Cyclone Biparjoy : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝાએ લાગેલા શેડના પતરા ઉડ્યા
ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની નજીક પહોંચી રહ્યું હોવાથી તેની અસર ગંભીર બની રહી છે. તેની સૌથી વધુ અસર ગુજરાતના કચ્છ અને દ્વારકા વિસ્તારમાં જોવા મળી રહી છે. ઉપરાંત વલસાડમાં પણ બિપરજોયની અસર હાલમાં જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લામાં દરિયા કિનારા વિસ્તારમાં તોફાની પવન ફુંકાઇ રહ્યો છે. પવનની ગતિ હાલમાં એટલી છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝાના શેડના પતરા ઉડ્યા હતા.
ટોલ પ્લાઝાના શેડના પતરા ઉડ્યા
બિપરજોય વાવાઝોડાના કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝાના શેડના પતરા ઉડી ગયા હતા. પતરા ઉડતા જ ત્યા હાજર લોકોમાં દોડધામ શરૂ થઇ ગઇ હતી. સલામતીના ભાગરૂપે અહીં ટોલ પ્લાઝાના ત્રણ બુથ બંધ કરાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પતરા ઉડ્યા બાદ કોઇ ઈજા કે જાનહાની થઇ નથી. વળી, મુંબઈમાં પણ તેજ પવન અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ચક્રવાતની અસર ગુજરાત સહિત 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર જોવા મળશે. આ સાથે ગુજરાતના 7 જિલ્લાઓમાં બિપરજોયના કારણે ભારે વિનાશની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જણાવી દઇએ કે, આ વાવાઝોડાને કારણે 7 જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત-મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં એલર્ટ યથાવત છે. પરંતુ 15મી જૂને કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢમાં સૌથી વધુ નુકસાન થવાની ધારણા છે. વળી, કચ્છ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા જિલ્લાની તમામ શાળાઓ બે દિવસ એટલે કે 15 જૂન સુધી બંધ રહેશે.
આ વિસ્તારોમાં ચક્રવાતનો ખતરો
ભારતીય હવામાન વિભાગ (IMD) અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) એ ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોનો નકશો બનાવ્યો છે. ભારતના એવા ઘણા કિનારાના જિલ્લાઓ છે, જ્યાં ચક્રવાત તબાહી મચાવે તેવી પૂરી સંભાવના છે. આ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે. આ 9 રાજ્યોના 96 જિલ્લા ચક્રવાતના જોખમના ક્ષેત્રમાં છે. તેમાંથી 72 જિલ્લાઓ દરિયાકિનારાને અડીને આવેલા છે. જ્યારે 24 જિલ્લાઓ દરિયાકાંઠાને અડીને નથી, પરંતુ વાવાઝોડાની 100 કિમીની ત્રિજ્યામાં છે.
લેન્ડફોલ ક્યારે અને ક્યાં થશે?
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, બિપરજોય, ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડું, ગુરુવારે (15 જૂન) બપોરે 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપ સાથે કચ્છ જિલ્લાના જખાઉ બંદર નજીક લેન્ડફોલ કરશે. દરિયાકાંઠે અથડાયા બાદ તેની ગતિ ધીમી પડી જશે.
આ પણ વાંચો – રાજ્યમાં વાવાઝોડાને લઇને એલર્ટ જાહેર, પૂરની સંભાવના
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


