગુનામાં પકડાઈ ચુક્યો હોય અને તે ગુનામાં પેરોલ મેળવી ભૂગર્ભમાં ઉતરી ગયાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલીસે હાલ તેની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Gujarat First Impact : Jasdan માં શિક્ષકોને જવાબદારી મુદ્દે પરિપત્ર રદનો આદેશ


