Banaskantha News : અંબાજી ખાતે રથ ખેંચીને જિલ્લા કલેકટરે ભાદરવી મહા મેળાની શરૂઆત કરાવી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો શકિતપીઠ દેશનાં 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. આજથી ભાદરવી મહામેળાની શરૂઆત થઈ છે ત્યારે અંબાજી મંદિરના ચેરમેન બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદારની હાજરીમાં મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી રથનું પૂજન કરીને ભાદરવી કુંભની શરૂઆત કરવામાં આવી હતી.
સાત દિવસ ચાલનારા આ મેળામાં લાખો ભક્તો ચાલતા સંઘ લઈને માતાજીના દર્શન આવે છે ત્યારે 23 સપ્ટેમ્બર થી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો છે. અંબાજીથી દાંતા માર્ગ પર વેંકટેશ માર્બલ પાસે માતાજીના રથનું પૂજન કરીને અને નારિયળ વધેરીને અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાનદ્વારા ભાદરવી મહામેળાની શરૂઆત કરવામાં આવી છે. ધજાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.
અંબાજી ખાતે માઈ ભક્તો પગપાળા માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજરોજ સવારે વહીવટી તંત્ર દ્વારા મેળાનો રથ ખેંચીને મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો, ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી અંબાજી મંદિરના ચેરમેન વરુણ બરનવાલ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા, તેમની સાથે જિલ્લા પોલીસ વડા,જિલ્લા વિકાસ અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર પણ જોડાયા હતા,હાલમાં અંબાજી ખાતે ભક્તો સંઘ લઈને ચાલતા દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે અંબાજી ખાતે આજથી મહામેળાની શરૂઆત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
અંબાજી મહામેળામાં માઈ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે 29 સમિતિઓની રચના કરવામાં આવી છે. જગ્યા જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા, પીવાનું ચોખ્ખા પાણી સહીત અંબાજી ટ્રસ્ટ તરફથી વીના મુલ્યે ભોજન વ્યવસ્થા, અંબાજી મંદિર દર્શન સમય વધારવામાં આવ્યો છે.સ્વચ્છતા અભિયાન અને સેવા કેમ્પ આ માર્ગ પર વધુ જોવા મળી રહ્યાં છે.
વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મેળામાં હાજર
આજે બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલ અને અંબાજી મંદિર ચેરમેન ની હાજરીમાં મેળાની શરુઆત કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ વડા તેજસ પટેલ અને અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિત વહીવટી તંત્રને પોલીસ તંત્ર મેળાના પ્રારંભે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : Surat News : LCB ને મળી મોટી સફળતા, વિદેશી દારૂના નેટવર્કને કર્યો પર્દાફાશ, 8 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ




