સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં નહીં દેખાય વિરાટ કોહલી ? રોહિત શર્માના સ્થાને આ ખેલાડીને મળી શકે છે સુકાનીપદ
વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી-20 સીરીઝ રમી રહી છે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. ત્યાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ રમાશે. ઘણા અનુભવી ખેલાડીઓ કાંગારુ ટીમ સામે ટી-20 શ્રેણીમાં નથી રમી રહ્યા. કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પણ આ શ્રેણીમાં નથી. હવે આ બંનેના સાઉથ આફ્રિકા પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
કોહલી અને રોહિત જેવા વરિષ્ઠ ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે વ્હાઇટ બોલની શ્રેણીમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. તે માત્ર ટેસ્ટ શ્રેણી માટે જ ટીમ સાથે જોડાશે. વિરાટ 10 ડિસેમ્બરથી શરૂ થનારી ટી-20 શ્રેણીમાં જોવા મળશે નહીં. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ તે આ ફોર્મેટમાં રમ્યો નથી. હવે ODI સિરીઝથી દૂર રહેવાના મામલાએ બધાને ચોંકાવી દીધા છે.
રોહિત શર્મા T20થી દૂર રહી શકે છે
બીજી તરફ, રોહિત શર્માએ પણ બોર્ડને જણાવ્યું નથી કે તે વનડે શ્રેણીમાં રમશે કે નહીં. જો કે હિટમેન ટી-20 સિરીઝમાં નહીં રમે તેવી પૂરી શક્યતા છે. આ ફોર્મેટમાં પસંદગીકારો સતત માત્ર યુવાનોને જ તક આપશે. ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં યુવાનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
રાહુલ ટી-20 અને વનડેમાં કેપ્ટનશિપ કરી શકે છે
બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર એક-બે દિવસમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલને સીમિત ઓવરોની શ્રેણીમાં સુકાનીપદ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે નહીં રમે. રાહુલે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં કેપ્ટનશીપ કરી હતી. જ્યાં સુધી કોહલી અને રોહિતની વાત છે તો બંને ટેસ્ટ શ્રેણીમાંથી પુનરાગમન કરી શકે છે.
આ પણ વાંચો -- મિત્ર હોય તો Sunil Gavaskar જેવો, મિત્રના એક જ ફોન પર પહોંચી ગયા નવસારી


