Rajkot : પતિએ પત્નીને ગોળી મારીને પોતે મોત વ્હાલુ કર્યું, લગ્નેત્તર સંબંધના ખટરાગનો કરૂણ અંત
- રાજકોટમાં કાકી-ભત્રીજાના સંબંધમાં પરિવાર વિખેરાયો
- પતિએ પત્નીને ગોળી મારીને પોતે પણ મોત વ્હાલુ કર્યું
- પતિના લમણે ગોળી વાગતા મોત, પત્નીની સ્થિતી નાજુક
- ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા
Rajkot : રાજકોટના (Rajkot) જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તારમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોટીલા આપાગીગા ઓટલા ખાતે સેવક તરીકે કામ કરતા લાલજીભાઈ રમેશભાઈ પઢીયારએ આજે સવારના સમયે તેમના ઘરની સામે આવેલ સમેત શિખર બિલ્ડીંગના પટાંગણમાં પોતાની પત્ની તૃષા પઢીયારને ગોળી મારી દીધા બાદ પોતે પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ તેમજ ડીસીપી ક્રાઇમ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં સ્થળ પરથી પોલીસને 3 કારતુસ મળી આવ્યા હતા. આ ઘટના પાછળ મહિલાના લગ્નેત્તર સંબંધ જવાબદાર હોવા પ્રાથમિક આશંકા છે.
View this post on Instagram
દોઢ મહિનાથી ખટરાગ ચાલતો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે, મૃતક લાલજીભાઈના ભત્રીજા વિશાલ ગોહિલ સાથે પત્ની તૃષા પઢીયારને પ્રેમ સબંધ હતો. જેની જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, દંપતી વચ્ચે વિતેલા દોઢ મહિનાથી ખટરાગ ચાલતો હતો, તાજેતરમાં મૃતકની પત્ની તૃષા ઘર છોડી સમેત શિખર બિલ્ડિંગમાં તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. દોઢ મહિનાથી લાલજીભાઈ મનાવતા હતા, અને પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું હતું, છતાં તૃષાબેન ઘરે પરત આવતી ન્હતી.
આજે સવારે અંતિમ પગલું ભર્યું
આજે સવારે રોષે ભરાયેલ લાલજીભાઈ પત્ની તૃષા યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં લાલજીભાઇનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત નાજુક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તલસ્પર્શી તપાસ હાથ ધરાઇ
ઘટનાને પગલે પરિજનો અને નજીકના વર્તુળના લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ચકચારી ઘટના બાદ DCP, ACP અને ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો છે. અને આ મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો ----- Kadi : નંદાસણ વિસ્તારમાં 3 મહિનાની બાળકીનું રસી આપ્યા પછી શંકાસ્પદ મોત – પીએમ રિપોર્ટની રાહ


