ક્રિકેટ પ્રેમીઓ હવે મેદાનને બદલે બોક્સ ક્રિકેટ તરફ વળ્યા, જૂનાગઢમાં વધ્યો ક્રેઝ
રાજ્યમાં સૌપ્રથમ અમદાવાદ બાદ હવે જૂનાગઢમાં પણ બોક્સ ક્રિકેટની શરૂઆત થઈ છે, ઉનાળાની ઋતુ અને વેકેશન હોય યુવાનો ક્રિકેટ રમતાં હોય છે. સમગ્ર દિવસ દરમિયાન કામકાજ અથવા તો મેદાનની સુવિધાના અભાવે લોકો ક્રિકેટ રમી શકતા નથી હોતા. ત્યારે બોક્સ ક્રિકેટમાં રાત્રીના સમયે લોકો ક્રિકેટ રમીને રમતનો આનંદ લેતાં હોય છે અને લોકોમાં હવે બોક્સ ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે.
ઉનાળાની ઋતુમાં સમગ્ર દિવસ દરમિયાન ગરમીથી કંટાળીને લોકો રાત્રીના સમયે હરવા ફરવાનું પસંદ કરે છે. યુવાનો ખાસ કરીને રાત્રીના સમયે ક્રિકેટ રમવાનું પસંદ કરે છે કારણ કે સમગ્ર દિવસ દરમિયાન ગરમીના લીધે મેદાનમાં ક્રિકેટ રમવું સંભવ નથી. વળી મેદાનમાં રાત્રીના સમયે લાઈટની સુવિધા હોતી નથી. જો નાઈટ ટુર્નામેન્ટનું કોઈ આયોજન હોય તો જ રાત્રીના સમયે મેદાનમાં લાઈટ હોય છે ત્યારે રાત્રીના સમયે પણ મેદાન જેવી ક્રિકેટની મજા લેવા માટે હવે જૂનાગઢમાં પણ બોક્સ ક્રિકેટની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદમાં બોક્સ ક્રિકેટની શરૂઆત થઈ ત્યારબાદ સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં બોક્સ ક્રિકેટની સુવિધા હતી, ત્યારે જૂનાગઢના ક્રિકેટપ્રેમીઓની લાગણીને ધ્યાનમાં રાખીને હવે જૂનાગઢ શહેરના મીરાનગર વિસ્તારમાં પણ બોક્સ ક્રિકેટની શરૂઆત થતાં ક્રિકેટ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. બોક્સ ક્રિકેટમાં નાનું એવું મેદાન હોય છે જે ચારે બાજુથી નેટથી ઢંકાયેલું હોય છે મેદાન પર ગ્રાસ કારપેટ હોય છે આમ મેદાનની ધૂળથી ખેલાડીઓને છુટકારો મળે છે. જો ફીલ્ડીંગ કરતાં પડી જાય તો વાગતું નથી, વળી ચારે બાજુ નેટ હોવાથી દડો બહાર જતો નથી, આ નાના એવા મેદાનમાં પીચ પણ બનાવેલી હોય છે તેથી ક્રિકેટના ખેલાડીઓ માટે તમામ સુવિધાભર્યુ વાતાવરણ મળી રહે છે.
તેથી ખેલાડીઓને પણ અહીં ક્રિકેટ રમવાની મજા પડે છે. રાત્રીનો સમય હોય તેથી લાઈટીંગની પણ પુરતી વ્યવસ્થા હોય છે એટલે ક્રિકેટ પ્રેમીઓ માટે જાણે સ્વર્ગ સમાન અનુભવ થાય છે. દિવસ દરમિયાન કામકાજ સબબ રમી ન શકતાં ખેલાડીઓ રાત્રીના સમયે ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને તે પણ સુવિધાયુક્ત સ્થાન મળતું હોય એટલે ક્રિકેટ પ્રેમીઓને પણ આનંદ મળે છે. જૂનાગઢ શહેરમાં અત્યાર સુધી બોક્સ ક્રિકેટની સુવિધા ન હતી તેથી રવિવાર જેવા રજાના દિવસે સવારના સમયે લોકો ક્રિકેટ રમતાં પરંતુ હવે બોક્સ ક્રિકેટની સુવિધા થી મોટી સંખ્યામાં યુવાનો રાત્રી ક્રિકેટના આનંદ માણી રહ્યા છે.
આ પણ વાંચો – આમ આદમી પાર્ટીમાં ALL IS NOT WELL, સુરતમાં વધુ એક કોર્પોરેટર ભાજપમાં જોડાશે


