સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, મુંબઈના કુખ્યાત ગેંગસ્ટરની ધરપકડ, પોલીસ પર પણ કર્યું હતું ફાયરિંગ
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને કુખ્યાત આરોપીને પકડવામાં વધુ એક મોટી સફળતા મળી છે. મુંબઈનો કુખ્યાત ગેંગસ્ટરની પોલીસે ધરપકડ કરી છે. લૂંટ, હત્યા તેમજ લાખો રૂપિયાની ઘરફોડ ચોરી તેમજ પોલીસ પર ફાયરિંગ જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર ખુખાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે જીવના જોખમે આરોપીને મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી પકડી પાડી સુરતના સચિન વિસ્તારમાં થયેલી લાખોની ચોરીના ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે.
સુરતના સચિન વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્ક તેમજ શીલાલેખ રેસીડેન્સીમાં ગત 4 મે 2023ના રોજ સાંજના સમયે બંધ ફ્લેટનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા કુલ ત્રણ લાખથી વધુની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જે અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ઘરફોળ ચોરી સ્કોડની ટીમ કામ કરી રહી હતી. ક્રાઇમ બ્રાંચની ઘરફોડ સ્કોડની ટીમે ટેકનિકલ એનાલીસીસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે વર્ક આઉટ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે, ઘરફોડ ચોરી કરવા આવેલા આરોપીઓ મારુતિ સુઝુકીની અલ્ટો કારનો ઉપયોગ કરી આવ્યા હતા.
વધુ જાણવા મળ્યું છે કે, કારનો નંબર પણ ખોટો હતો. ટેકનિકલ એનાલીસીસ કરતા અલ્ટો કારનો સાચો નંબર મહારાષ્ટ્રનો MH-05 EQ-7424 મળી આવ્યો હતો. ત્યારબાદ ક્રાઈમબ્રાંચની ટીમ મુંબઈ ખાતે જઈ જોગેશ્વરી ઈસ્ટ ખાતે પહોંચી હતી.અને ત્યાંથી આરોપી જેમ્સ ઉર્ફે સેમ જેફરીન અલ્બેડાને અલ્ટૉકાર સાથે ઝડપી પાડી સુરત લઈ આવી હતી.
આરોપીનું મુંબઈ ખાતેનું લોકેશન મળી આવતા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તેને પકડવા માટે મુંબઈ પહોંચી હતી. જ્યાં પોલીસની ટીમ આરોપીની જગ્યાએ અને તેના બેગ્રાઉન્ડ વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તે મુંબઈનો ગેંગસ્ટર છે. ખૂબ જ મોટો કુખ્યાત આરોપી છે. તેણે ભૂતકાળમાં અનેક વખત પોલીસ પર ફાયરિંગ કર્યું છે. તેને પકડવા આવનાર પોલીસ સામે તે હર હંમેશ ફાયરિંગ કરે છે. આ પ્રકારની હકીકત જાણવા મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વધુ સતર્ક બની ગઈ હતી. પોલીસે જીવના જોખમે ખુબ જ સિફાતાઈ પૂર્વક કુખ્યાત આરોપી જેમ્સ ઉર્ફે સેમ જેફરીન અલ્બેડાને ઝડપી પાડ્યો હતો.
આરોપી વર્ષ 2019માં મકોકાના ગુનામાં તલોજા જેલમાં હતો. તે દરમિયાન સહ-આરોપી મોઈદ્દીન કામરાન શેખ લૂંટના ગુનામાં જેલમા આવ્યો હતો. મિત્રતા થતા જેલમાંથી છુટ્યા બાદ ઘરફોડ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ગઈ તા.04/05/2023 ના રોજ પોતાની અલ્ટો કારને GJ 06 KD 0884 નંબરની ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી સહ આરોપી મોઈદ્દીન તેમજ ચીન્ટુ સાથે મુંબઈથી સુરત શહેર ખાતે આવી સચિન વિસ્તારમાં આવેલ યોગેશ્વર પાર્ક તેમજ શીલાલેખ રેસીડેન્સીમાં સાંજના સમયે બંધ ફ્લેટનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી આશરે કુલ 3,00,000/- તેમજ નવસારી ખાતે ઓર્ગેટ-05 એપાર્ટમેન્ટથી બંધ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી સોનાચાંદીના દાગીના રોકડા રૂપિયા તેમજ 500 અમેરિકન ડોલર મળી આશરે કુલ્લે 15 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. બાદમાં તેઓ અલ્ટૉ કારમાં પોતાની ઓરીજીનલ નંબર પ્લેટ લગાવી ભાગી ગયા હતા.
આરોપીએ વધુ પુછપરછમાં જણાવ્યું હતું કે, પોતે અગાઉ 2004માં પોતાની ગેંગના જગદીશ ભવરલાલ ડાયા સાથે લૂંટના ઈરાદે ફાયરીંગ કરી સોનીનુ મર્ડર કર્યું હતું અને 2005માં સોનાની લૂંટ કરી ફરાર થાય હતા. પોલીસે વાહન ચેકીંગ દરમિયાન કાર ઊભી રાખતા હાજર પી.એસ.આઈ પર પોતાની પિસ્ટલ વડે ફાયરીંગ કરી ભાગી ગયો હતો. ત્યારબાદ સોનાના દાગીનાની લૂટ મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં કરી ભાગતા સમયે પોલીસ અધિકારી દ્વારા તેને કોર્ડન કરી લેવાયો હતો. આ દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરતા રસ્તા પર સામ-સામે ફાયરીંગ થયું હતું. જેમાં આરોપીને 02 ગોળી ફેફસામાં વાગતા ત્યાથી ભાગી ગયો હતો.અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન પકડાઈ ગયો હતો.
આરોપી જેમ્સ ઉર્ફે સેમ જેફરીન અલ્બેડા જેલમાંથી છુટ્યાબાદ તેના સાથી જગદીશ ડાયા તેમજ અન્ય 05 સાથે મળી પિસ્ટલથી ફાયરીંગ કરી 15 કીલો સોનાની લૂટ કરી હતી. જેમા પકડાઈ ગયો હતો. વર્ષ 2012 માં વિશાખાપટનમ રાજ્યમાં કંચતપલમ શહેરમાં પિસ્ટલ વડે ફાયરીંગ કરી 02 કીલો સોનાની લૂંટ કરી તેમાં પકડાઈ ગયો હતો. જેમ્સ ઉર્ફે સેમ જેફરીન અલ્બેડા ફરી જેલમાંથી છુટતા સાથી જગદીશ ડાયા સાથે મળી વર્ષ 2015 માં ગોવા- કર્ણાટકા રાજ્યમાં પોતાની ગેંગ સાથે ઈન્કમ્ટેક્ષ ઓફીસરની ઓળખ આપી બંગલામાં ઘુસી ગયા હતા. જ્યા પિસ્ટલ બતાવી માલીકને બંધક બનાવી 35 લાખના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી.
વર્ષ 2015 ના ઓગસ્ટ મહિનામાં આરોપી જ્યા રહે છે ત્યાં જ પનવેલ ખાતે પોતાની ગેંગ સાથે મળી પિસ્ટલ વડે ફાયરીંગ કરી 15 કી.લો સોનાની લૂટ કરી હતી. તેમા પકડાઈ ગયા બાદ વર્ષ 2016 માં પનવેલ પોલીસ સ્ટેશનમાં M.C.O.C.( મકોકા) દાખલ કરવામાં આવ્યો હતો. જેમા 06 વર્ષ અને 6 મહીના જેલ કાપ્યા બાદ હાઈકોર્ટ દ્વારા 2022 ના ફેબ્રુઆરી મહીનામાં શરતી જામીન પર મુક્ત થયો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાયેલ કુખ્યાત આરોપી જેમ્સ ઉર્ફે સેમ જેફરીન અલ્બેડા પર અલગ અલગ લૂંટ-ધાડ, ફાયરીંગ, મર્ડર જેવા 11 ગંભીર ગુના દાખલ થયેલ છે. જેમા અત્યાર સુધી 12 વર્ષ જેલ ભોગવી ચુકેલ છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ ખાતેથી તેની ધરપકડ કરતા સુરતના સચિન પોલીસ સ્ટેશનનો ચોરીનો ગુનો, નવસારીનો ચોરીનો ગુનો અને કર્ણાટકની લૂંટનો ગુનો મળી ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા છે.
અહેવાલ : આનંદ પટણી
આ પણ વાંચો : બોટાદના વ્યક્તિને ઢોર માર મારવાના કેસ મામલે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, જાણો શું છે સમગ્ર ઘટના





