હિન્દી ભાષાને લઇને એવું શું બોલી ગયા R Ashwin કે શરૂ થઇ ગયો વિવાદ?
- હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી: અશ્વિનનું નિવેદન વિવાદમાં
- અશ્વિનના નિવેદનથી હિન્દી-તમિલ ચર્ચાઓ ફરી શરું
- કોલેજ સમારોહમાં અશ્વિનનો હિન્દી ભાષા પર ખુલાસો
- અશ્વિનના નિવેદનથી ભાષાના મુદ્દે નવી ચર્ચા
Ashwin say about the Hindi language : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ફરીથી ચર્ચામાં આવ્યા છે. શુક્રવારે, એક ખાનગી કોલેજના સ્નાતક સમારોહ દરમિયાન આપેલા તેમના નિવેદનને કારણે વિવાદ ઉભો થયો છે. અશ્વિને સમારોહમાં કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા નથી પરંતુ તે એક સત્તાવાર ભાષા છે. આ નિવેદન આપ્યા બાદ કોલેજમાં શાંતિ છવાઈ ગઈ હતી. તેમના આ નિવેદન પર ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક લોકો અશ્વિનની આ નિઃસ્પષ્ટતા માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેમના નિવેદનને સમર્થન પણ કરી રહ્યા છે.
અશ્વિને શું કહ્યું હતું?
સ્નાતક સમારોહ દરમિયાન અશ્વિને વિદ્યાર્થીઓને ભાષા સાથે સંબંધિત પ્રશ્નો પૂછ્યા. તે સમયે, કેટલાક વિદ્યાર્થીઓ અંગ્રેજી અને તમિલમાં બોલતા સાંભળવામાં આવ્યા, પરંતુ જ્યારે હિન્દી ભાષાની વાત ઉઠી ત્યારે શાંતિ છવાઈ ગઈ. આ પરિસ્થિતિમાં, અશ્વિને જણાવ્યું, “હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી. તે માત્ર એક સત્તાવાર ભાષા છે.” આ નિવેદન ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તમિલનાડુમાં હિન્દી અને તમિલ ભાષા સાથે જોડાયેલા મુદ્દાઓ હંમેશા સંવેદનશીલ રહ્યા છે. તે આ પ્રદેશમાં વિવિધ રાજકીય અને સામાજિક ચર્ચાઓનું કેન્દ્રબિંદુ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, અશ્વિનનું આ નિવેદન હિન્દી ભાષા વિશેની ચર્ચા અને ભારતીય સંસ્કૃતિમાં ભાષાની ભૂમિકા વિશે વધુ ચર્ચાઓ ઊભી કરી શકે છે.
અશ્વિનનું કેપ્ટનશીપ પર દ્રષ્ટિકોણ
આ સમારોહ દરમિયાન, અશ્વિને તેમના કેપ્ટનશીપ વિશે પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ પછી, તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે આ બાબતની ચર્ચા કરી અને કહ્યું કે, “ઘણીવાર એવી અટકળો ચાલી રહી હતી કે હું કેપ્ટનશીપ લઉં છું, પરંતુ મેં ક્યારેય એવું કર્યું નથી. જ્યારે કોઈ કહે છે કે હું કંઈ કરી શકતો નથી, ત્યારે મને તે કરવા પ્રેરણા મળે છે. પરંતુ જ્યારે મને કહેવામાં આવે છે કે હું આ કરી શકું છું, ત્યારે તેમાં મારો રસ ખતમ થઈ જાય છે."
અશ્વિનની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી
રવિચંદ્રન અશ્વિનનું ક્રિકેટ જીવન શાનદાર રહ્યું છે. તેમની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દી 537 વિકેટ સાથે 24.00 ની પ્રભાવશાળી એવરેજ પર ખતમ થઈ હતી. તેમણે 106 ટેસ્ટ મેચની 200 ઇનિંગ્સમાં બોલિંગ કરી હતી. ODIમાં પણ તેમનો પ્રભાવ શ્રેષ્ઠ રહ્યો હતો, જ્યાં તેમણે 116 મેચમાં 33.20 ની સરેરાશથી 156 વિકેટ લીધી હતી. T20 આંતરરાષ્ટ્રીયમાં, તેમણે 65 મેચમાં 23.22 ની એવરેજ અને 6.90 ના ઇકોનોમી રેટ સાથે 72 વિકેટ મેળવી હતી.
આ પણ વાંચો : IND vs AUS 5th Test : હવે તો રોહિત નથી! છતા 185 રનમાં all out, કયું બહાનું કાઢશે ટીમ ઈન્ડિયાના કોચ