AHMEDABAD : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024'ને ખુલ્લો મૂક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024' પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શૉનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્યમંત્રીશ્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.
'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024'નો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શુભારંભ. https://t.co/i8nW7MElJ5
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 30, 2023
'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024' ના મુખ્ય આકર્ષણો
- વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર
- સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ
- નવા સંસદભવનની પ્રતિકૃતિ
- મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ
- ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ
- સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ
આ ઉપરાંત 'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024' માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે.
આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. વધુમાં આ ફ્લાવર શૉમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ઔડાના પૂર્વ ચેરમેન શ્રી સુરેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન, મ્યુનિ.ના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -- GUJARAT VIDHAN SABHA : ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત કરાઇ, વાંચો સમગ્ર અહેવાલ


