રાજકોટ: ગોંડલમાં 'ભૂલકા મેળો' યોજાયો; 72 પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન
- ગોંડલમાં યોજાયો જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો (Bhulka Melo Gondal)
- જિલ્લા પંચાયત પ્રમુખ અને DDO રહ્યા હાજર
- મેળામાં માતા યશોદા એવોર્ડ, 'પા પા પગલી' પ્રોજેક્ટ હેઠળ આયોજન
- બાળકોને સુપોષિત બનાવવા પર મુકાયો ખાસ ભાર
Bhulka Melo Gondal : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો 'ભૂલકા મેળો' ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
મેળામાં માતા યશોદા એવોર્ડ, 'પા પા પગલી' પ્રોજેક્ટ હેઠળ વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા અને પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રમુખ દ્વારા બાળકોના સુપોષણ પર ભાર
પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમને સુપોષિત બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે બાળકોમાં શ્રેષ્ઠ વિચાર અને આચાર કેળવાય તથા જીવનના સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા આવે તે માટે તેમના આહારમાં મિલેટ્સનો સમાવેશ કરવો અનિવાર્ય છે.
તેમણે વાલીઓને વિનંતી કરી કે બાળકોને મોબાઈલ ફોનનો ઉપયોગ નહિવત કરાવે અને તેમના શારીરિક વિકાસ માટે યોગ, કસરત અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે.
Poshan Utsav Gujarat
પોષણ ઉત્સવમાં 72 પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન (Bhulka Melo Gondal)
પોષણ માસની ઉજવણીના ભાગરૂપે અને મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા માટે, જિલ્લાના 12 વિવિધ ઘટકો દ્વારા "પોષણ ઉત્સવ" અંતર્ગત એક વાનગી પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભાખરી, પુડલા, રાગી શેક, ખજૂર કેન્ડી, નાન ખટાઈ સહિતની 72 જેટલી વિવિધ પૌષ્ટિક વાનગીઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.
એવોર્ડ અને સન્માન (Bhulka Melo Gondal)
મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ, ત્રણથી પાંચ વર્ષના બાળકોએ ગીતો પર ઉત્સાહપૂર્વક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓ અને આંગણવાડીની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું:
- જિલ્લાની 12 વિવિધ આંગણવાડી ઘટકોની કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અને સર્ટિફિકેટ
- બાળકો દ્વારા રજૂ કરાયેલ શ્રેષ્ઠ પાંચ કૃતિઓને એવોર્ડ
- વેસ્ટમાંથી બેસ્ટ (ટીચિંગ લર્નિંગ મટીરીયલ)ની પાંચ શ્રેષ્ઠ વસ્તુઓને એવોર્ડ
- ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગી સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ
શ્રેષ્ઠ ત્રણ નાટ્યકૃતિને એવોર્ડ
કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વિવિધ પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ અને ટીચિંગ લર્નિંગ મટીરીયલ (TLM) મોડેલનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ગીતાબા જાડેજા, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન કંચનબેન બગડા સહિત અન્ય અગ્રણીઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો, માતાઓ, કિશોરીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો : ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલમાં “ગંગોત્રી અર્વાચીન ગરબી – 2025”નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક પૂર્ણ


