GOAT India Tour : વાનખેડે સ્ટેડિયમમાં મેસ્સી અને તેંડુલકરની મુલાકાત, જાણો ભેટમાં શું આપ્યું
- ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે
- આજે મુલાકાતના બીજા દિવસે તે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા
- આ તકે બોલિવૂડ અને સ્પોર્ટસ જગતની અનેક હસ્તીઓને મળવાનો મોકો મળ્યો
- ભારતીય ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર જોડે ઉષ્માભરી મુલાકાત થઇ
GOAT India Tour, Sachin Tendulkar Meet Messi : આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી હાલમાં ભારતના પ્રવાસે છે. મેસ્સી પોતાના ભારત પ્રવાસના બીજા તબક્કા માટે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં, મેસ્સી અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ અને ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરને મળ્યા હતા. સાથે જ તેઓ ભારતના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીને પણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન, તેઓ ડી પોલ અને લુઈસ સુઆરેઝ સાથે કેટલાક બાળકો સાથે રમતા જોવા મળ્યા હતા.
સ્વપ્ન સાકાર થવા જેવી ક્ષણ
આ મુલાકાત દરમિયાન, સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને તેમની ટીમ ઈન્ડિયા જર્સી ભેટમાં આપી હતી, જેના પર સચિનનો ઓટોગ્રાફ હતો. મેસ્સી અને સચિને સાથે ફોટો માટે પોઝ પણ આપ્યો હતો. ત્યારબાદ, મેસ્સીએ સચિન તેંડુલકરને ફૂટબોલ ભેટમાં આપ્યો હતો. અગાઉ, લિયોનેલ મેસ્સી ભારતના સ્ટાર ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીને મળ્યા હતા. તેમને મળતા જોવા માટે વાનખેડે સ્ટેડિયમ ખાતે ચાહકોની વિશાળ ભીડ એકઠી થઈ હતી. લિયોનેલ મેસ્સી અને સચિન તેંડુલકર આખરે સામસામે આવ્યા ત્યારે તે કોઈપણ રમત પ્રેમી માટે સ્વપ્ન સાકાર થવાની ક્ષણ હતી. જેને મેદાનમાં હાજર સૌ કોઇએ વધાવી લીધી હતી.
પહેલા કાર્યક્રમમાં બબાલ થઇ હતી
મેસ્સીનો ભારત પ્રવાસ કોલકાતામાં શરૂ થયો. સિટી ઓફ જોય તરીકે ઓળખાતા કોલકાતામાં, મેસ્સીએ શનિવારે તેમના પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. જોકે, સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે હોબાળો મચી ગયો હતો. દર્શકોએ સ્ટેડિયમમાં હોબાળો મચાવ્યો હતો. આ હંગામા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ગુસ્સે ભરાયા હતા, અને તેમણે આ મામલાની તપાસના આદેશ આપ્યા હતા. જો કે, હૈદરાબાદમાં મેસ્સીનો કાર્યક્રમ સારો રહ્યો. હવે, તેમના પ્રવાસના ત્રીજા દિવસે, મેસ્સી દિલ્હી પહોંચશે, તેવું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો ------ GOAT India Tour નો આયોજક 14 દિવસના રિમાન્ડ પર, સ્ટેડિયમમાં બબાલ બાદ કરાઇ હતી ધરપકડ


