હાલોલમાં સરકારી જમીન પર કબજો કરનારા સામે ફરિયાદ, આવી રીતે ઘડ્યો હતો પ્લાન
હાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ નગરપાલિકા હસ્તગતની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કરી તેમજ તે બાંધકામનો વાણિજ્ય ઉપયોગ કરવા તેમજ આ બાંધકામમાં વીજ કનેક્શન મેળવવા માટે સરકારી જમીનના બનાવટી આકારણી પત્રક ડુપ્લીકેટ સોફ્ટવેર ની મદદથી તેમજ નગરપાલિકા હાલોલ ના ખોટા સિક્કા બનાવી છેતરપિંડી કરવા તેમજ સરકારી જમીન પર કબજો જમાવવા બદલ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કુલ 9 ઇસમો વિરુદ્ધ હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હાલોલ નગરપાલિકા વિસ્તારના પાવાગઢ રોડ પર આવેલા સર્વે નંબર 456 ની જમીન સરકારી જમીન હોય અને તેની ઉપર ગેરકાયદેસર રીતે વ્યાપારિક દબાણ કરવામાં આવેલું હોય તે દબાણ દૂર કરવા માટે હાલોલ મામલતદાર દ્વારા વર્ષ 2020 માં હુકમ કરવામાં આવેલ હતો જે હુકમ સામે સરકારી જમીન ઉપર દબાણ કરનારા ઈસમો એ ગોધરા કલેકટર કચેરીમાં દબાણ દૂર કરવાના હુકમ સામે અપીલ અરજી કરી હતી. જે અપીલ અરજી ની સુનાવણી બાદ અપીલ અરજી કરનાર ઈસમો દ્વારા રજુ કરવામાં આવેલ આકારણી હાલોલ નગરપાલિકા ની હોય તે આકારણી રદ કરવા માટે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરવા માટે જિલ્લા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.
જે હુકમ પ્રમાણે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાલોલ નગરપાલિકાના વેરા વિભાગ માં મિલકત રજીસ્ટર માં સર્વે નંબર 456 ની જમીન ની આકારણી રદ કરવાની કાર્યવાહી કરતા મિલકત આકારણી રજીસ્ટરમાં સર્વે નંબર 456 ની જમીન માં કોઈપણ આકારણી કરવામાં આવેલ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે દબાણ કરેલ જગ્યાની સ્થળ મુલાકાત કરી ત્યાં આપેલા વીજ જોડાણના ગ્રાહક નંબરો મેળવી મધ્ય ગુજરાત વીજ કંપની પાસે આ વીજ જોડાણ કયા આધારે આપવામાં આવેલ છે તે બાબતે તપાસ આરંભી હતી જે તપાસમાં દબાણ કરનારા ઈસમો દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ દસ્તાવેજો ની ખરાઈ દરમિયાન હાલોલ નગરપાલિકાનું આકારણી પત્રક રજૂ કરવામાં આવ્યું હતું જેની પણ ખરાઈ કરતા આકારણી પત્રક બોગસ હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં હાલોલ નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ આકારણી પત્રકની વધુ ચીવટતાથી તપાસ કરવામાં આવતા આકારણી પત્રકમાં કરવામાં આવેલા સિક્કા તેમજ આકારણી કરનાર અધિકારીની સહી પણ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આપવામાં આવતા આકારણી પત્રકો માટે બનાવવામાં આવેલા સોફ્ટવેર મુજબનું જ આકારણી પત્રક દબાણ કરનારાઓ દ્વારા તેમના અન્ય મળતીયાઓ સાથે મળીને બોગસ સોફ્ટવેર ની મદદ થી બનાવટી આકારણી પત્રક તેમજ તે પત્રકમાં બનાવટી સહી અને સિક્કા નો ઉપયોગ કરી બોગસ દસ્તાવેજો વીજ જોડાણ મેળવવા માટે બનાવ્યા હોવાનું સામે આવતા હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સમગ્ર મામલે હાલોલ ટાઉન પોલીસ મથકે સરકારી જમીન ઉપર વાણિજ્ય દબાણ કરનારા તેમજ બોગસ આકારણી પત્રક બનાવનારા નવ ઇસોમોના નામ જોગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને નવ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તેમજ અન્ય ફરાર આરોપીઓને પણ ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : નામદેવ પાટિલ, પંચમહાલ
આ પણ વાંચો : સુરત શહેરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો, મેયર અને DCP કક્ષાની હાજરીમાં જ ભારે વાહનો દેખાતા મેયર અકળાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.





