દેશમાં પહેલીવાર વડોદરા-વાઘોડિયા સ્ટેટ હાઇવેનો એક ભાગ CGBM થી બનાવાશે
સમગ્ર દેશમાં પ્રથમ વખત વડોદરા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના એક ભાગને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવી રહ્યો છે. માર્ગના લાંબા આયુષ્ય માટે અકસીર પૂરવાર થયેલી આ પદ્ધતિથી વડોદરાથી વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના 4200 મિટર હિસ્સાને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવશે. આ ઉપરાંત આ રોડ ઉપર તેના કિનારે જીઓ ટેક્સટાઇલ પણ પાથરી પાણીથી થતાં નુકસાનથી રક્ષિત કરવામાં આવશે.
આ કારણે CGBM રોડ બનશે
વડોદરા માર્ગ અને મકાન વિભાગ ગ્રામ્યના કાર્યપાલક ઇજનેર શ્રી કમલેશ થોરાતે કહ્યું કે, વડોદરાથી વાઘોડિયા માર્ગમાં પારૂલ યુનિવર્સિટીથી આગળથી શરૂ થઇ 4200 મિટર લંબાઇનો માર્ગ વારંવાર તૂટી જતો હતો. એટલે તેનું નિરાકરણ લાવવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મદદ લેવામાં આવી હતી. કેન્દ્ર સરકારની આ સંસ્થાના તજજ્ઞ ડો. મનોજ શુક્લ થોડા સમય પહેલા વડોદરાની મુલાકાત લઇ ગયા હતા. તેમણે આપેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં પ્રથમ વખત હાઇવેને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નાણાંની ફાળવણી
વડોદરાથી પસાર થતાં નેશનલ હાઇવેથી વાઘોડિયા સુધીના 16 કિલોમિટર લાંબા માર્ગનું નવીનીકરણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 14 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી વડોદરા તરફથી શરૂઆતનો 5.5 કિલોમિટર રોડ વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી રહી છે. બાકીનો રોડ માર્ગ અને મકાન વિભાગ, ગ્રામ્ય દ્વારા નિર્માણ પામી રહ્યો છે.
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મદદ લેવામાં આવી
રસપ્રદ વાત એ છે કે, પારૂલ યુનિવર્સિટીથી આગળ વાઘોડિયા જીઆઇડીસી સુધીના 4200 મિટરનો માર્ગ વારંવાર તૂટી જવાની સમસ્યા રહે છે. તેથી તેને નવી પદ્ધતિથી બનાવવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મદદ લેવામાં આવી છે.
અહેવાલ - પિન્ટુ પટેલ, ડભોઈ
આ પણ વાંચો : ગુજરાતમાંથી 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થયાના અહેવાલ અંગે પોલીસે કર્યો મોટો ખુલાસો