સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ, ગંગા નદીના નિવેદન મુદ્દે સગર સમાજ ભડક્યો
- સ્વામીનારાયણ સંપ્રદાયનો વધુ એક વીડિયો થયો વાયરલ
- મહાકુંભનો ઉલ્લેખ કરીને ગંગા નદી પર કરી ટિપ્પણી
- ગંગા નદીને પવિત્ર કરનારા સ્વામીનારાયણ સંતના આજે દર્શન થશે
રાજકોટઃ સ્વામિનારાયણ સંપ્રદાય અને વિવાદો એક મેકના પૂરક બનતા જાય છે. છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક રીતે વિવાદાસ્પદ નિવેદનોને લીધે વૈમનસ્ય વધતા હોય તેવા કિસ્સા અવાર નવાર બનતા જાય છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબોધ સ્વામીના અનુયાયીએ ગંગા નદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
ગંગા નદી સંદર્ભે વિવાદાસ્પદ નિવેદન
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબોધ સ્વામીના અનુયાયીએ ગંગાજી સુધી જવાની જરુર નથી માત્ર સ્વામીજીના દર્શન કરી લો. આ પ્રકારનું નિવેદન કરતા સગર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વીડિયોમાં ટિપ્પણી કરવામાં આવી છે કે ગંગા નદીને પવિત્ર કરનારા સ્વામીનારાયણ સંતના આજે દર્શન થશે.
આ પણ વાંચોઃ Swaminarayan Book Controversy : જે ટીપ્પણી લખવામાં આવી તે દુર્ભાગ્યપૂર્ણ છે : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી
સગર સમાજનો આક્રોશઃ
ગંગા નદી પર વિવાદાસ્પદ નિવેદન બાદ સગર સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આક્રોશિત થયેલા સગર સમાજના સભ્યોએ રાજકોટ કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલીનું આયોજન કર્યુ હતું. સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આ સમગ્ર વિવાદ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સગર સમાજના સભ્યો બહોળી સંખ્યામાં રાજકોટ કલેક્ટર કચેરીએ એક્ઠા થયા હતા. તેમણે વિરોધ પ્રદર્શન દરમિયાન જય ગંગા મૈયાનો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
વિવાદોની વણઝારઃ
ગુજરાતમાં ધાર્મિક વિવાદાસ્પદ નિવેદનો અને ત્યારબાદ નિવેદનનો વિરોધ એ એક પરંપરા બનતી જાય છે. તેમાંય સ્વામીનારાયણ સંપ્રદાય અને વિવાદ તો એક બીજાના પર્યાય બનતા જાય છે. તાજેતરમાં જ સંપ્રદાયનાં વધુ એક પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતા અંગે વિવાદાસ્પદ લખાણ લખી સનાતન ધર્મને (Sanatan Dharma) અપમાનિત કરવાની કોશિશ કરવામાં આવી હોવાનાં આરોપ થયા છે. 'શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો' નાં પુસ્તકમાં 33 નંબરનાં પાનાં પર દ્વારકામાં ( Dwarka) ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ તેવો ઉલ્લેખ કરાયો હતો. પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં મોરબીમાં રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માંનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તમારી લીટી લાંબી કરવા બીજાની લીટી ટૂંકી ના કરો. સ્વામિનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે. સનાતન ધર્મ પર પ્રહાર બંધ કરવા જોઈએ.
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 26 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


