Asia Cup : ચાલુ મેચમાં સ્ટેડિયમની લાઈટ બંધ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું એકવાર ફરી નાક કપાયું
એશિયા કપ 2023માં સુપર 4ની પ્રથમ મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં કઇંક એવું બન્યું જેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને શરમમાં મુક્યું હતું. બુધવારે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની સુપર ફોર સ્ટેજની મેચ લગભગ 20 મિનિટ માટે અટકાવી દેવામાં આવી હતી. બાંગ્લાદેશની ટીમ 38.4 ઓવરમાં 193 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં, જ્યારે પાકિસ્તાને પાંચ ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 15 રન બનાવ્યા હતા, ત્યારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમના ફ્લડલાઇટ ટાવરની લાઇટો ગુલ થઇ ગઇ હતી.
ચાલુ મેચમાં લાઈટો બંધ
પાકિસ્તાન અને બાંગ્લાદેશની સુપર-4 ની મેચમાં ભલે પાકિસ્તાનની જીત થઇ હોય. પરંતુ તે પહેલા સ્ટેડિયમમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એક ભૂલના કારણે શરમનો અનુભવ થયો હતો. જણાવી દઇએ કે, પાકિસ્તાનના 194 રનના સફળ ચેઝની પાંચમી ઓવરના અંતે તે બન્યું જ્યારે ફ્લડલાઈટ ફેલ થવા લાગી, જેના કારણે મેચ લગભગ 20 મિનિટ માટે અટકાવી દેવાઈ. મેચ ચાલુ રાખવા માટે પૂરતો પ્રકાશ ન હોવાથી ખેલાડીઓ મેદાન છોડીને જતા જોવા મળ્યા હતા. મેચ શરૂ થતાં પહેલા લગભગ 18-20 મિનિટનો વિરામ હતો અને પછી તે ફરીથી શરૂ થઇ. ખરાબીનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાએ એશિયા કપની યજમાન સંસ્થા પૈકીની એક, PCBને શરમજનક બનાવતા સોશિયલ મીડિયા પર મીમ્સ ફેલાવ્યા હતા.
પાકિસ્તાન ચાર મેચોની યજમાની કરી રહ્યું છે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઘોષણા કરી કે ભારત આ ઇવેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે ત્યારથી ટુર્નામેન્ટની યજમાની કરવાનો અધિકાર એક મોટો વિવાદનો વિષય બન્યો છે. શરૂઆતમાં, તટસ્થ સ્થળ સૂચવવામાં આવ્યું હતું, પરંતુ પાકિસ્તાને ટુર્નામેન્ટના ભાગની યજમાની કરવાનો આગ્રહ રાખ્યો હતો. જેના કારણે તેને ચાર મેચનું આયોજન કરવાની તક મળી.
આ પણ વાંચો - Super-4 ની પહેલી મેચમાં પાકિસ્તાનની બાંગ્લાદેશ વિરુદ્ધ આસાન જીત, એશિયા કપમાં તોડ્યો આ રેકોર્ડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


