અમદાવાદ : આંગડિયા પેઢીની લૂંટ મામલે થયો ચોંકાવનારો ખુલાસો, ફરિયાદી જ નીકળ્યો માસ્ટર માઈન્ડ
અમદાવાદના નહેરુ બ્રિજ પાસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનારા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લૂંટાયેલા 50 લાખથી વધુની રકમ પણ કબજે કરી છે.
અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં બે આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાનો બનાવ સામે આવ્યા છે. થોડા દિવસ અગાઉ સીજી રોડ પરથી 50 લાખની રોકડ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયા હતા. જેના આરોપીઓ હજી પોલીસ પકડી શકી નથી તેવામાં ફરીથી ગઈકાલે નહેરુબ્રિજ પાસે ડી.નરેશ આંગડિયાનાં કર્મચારી બાઈક પર 50 લાખની રોકડ લઇને જઈ રહ્યા હતા ત્યારે લુંટની ઘટના બની હતી. જોકે લૂંટ થઈ હોવાની ઘટનના મેસેજ તાત્કાલિક પોલીસ સુધી પહોંચતા અલગ અલગ ટીમો આરોપીઓને પકડવા કામે લાગી હતી. આખરે ક્રાઇમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનાર પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 51 લાખ રોકડ બાઈક અને રિક્ષા પણ કબજે કર્યા છે.
પોલીસે આરોપીઓની પુછપરછ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી. સમગ્ર લૂંટને અંજામ આપવામાં માસ્ટર માઈન્ડ આંગડિયા પેઢીનો કર્મચારી જ નીકળ્યો. પોતાની પાસેથી લૂંટ થઈ હોવાની ફરિયાદ કરનાર જ કર્મચારીએ જ લૂંટનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો.
ડી.નરેશ આંગડિયા પેઢીમાં કામ કરતો કમલેશ પ્રજાપતિએ તેના એક મિત્ર અશ્વિન પ્રજાપતિ કે જે અન્ય આંગડિયા પેઢીમાં કામ કરે છે. બંને મિત્રોએ લૂંટનો કીમિયો રચવાનું નક્કી કર્યું. લૂંટનાં નાટકને અંજામ આપવા કમલેશ અને અશ્વિન બંને મિત્રોએ ગુનાહીત ઇતિહાસ ધરાવતો મેહુલસિંહ ઉર્ફે મનુનો સંપર્ક કર્યો અને અન્ય બે વ્યક્તિઓને પણ લૂંટનાં નાટકમાં સામેલ કરી સમગ્ર મામલાને અંજામ આપ્યો હતો.
ડી.નરેશ આંગડિયા પેઢીમાં કામ કરતા કમલેશ પ્રજાપતિ તેના અન્ય કર્મચારી છગનલાલ સાથે સીજી રોડ પરથી 50 લાખ રૂપિયા લઇને પોતાની કાલુપુર વિસ્તારમાં આવેલી ઓફિસ પર પરત ફરતા હતા ત્યારે પહેલેથી જ પ્લાન મુજબ અશ્વિન પ્રજાપતિ અને મેહુલસિંહ બાઈક પર આવ્યા અને બેગ લઈને નાસી ગયા હતા. જોકે કમલેશ પ્રજાપતિએ જ પોતાની લૂંટનો પ્લાન બનાવ્યો તેનાથી તેની સાથે રહેલો સાથી કર્મચારી છગનલાલ અજાણ હતો. લૂંટ બાદ કોઈને શંકા જાય નહીં તેથી કમલેશ પ્રજાપતિ પોલીસ મથક પહોંચી પોતાની સાથે લૂંટ થઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી.
કમલેશ પ્રજાપતિએ પોતાની સાથે લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ નોંધાવી અન્ય ચારેય આરોપીઓને મળ્યો હતો અને લૂંટની રકમના ભાગ પાડ્યા હતા. જેમાંથી 25 લાખ રૂપિયા કમલેશે પોતે રાખ્યા હતા જ્યારે અશ્વિન અને મેહુલસિંહને 10-10 લાખ આપ્યા હતા અને અન્ય બે આરોપીઓને અઢી-અઢી લાખ આપ્યા હતા. જોકે પોલીસે CCTV અને બાઈકને આધારે આખરે કમલેશ સહિત ચારેય આરોપીઓને પકડી પાડયા છે.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, લૂંટનો માસ્ટર માઈન્ડ કમલેશ વિરૂદ્ધ અંબાજીમાં દારૂનો કેસ નોંધાયો હતો. તેમજ આરોપી મયંક વિરૂદ્ધ 7 કેસ અને આરોપી મેહુલ વિરૂદ્ધ પણ એક કેસ નોંધાઈ ચૂક્યો છે. હાલતો ક્રાઇમ બ્રાન્ચે પાંચેય આરોપીની ધરપકડ કરી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી લીધો છે. ત્યારે હજી પણ આ પ્રકારની 50 લાખની આંગડિયા લૂંટમાં આરોપીઓ ફરાર છે. પોલીસ હવે આવી મોટી ઘટનાઓનાં આરોપીઓને ક્યારે પકડે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : આરોપીએ ઘડ્યો એવો પ્લાન કે પોલીસ પણ ચકરાવે ચડી, જાણો શું છે સમગ્ર ઘટના


