મેદાનમાં જ જોવા મળ્યા ફિલ્મી દ્રશ્યો! Prithvi Shaw એ બેટ લઇ આ ખેલાડીને દોડાવ્યો, જુઓ Video
- Prithvi Shaw ફરી વિવાદમાં આવ્યો, મેદાન પર થયો ઝઘડો
- રણજી પહેલા પ્રેક્ટિસ મેચમાં પૃથ્વી શોનો ભૂતપૂર્વ ટીમ સાથે ઝઘડો
- મુંબઇ સામેની મેચમાં પૃથ્વી શો ગુસ્સે ભરાયો, મેદાન પર ઉગ્ર બોલાચાલી
- ‘થેન્ક યુ’ બોલતાં જ ભડક્યો પૃથ્વી શો
- પૃથ્વી શો અને મુશીર ખાન વચ્ચે મેદાન પર અથડામણ
Prithvi Shaw controversy : ભારતીય ક્રિકેટના યુવા પ્રતિભાશાળી ખેલાડી પૃથ્વી શો (Prithvi Shaw) ફરી એકવાર તેમના બેટથી નહીં, પરંતુ મેદાન પરના વિવાદને કારણે ચર્ચામાં આવ્યો છે. મંગળવાર, 7 ઓક્ટોબરના રોજ પુણેમાં રણજી ટ્રોફી સીઝન 2025-26 પહેલા યોજાયેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન, શોનો તેમની ભૂતપૂર્વ ટીમ મુંબઈના ખેલાડીઓ સાથે ગંભીર ઝઘડો થયો હતો. જેણે શોના વર્તન પર ફરી સવાલો ઉભા કર્યા છે.
પૃથ્વી શોનો પૂર્વ ટીમ સાથે ઝઘડો
આ ઘટના પુણેના એમસીએ સ્ટેડિયમમાં મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે રમાઈ રહેલી 3 દિવસીય પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે બની હતી. પૃથ્વી શો (Prithvi Shaw), જે હવે મહારાષ્ટ્ર માટે સ્થાનિક ક્રિકેટ રમી રહ્યો છે, તેણે આ મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરતા 220 બોલમાં 181 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં 21 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે અર્શીન કુલકર્ણી સાથે મળીને 305 રનની વિશાળ ભાગીદારી પણ કરી હતી. ઝઘડો ત્યારે થયો જ્યારે 74મી ઓવરમાં શો મુશીર ખાનની બોલિંગ પર ફાઇન લેગ બાઉન્ડ્રી પર ઇરફાન ઉમૈર દ્વારા કેચ આઉટ થયો.
🚨What’s going to happen with Prithvi Shaw? DRAMA ON THE FIELD 🚨
After smashing a century vs his former team, Prithvi Shaw lost it — tried hitting Musheer Khan with his bat and got into a fierce verbal showdown with ex‑teammates 🤯pic.twitter.com/sJBx5advrR#PrithviShaw— Sporttify (@sporttify) October 7, 2025
ઝઘડાનું ચોક્કસ કારણ સતત સ્લેજિંગ
એક અહેવાલ મુજબ, આ ઝઘડાનું મૂળ કારણ શોને આઉટ કરનાર મુંબઈના ખેલાડી મુશીર ખાનનું વર્તન હતું. જ્યારે શો આઉટ થયો, ત્યારે મુશીર ખાને તેને "આભાર" (Thank You) કહીને વિદાય આપી, જેનાથી શો ગુસ્સે થઈ ગયો. જોકે, આ ગુસ્સો માત્ર એક શબ્દના કારણે નહોતો. અહેવાલો સૂચવે છે કે મેચના પહેલા દિવસથી જ મુંબઈના ખેલાડીઓ દ્વારા સતત સ્લેજિંગ કરવામાં આવી રહ્યું હતું. આઉટ થયા બાદનું 'થેન્ક યુ' સતત સ્લેજિંગની પરાકાષ્ઠા હતી. ગુસ્સામાં આવેલો શો ડ્રેસિંગ રૂમ તરફ જવાને બદલે સીધો મુશીર ખાન તરફ ધસી ગયો. વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે શો બેટ લઈને મુશીર તરફ દોડી રહ્યો છે, અને તેણે મુશીરનો કોલર પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઓન-ફિલ્ડ અમ્પાયરે દરમિયાનગીરી કરીને શોને શાંત કરાવવાનો અને તેને મુંબઈના ખેલાડીઓથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
Prithvi Shaw નો ટીમ બદલવાનો નિર્ણય અને મેદાન બહારના વિવાદો
પૃથ્વી શોએ 2016-17 સીઝનમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને 18 વર્ષની નાની ઉંમરે 2018-19માં ટેસ્ટ ક્રિકેટમાં પણ ડેબ્યૂ કર્યું હતું. જોકે, પાછલી સીઝન પછી તેણે પોતાની લાંબા સમયની ટીમ મુંબઈ છોડી દીધી અને મહારાષ્ટ્ર સાથે જોડાવાનો નિર્ણય લીધો. તેની સાથે જલજ સક્સેના જેવા અનુભવી ખેલાડી પણ મહારાષ્ટ્રની ટીમમાં જોડાયા છે. આ નિર્ણય કદાચ રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરવાની દોડમાંથી બહાર થઈ જવાથી અને સ્થાનિક સ્તરે નવી શરૂઆત કરવા માટે લેવામાં આવ્યો હશે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શો પોતાના મેદાન પરના પ્રદર્શન કરતાં મેદાનની બહારની ગેરશિસ્ત અને વિવાદોને કારણે વધુ હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જે તેની કારકિર્દી માટે ચિંતાનો વિષય છે.
કેપ્ટને Prithvi Shaw ને લઇને શું કહ્યું?
આ ઘટના અંગે મહારાષ્ટ્રના કેપ્ટન અંકિત ભાવનાએ શોનો બચાવ કર્યો. તેણે કહ્યું, "તે એક પ્રેક્ટિસ મેચ હતી. બધા ખેલાડીઓ જૂના સાથી ખેલાડીઓ છે. આવી ઘટનાઓ બને છે. હવે બધું બરાબર છે અને કોઈ સમસ્યા નથી." કેપ્ટને આ ઘટનાને હળવાશથી લેવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) અથવા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MACA) તરફથી આ મામલાને આગળ વધારવા અથવા કોઈ શિસ્તભંગના પગલાં લેવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો : MS Dhoni vs Rohit Sharma : જાણો કોણ છે ભારતનો સૌથી સફળ કેપ્ટન, આંકડા ચોંકાવી દેશે


