વર્ષમાં એક જ વાર ખુલે છે આ સિધ્ધ સાધ્વી માં નું મંદિર, જાણો તેના રોચક ઈતિહાસ વિષે
અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ
જૂનાગઢમાં માતાજીનું એક અનોખું મંદિર છે, જે વર્ષમાં એક જ વખત ભાવિકોના દર્શનાર્થે ખુલે છે. આસો નવરાત્રી દરમિયાન નવ દિવસ માટે જ ભાવિકો માટે ખુલતું પૂજ્ય માઁ હિરાગીરીજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ મંદિર પ્રસિધ્ધ માંગનાથ મહાદેવ મંદિરમાં આવેલું છે. માઁ હિરાગીરી સિધ્ધ સાધ્વી હતા, પોતાનું દૈવીકાર્ય પૂર્ણ થતાં તેમણે જીવતા જ સમાધી લીધી જે આજે પણ મોજુદ છે. નવરાત્રીના અખંડ દિવડા પ્રગટાવી પોતાની મનોકામના માટે લોકો અહીં પ્રાર્થના કરે છે.
જૂનાગઢમાં પૂજ્ય માઁ હિરાગીરીજી નામના એક સિધ્ધ સાધ્વી થઈ ગયા, જેઓ એક નાગા સંન્યાસીની હતા. ઉત્તર ભારત માંથી તેઓ જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામે આવ્યા હતા. જ્યાં નેસડામાં રહીને તેઓ તપ, સાધના અને લોકોની સેવા કરતાં હતા. તે સમયે માંગાભટ્ટ કે જેઓએ માઁ હિરાગીરીજીને વિનંતી કરીને હાલનું પ્રસિધ્ધ માંગનાથ મહાદેવનું મંદિર સુપ્રત કર્યું ત્યારથી માઁ હિરાગીરીજી માંગનાથ મહાદેવ મંદિરમાં નિવાસ કરતાં હતા.
માતાજીનું પ્રત્યક્ષ સ્વરૂપ હતા માઁ હિરાગીરીજી
માઁ હિરાગીરીજી માતાજીનું પ્રત્યક્ષ સ્વરૂપ હતા. શક્તિ સ્વરૂપ માતાજીની અનેક સિદ્ધિઓથી લોકો પ્રભાવિત થઈ તેમના સાનિધ્યમાં એક દિવ્ય અનુભૂતિનો અહેસાસ કરતાં. પોતાનું દૈવી કાર્ય પૂર્ણ થતાં માઁ હિરાગીરીજીએ જીવતા સમાધિ લીધી હતી, જે આજે પણ માંગનાથ મહાદેવ મંદિરમાં તેમનું સમાધિ સ્થળ વિદ્યમાન છે.
માં એ અનેક પરચાઓ પૂર્યા છે
માઁ હિરાગીરીજીએ અનેક પરચાઓ પૂર્યા છે અને આજે માઁ હિરાગીરીજીનું આ ઐતિહાસિક શક્તિ સ્થળ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. શક્તિ પર્વ એવી શારદીય નવરાત્રી દરમિયાન માઁ હિરાગીરીજીના શક્તિ સ્થળ પર કુંભ સ્થાપન અને 151 અખંડ જ્યોત પરંપરા મુજબ કરવામાં આવે છે. સમગ્ર નવરાત્રી દરમિયાન અનેક ભાવિક ભક્તો માઁ હિરાગીરીજીના શક્તિ સ્થળના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને દિવ્ય આધ્યાત્મિક ઉર્જા સમાન આ શક્તિ સ્થળે આવીને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરે છે.
આઠમની મધ્યરાત્રીએ થાય છે હવન
નવરાત્રીની આઠમ નો દિવસ એટલે હવનાષ્ટમી અને તમામ જગ્યાએ દિવસે હવન થાય છે પરંતુ આ જગ્યાએ આઠમની મધ્યરાત્રીએ હવન થાય છે અને હવન પૂર્ણ થયે આરતી બાદ પૂજ્ય હિરાગીરીજી માઁના મંદિરના દ્વાર દર્શન માટે બંધ થઈ જાય છે અને ફરી આસો સુદ એકમ એટલે કે નવરાત્રી શરૂ થતાંની સાથે ભાવિકો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે.
આ પણ વાંચો -- AHMEDABAD NEWS : નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન, 2100 જવાનો ખડેપગે રહેશે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે