ઇદ ઉલ ફિત્ર પર ભારત-પાકિસ્તાન સરહદે થઇ મીઠાઇ અને શુભેચ્છાઓની આપ-લે
અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ
- સરહદે મીઠાઇઓ અને શુભેચ્છાઓની આપ લે
-પરસ્પર સૌહાર્દ, ભાઈચારો વધે તેવો ઉદેશ્ય
ભારત-પાકિસ્તાન વચ્ચે ભલે બારેમાસ દુશ્મનાવટ કેમ ન રહેતી હોય પરંતુ દિવાળી અને ઇદ આ બે તહેવારો એવા છે જેમાં બન્ને દેશોના સૈનિકો સરહદ પર એકબીજાને શુભેચ્છા આપવાનું અને મીઠાઇ આપવાનું ચૂકતા નથી. BSFએ ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર ગુજરાત અને રાજસ્થાનના બાડમેર ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાક રેન્જર્સ અને પાક મરીન સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપલે કરી હતી.
મીઠાઈઓનો વિનિમય બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગદરા, કેલનોર, સોમરાર અને ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદો તેમજ સિરક્રીક ખાતે થયું હતું. રાષ્ટ્રીય મહત્વના તહેવારો પર આવી મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે કરવાથી પરસ્પર સૌહાર્દ, ભાઈચારો વધે છે અને બંને સીમા રક્ષક દળો વચ્ચે મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે છે.


