મોહમ્મદ શમીના વિવાદમાં હવે કોંગ્રેસ નેતા શમા મોહમ્મદની એન્ટ્રી, જાણો શું કહ્યું
- મોહમ્મદ શમીના એનર્જી ડ્રિંક વિવાદ
- વિવાદમાં કૂદી પડ્યા કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ
- શમા મોહમ્મદે શમીનું કર્યું સમર્થન
- શમીએ કંઈ ખોટું કર્યું નથી : શમા મોહમ્મદ
- ઇસ્લામમાં મુસાફરી દરમિયાન ઉપવાસ રાખવાની છૂટ : શમા મોહમ્મદ
Mohammed Shami Controversy : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઈનલ દરમિયાન મોહમ્મદ શમીનો એનર્જી ડ્રિંક પીતો ફોટો વાયરલ થયો હતો, જેને લઇને સોશિયલ મીડિયામાં ખૂબ હોબાળો મચ્યો હતો. એવું કહેવામાં આવ્યું કે, તાજેતરમાં રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે જે દરમિયાન રોઝા (ઉપવાસ) રાખવામાં આવે છે, અને દિવસોમાં મોહમ્મદ શમી (Mohammed Shami) રોઝા રાખવાની જગ્યાએ જાહેરમાં એનર્જી ડ્રિંક પીતો જોવા મળ્યો છે, જે ખોટું છે. હવે આ વિવાદના વંટોળમાં કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ પણ કૂદી પડ્યા છે. શું કહ્યું તેમણે આવો જાણીએ આ આર્ટિકલમાં...
મોહમ્મદ શમીનો એનર્જી ડ્રિંક વિવાદ
ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) નો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેને લઇને ખૂબ વિરોધ થઇ રહ્યો છે. હવે આ વિવાદમાં કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ કૂદી પડ્યા છે, જેમણે શમીનો બચાવ કરતાં ઇસ્લામના નિયમોનો હવાલો આપ્યો. મોહમ્મદ શમી (Mohammed Shami), જે હાલમાં ટીમ ઈન્ડિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં રમી રહ્યો છે, તેનો એક ફોટો મંગળવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન સામે આવ્યો હતો. આ ફોટામાં તે એનર્જી ડ્રિંક પીતો જોવા મળ્યો, જે રમઝાનના મહિનામાં ઉપવાસના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વર્ગે શમીની આ હરકતની ટીકા કરી રહ્યો છે અને તેને ટ્રોલ કરી રહ્યો છે. ઘણા લોકોએ દલીલ કરી કે રમઝાન દરમિયાન ઉપવાસ ફરજિયાત છે અને શમીએ આ નિયમનું પાલન કરવું જોઈએ.
શમા મોહમ્મદનો શમીને સમર્થન
આ વિવાદમાં કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે (Shama Mohamed) શમીનો બચાવ કર્યો છે. શમા મોહમ્મદ તે જ નેતા છે જેમણે થોડા દિવસો પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માને ‘જાડો’ કહીને વિવાદ સર્જ્યો હતો. શમાએ ઇસ્લામના નિયમોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, શમીએ કંઈ ખોટું કર્યું નથી. તેમનું કહેવું છે કે ઇસ્લામમાં મુસાફરી દરમિયાન ઉપવાસ રાખવાની છૂટ આપવામાં આવી છે. શમી હાલમાં ઘરથી દૂર દુબઈમાં છે અને એક એવી રમત રમી રહ્યો છે જેમાં શારીરિક શ્રમ અને તરસ લાગવી સ્વાભાવિક છે. શમાએ ઉમેર્યું કે ઇસ્લામ એક વૈજ્ઞાનિક ધર્મ છે અને તેમાં કોઈને રમત રમતી વખતે ઉપવાસ રાખવાની ફરજ પાડવામાં નથી આવતી. તેમના મતે, વ્યક્તિના કાર્યો ધર્મની જવાબદારીઓથી વધુ મહત્વના છે.
#WATCH | Delhi | On Indian cricketer Mohammed Shami, Congress leader Shama Mohamed says, "...In Islam, there is a very important thing during Ramzan. When we are travelling, we don't need to fast (Roza), so Mohammed Shami is travelling and he's not at his own place. He's playing… pic.twitter.com/vdBttgFbRY
— ANI (@ANI) March 6, 2025
મૌલાનાની ટીકા : શમીને ગુનેગાર ગણાવ્યો
બીજી તરફ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ શમીની આ હરકતને ધર્મના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. મૌલાનાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, શરિયતની નજરમાં શમી ગુનેગાર છે, કારણ કે તેણે રમઝાન દરમિયાન જાણીજોઈને ઉપવાસ તોડ્યો. તેમણે દલીલ કરી કે ઇસ્લામમાં ઉપવાસ ફરજિયાત છે અને દરેક મુસ્લિમની જવાબદારી છે કે તે શરિયતના નિયમોનું પાલન કરે. મૌલાનાએ શમીને સલાહ આપી કે તેણે ક્રિકેટ રમવાની સાથે પોતાની ધાર્મિક જવાબદારીઓ પણ નિભાવવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ જાણીજોઈને ઉપવાસ છોડે, તો તે ઇસ્લામિક કાયદા હેઠળ પાપી ગણાય.
ધાર્મિક જવાબદારીઓ કે પ્રોફેશનલ કરિયર?
આ વિવાદે ઇસ્લામમાં ઉપવાસના નિયમો પર પણ ચર્ચા શરૂ કરી છે. શમા મોહમ્મદના મતે, મુસાફરી દરમિયાન ઉપવાસમાંથી છૂટ મળે છે, જે શમી પર લાગુ પડે છે, કારણ કે તે હાલમાં દુબઈમાં રમી રહ્યો છે. બીજી તરફ, મૌલાના રઝવીનું કહેવું છે કે ઉપવાસ ફરજિયાત છે અને તેનું પાલન કરવું દરેક મુસ્લિમની ફરજ છે, પછી ભલે તે કોઈ પણ પરિસ્થિતિમાં હોય. આ બંને મંતવ્યો વચ્ચેનો તફાવત આ વિવાદને વધુ ગૂંચવી રહ્યો છે. શમીના આ ફોટા બાદ સોશિયલ મીડિયા પર તેને લઈને ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો તેના બચાવમાં ઉતર્યા છે, જ્યારે અન્ય એક વર્ગે તેની ટીકા કરીને ટ્રોલિંગ શરૂ કર્યું છે. આ ઘટનાએ એકવાર ફરી ધર્મ અને રમતગમતના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે. શું ખેલાડીઓએ તેમની ધાર્મિક જવાબદારીઓને પ્રાધાન્ય આપવું જોઈએ, કે પછી તેમના પ્રોફેશનલ કરિયરને? આ પ્રશ્ન હજુ અકબંધ છે.
આ પણ વાંચો : ક્રિકેટ કે ધર્મ? શમીની એક તસવીર વાયરલ થતા દેશમાં શરૂ થઇ ચર્ચા


