બેટ્સમેને સિક્સ ફટકારી પણ એમ્પાયરે તેને OUT આપ્યો! Video જોઇને જાણો અહીં શું થઇ ભૂલ
- Batsman OUT Video : છગ્ગો માર્યો પણ હાર મળી ગઈ
- બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રોમાંચક અંતિમ ઓવર
- છગ્ગાની ઉજવણી વચ્ચે પડ્યો હિટવિકેટનો આંચકો
Batsman OUT Video : ક્રિકેટની રમતને અનિશ્ચિતતાઓનો ખેલ એટલા માટે જ કહેવામાં આવે છે કે અહીં ક્યારે શું થાય, તેની કોઈ ગેરંટી નથી. 27 ઓક્ટોબરે ચટ્ટોગ્રામમાં બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પહેલી T20 મેચમાં કંઈક આવું જ જોવા મળ્યું, જે ક્રિકેટ ઈતિહાસના પાના પર લાંબા સમય સુધી યાદ રહેશે. એક એવો કિસ્સો જ્યારે બેટ્સમેને છગ્ગો ફટકાર્યો, મેદાન પર ઉજવણી થઈ, પણ પછી તરત જ એ છગ્ગો જ ટીમને હાર તરફ લઈ ગયો. કેવી રીતે આવો જાણીએ આ આર્ટિકલમાં.
165 રનનો પડકાર અને બાંગ્લાદેશની લથડતી શરૂઆત
વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બેટિંગ કરતાં સેટ કૅપ્ટન શાઈ હોપના 28 બોલમાં 46 રન અને રોવમેન પોવેલના 28 બોલમાં 44 રનની મદદથી બાંગ્લાદેશ સામે 165 રનનો સન્માનજનક લક્ષ્યાંક મૂક્યો હતો. બાંગ્લાદેશ માટે આ લક્ષ્ય મોટો નહોતો, પરંતુ તેમની શરૂઆત ખૂબ જ નબળી રહી. નિયમિત સમયે વિકેટો પડતી ગઈ અને 18મી ઓવર સુધીમાં ટીમ 9 વિકેટ ગુમાવી ચૂકી હતી. ક્રીઝ પર હવે માત્ર છેલ્લી જોડી – પૂંછડીયા બેટ્સમેન તાસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાન હતી. 19મી ઓવરના અંતે સ્કોરબોર્ડ પર 146 રન લખાયેલા હતા. તેનો સીધો અર્થ એ કે બાંગ્લાદેશને જીતવા માટે છેલ્લા 6 બોલમાં 20 રનની જરૂર હતી. આ T20માં અશક્ય નહોતું.
નાટકીય રહી અંતિમ ઓવર (Batsman OUT)
વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચનો અંતિમ ક્ષણો સુધી સસ્પેન્સ ભરેલો રહ્યો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોમારિયો શેફર્ડે છેલ્લી ઓવર હાથમાં લીધી ત્યારે બાંગ્લાદેશને જીત માટે 20 રનની જરૂર હતી. પ્રથમ બોલ પર માત્ર એક રન આવ્યો, બીજો બોલ પણ ડોટમાં સમાપ્ત થયો, જ્યારે ત્રીજા બોલમાં વાઈડ સાથે કુલ ત્રણ રન બન્યા. હવે સ્થિતિ એવી હતી કે બાંગ્લાદેશને બાકી 3 બોલમાં 17 રનની જરૂર હતી. તણાવપૂર્ણ વાતાવરણમાં દરેક દ્રષ્ટિ પિચ પર હતી, કારણ કે હવે જીત મેળવવા માટે ટીમને સતત 3 છગ્ગા ફટકારવાના હતા.
When you think you've won but life pulls an UNO reverse ◀️#BANvWI pic.twitter.com/neEUjd6bcZ
— FanCode (@FanCode) October 27, 2025
ધમાકેદાર છગ્ગો અને પછી... 'હિટવિકેટ'નો ધક્કો!
વેસ્ટ ઈન્ડિઝ સામેની રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં તાસ્કિન અહેમદે શાનદાર શોટ ફટકાર્યો. રોમારિયો શેફર્ડના ચોથા બોલ પર તાસ્કિને બેકફૂટ પરથી જોરદાર લોફ્ટેડ હિટ મારી, જે સીધો ડીપ મિડવિકેટની બહાર 6 રન માટે ગયો. સ્ટેડિયમમાં હાજર બાંગ્લાદેશી ફેન્સ ખુશીથી ઉછળી પડ્યા અને ડગઆઉટમાં પણ ઉજવણીનો માહોલ હતો. પરંતુ આનંદના આ પળોમાં અચાનક નિરાશાનો સમય આવ્યો. અમ્પાયરે 6 રન જાહેર કર્યા પછી તરત જ તાસ્કિનને આઉટ જાહેર કર્યો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે શોટ મારતાં જ તાસ્કિનનો પાછળનો પગ સ્ટમ્પને ટચ થઇ ગયો હતો અને ગિલ્લીઓ નીચે પડી ગઈ હતી. એક જ ક્ષણે ખુશી સન્નાટામાં ફેરવાઈ ગઈ.
વેસ્ટ ઈન્ડિઝનો 16 રનથી રોમાંચક વિજય
આ નાટકીય અંતને કારણે બાંગ્લાદેશની જીતની આશા પર પાણી ફરી વળ્યું. વેસ્ટ ઈન્ડિઝે આ રોમાંચક મુકાબલો 16 રનથી જીતી લીધો. વિન્ડીઝ તરફથી બોલિંગમાં જેસન હોલ્ડર અને જેડન સીલ્સે 3-3 વિકેટ લઈને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. તાસ્કિન અહેમદનો શોટ ખરેખર શાનદાર હતો, પરંતુ હિટવિકેટની એ ભૂલ બાંગ્લાદેશને હાર તરફ ધકેલી ગઈ. આ મેચ સાબિત કરે છે કે ક્રિકેટમાં 'છેલ્લો બોલ ન ફેંકાય ત્યાં સુધી ખેલ ખતમ નથી થતો', પરંતુ એક નાનકડી ભૂલ પણ મેચનું પરિણામ બદલી શકે છે. ચાહકો માટે આ એક એવી ઘટના બની ગઈ, જેમાં છગ્ગો પણ લાગ્યો અને મેચ પણ હાથમાંથી ગઈ!
આ પણ વાંચો : Shreyas Iyer Injury Update : ભારતના ODI ઉપ-કપ્તાન ICU માં સારવાર હેઠળ, સિડનીની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર


