પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે મહાકાળી માં નું આ મંદિર, અહી દાન કરતા તપને અપાય છે વધુ મહત્વ
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ નેશનલ હાઇવે 48 થી 7 કિલોમીટરના અંતરે ઓસારા ગામમાં પાવાવાળી માં મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે . જે મંદિર હાલ હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે, જેને લઇને માં જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રિના નવ દિવસ મંદિર ભક્તો માટે ખુલ્લુ હોય છે. પરંતુ મંદિરમાં દર્શન કરવાનું મંગળવારના દિવસે મહત્વ વધુ હોવાના કારણે સંપૂર્ણ મંદિર સંકુલ આ દિવસે ભક્તોથી ઉભરાઈ ઉઠયું હતું.
માતાજી પાવાગઢથી ઓસારા બિરાજમાન થયા હતા
ભરૂચ તાલુકાના ઓસારા ગામે 1976 ના આસો સુદ દશમે મહાકાળી માતાજી પાવાગઢથી ઓસારા બિરાજમાન થયા હતા. ત્યારથી આ મંદિર દર મંગળવારે દર્શન માટે ખોલવામાં આવે છે અને આસો નવરાત્રી નિમિત્તે આ મંદિર 9 દિવસ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. હાલમાં ચાલી રહેલા આસો નવરાત્રી નિમિત્તે મંદિર દરરોજ ખોલવામાં આવી રહ્યું છે, આ મંદિરમાં રૂપિયા પૈસા મુકવામાં આવતા નથી કે દાન દક્ષિણા પણ લેવામાં આવતું નથી. અહિયા માત્ર તપને જ મહત્વ આપવામાં આવે છે.
લોકો પગપાળા પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે
ઓસારાનું મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે, અહીંયા લોકો પગપાળા પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. આજુબાજુના ગામો તેમજ સમગ્ર ગુજરાત માંથી લોકો અહીંયા મંગળવારે માતાજીના દર્શન કરવા અવશ્ય આવે છે, અને માતાજી તેમના સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
પાંચ મંગળવાર સતત દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે
ઓસારા મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. અઠવાડિયામાં માત્ર દર મંગળવારે જ મંદિરને દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. આ મંદિરમાં પાંચ મંગળવાર સતત દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે, જેના કારણે દર મંગળવારે મંદિર ભક્તોથી ઉભરાતું હોય છે. આંસો નવરાત્રીમાં મંગળવાર આવતો હોવાના કારણે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થે ઉંમટી પડ્યા હતા
આસો નવરાત્રીની વહેલી સવારથી જ મંગળવારે મંદિર સંકુલ ભક્તોથી ઉભરાય ઉઠ્યું હતું અને આ મંદિરમાં દાનને મહત્વ આપવામાં આવતું નથી પરંતુ તપને માન આપવામાં આવે છે. જેના કારણે ઓસારા મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે.
આ પણ વાંચો -- શિકાગો ખાતે યોજાયેલ વર્લ્ડ ડેરી સમિટ- 2023માં અમૂલનું પ્રતિનિધિત્વ કરતાં “કચ્છ કુરિયન”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે