Ahmedabad News : મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરિંગ, સ્થાનિક લોકોએ જીવના જોખમે લૂંટારાને પકડ્યો
અમદાવાદમાં મોડીસાંજે ફાયરિંગથી ઘટનાથી ખળભળાટ મચ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે ફાયરિંગની ઘટના બની છે. શહેરના મણિનગર વિસ્તારમાં રામબાગ નજીક એક વ્યક્તિએ રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. તેણે બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. મણિનગર પોલીસે લોકેન્દ્રસિંહ શેખાવત નામના વ્યક્તિની અટકાયત કરી હતી. લોકેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાનથી આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદમાં મણીનગર વિસ્તારમાં 15મી ઓગસ્ટની સાંજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જાહેર રોડ ઉપર એક યુવક પોતાના હાથમાં ભરેલી બંદુક લઈને રોડ ઉપર દોડી રહ્યો હતો. તેની પાછળ લોકોનું ટોળું દોડતા તેનો ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. લોકોએ યુવકને પકડીને પોલીસને હવાલે કરતા તે આર્મીમેન હોવાનું અને લૂંટના ઇરાદે જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યો હોવાની હકીકત કબૂલી છે. પોલીસે યુવક સામે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જો કે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. લોકોએ ફાયરિંગ કરનારા શખ્સને ઝડપીને પોલીસને હવાલે કરી દીધો છે. પોલીસ પૂછપરછમાં લૂંટારાની ઓળખ લોકેન્દ્રસિંહ શેખાવત તરીકે થઈ છે અને રાજસ્થાનથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે પોલીસે લોકેન્દ્રસિંહ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : સોમનાથ મંદિરમાં શ્રાવણ માસની વિશેષ તૈયારીઓ શરૂ કરાઈ


