તથ્યએ 15 દિવસ પહેલા પણ સર્જયો હતો અકસ્માત, નશો, બાપના પૈસે તાગડધિન્ના અને રખડપટ્ટી એ જ તથ્યની દિનચર્યા
ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારને બેફામ હંકારી મોતનું તાંડવ મચાવનાર તથ્ય પટેલને લઇને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સામે આવ્યુ છે કે તથ્ય પટેલે 15 દિવસ પહેલા પણ બેફામ ગાડી હંકારી એક અકસ્માત સર્જયો હતો. જી હા .. તથ્ય પટેલે સિંધુ ભવન રોડ પર બેફામ ગાડી હંકારી 15 દિવસ પહેલા પણ એક અકસ્માત કર્યો હતો.. ત્યારે કાર જેગુઆર નહોતી, પરંતુ થાર હતી.. અને આ થાર ગાડી તેણે એક કાફેમાં ઘુસાડી દીધી હતી, જેમાં કાફેની દિવાલ તૂટી ગઇ હતી..
સદનસીબે તે સમયે આ અક્સ્માતમાં એકપણ જાનહાનિ થઇ ન હતી. પૂરપાટ ઝડપે કાર દોડાવીને તથ્યએ કાર દીવાલમાં ઘુસાડી દીધી હતી. આ કાર એટલી ઝડપે ઘૂસી કે દીવાલ તૂટી ગઈ હતી. દીવાલ તોડીને કાર રિવર્સ પણ લેવામાં આવી હતી. ત્યાર બાદ તથ્ય કાર લઈને ત્યાંથી નાસી ગયો હતો.
આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે અને કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરાંની દીવાલ તોડી નાખે છે. એ સમયે તથ્ય પટેલ અને રેસ્ટોરાંના સંચાલકે સમાધાન કરી લીધું હતું. જો એ સમયે પગલાં લેવામાં આવ્યાં હોત તો આજે નવ નિર્દોષનો જીવ બચી ગયો હોત..
વાત માત્ર આટલેથી નથી અટકતી તથ્ય નશો કરવાનો શોખીન હોવાની પણ વાત સામે આવી છે.. જુહાપુરાના એક ડ્રગ્સ પેડલર પાસેથી તે ડ્રગ્સ મેળવતો હતો તેવુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.. સિંધુભવન રોડ પર તથ્યએ સર્જેલો અકસ્માત પણ નશાની હાલતમાં જ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
તથ્યની દિનચર્યા પણ તમને ચોંકાવી દેશે.. સવારે અગિયાર બાર વાગ્યે ઉઠવું અને તૈયાર થઇને છોકરીઓ સાથે રખડવા ઉપડી જવું,, ગેમિંગ ઝોનમાં, કાફેમાં કલાકો સુધી બેસી રહેવું આ તેની દિનચર્યા હતી.. આખી રાત રખડપટ્ટી કરવી તથ્યનો શોખ છે.. આ રખડપટ્ટી દરમ્યાન તથ્ય અનેક કાંડ કરતો.. પણ પછી બાપ પ્રજ્ઞેશ પટેલ જે તે જગ્યાએ પહોંચીને પતાવટ કરી આવતો.. બીજા શબ્દોમાં કહીએ તો રાતના અંધારામાં દિકરો જે કરતૂત કરતો હતો.તેની પતાવટ તેનો બાપ દિવસના અજવાળામાં કરતો હતો.
સિંધુભવન રોડ પર થાર ગાડી વડે તથ્યએ સર્જેલા અક્સમાતમાં પણ બાપ પ્રજ્ઞેશ પટેલ દ્વારા પતાવટનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યુ છે.. જે કાફેની દિવાલ તથ્યએ બેફામ થાર ગાડી હંકારી તોડી પાડી હતી, તેનો ખર્ચો આપવાની વાત કરીને આ કેસમાં પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા પતાવટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. પરંતુ બાદમાં પૈસા પણ ન આપવામાં આવ્યા અને ફોન પણ ઉપાડવામાં ન આવ્યો હોવાની હકીકત ખુલી છે. .આમ કહી શકાય કે પતાવટ કરવામાં પણ આ બાપ-બેટો નિર્લજજ્તા વર્તતા હતા


