VADODARA : અકોટા વિસ્તારની હકીકત, નલ સે દુષિત જલ
VADODARA : વડોદરા (VADODARA) ના અકોટા વિસ્તારમાં નલ સે દુષિત જલની સમસ્યા સર્જાઇ છે. જેને લઇને સ્થાનિકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા 2 મહિનાથી સતત ચાલતી મુશ્કેલીનો કોઇ અંત નહિ આવતા આજે સ્થાનિકોએ મીડિયા સમક્ષ તેમની વાત મુકી છે. સ્થાનિકો જણાવે છે કે, સારા ઘર-પરિવારના લોકો પાણી ભરવા બેડા લઇને પાણી ભરવા માટે જાય છે. જો કે, હાલ ચૂંટણી આવી રહી હોવાથી સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ આવશે તેવો વિશ્વાસ તેઓ જતાવી રહ્યા છે.
આક્રોશ લોકોએ મીડિયા સમક્ષ ઠાલવ્યો
વડોદરામાં ઉનાળાના શરૂઆત ટાણે જ પાણીની બુમો ઉઠવા પામી છે. ક્યાંક પાણી નથી આવતું, તો ક્યાંક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા વહી ગયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આજે શહેરના અકોટા વિસ્તારમાં અનેક જગ્યાઓેએ નળ વાટે દુષિત પાણી આવી રહ્યું હોવાની વાતનો આક્રોશ લોકોએ મીડિયા સમક્ષ ઠાલવ્યો છે. હવે મામલે પાલિકા તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.
પાણી પીવા પર પણ કાપ મુકવો પડે તેવા દિવસો
સ્થાનિક મહિલા મુમતાઝબેન જણાવે છે કે, છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યા છે. પરંતુ વધુ મુશ્કેલી છેલ્લા 2 મહિનાથી પડી રહી છે. માત્ર 10 મીનીટ પાણી આવે છે. તે પણ કાળુ અને દુર્ગંધ મારતું પાણી આવે છે. સારા ઘર-પરિવારના લોકો બેડા લઇને દુર દુર પાણી ભરવા જાય છે. કોઇ સુવિધા નથી, કોઇ જોવા આવતું નથી. અમારી સમસ્યાનો કોઇ તો ઉકેલ લાવો. પાણી પીવા પર પણ કાપ મુકવો પડે તેવા દિવસો ચાલી રહ્યા છે. અંદરો અંદર ગટરની લાઇન જોઇન્ટ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે, ખોદીને તો જુઓ ! ચૂંટણી આવી છે, તો અમારી મુશ્કેલી સરળ થાય તેવી આશા છે.
અરજી કરીએ તો આવવાનું આશ્વાસન અપાય
સ્થાનિક રહીશ ગુલામભાઇ જણાવે છે કે, તકલીફ બહું છે, કોઇ ધ્યાન આવતું નથી. ગંદુ પાણી તહેવારો ટાણે આવે છે, જે અમારી મહેનત વધારી રહ્યું છે. પૈસા ખર્ચીને બહારથી ટેન્કરો મંગાવવી પડે છે. અમે વેરો પણ ભરીએ છીએ. વિકાસની વાતોનો કોઇ મતલબ નથી રહેતો. પાલિકામાં અરજી કરીએ તો આવવાનું આશ્વાસન આપે છે, ફોન કરીએ તો આવશે તેમ જણાવે છે, પણ કોઇ આવતું નથી. બે-ત્રણ મહિનાથી ગંદા પાણીની સમસ્યા ભોગવી રહ્યા છીએ.
આ પણ વાંચો -- VADODARA : MSU ની પરીક્ષાનું બોગસ ટાઇમ ટેબલ વાયરલ