શું મેલબોર્ન રોહિત શર્માની હતી છેલ્લી ટેસ્ટ? બેટિંગ અને કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલ
- રોહિત શર્મા માટે Farewell મેચની આશા તૂટી
- ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ અને બેટ સાથે રોહિતનું પ્રદર્શન શરમજનક
- રોહિત શર્માની બેટિંગ અને કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલ
- સિડની ટેસ્ટમાં રોહિત શર્મા નહીં રમે
- મેલબોર્ન હતી રોહિત શર્માની છેલ્લી ટેસ્ટ?
- ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માનું પ્રદર્શન નિરાશાજનક
- ઓસ્ટ્રેલિયા સામે ફેઇલ રોહિત પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર
Rohit Sharma : ટીમ ઈન્ડિયા માટે અત્યારે એક જ વાક્ય કહી શકાય છે, All is not Well. જીહા, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. વળી જો ટીમ ઈન્ડિયાના કેપ્ટનની વાત કરવામાં આવે તો તેના આંકડા આ શ્રેણીમાં ખૂબ જ શરમજનક રહ્યા છે. આ વચ્ચે રોહિત શર્માને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર અનુસાર રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઈલેવનનો ભાગ નહીં હોય.
Farewell મેચ રમવાની તક નહીં મળે
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રોહિતે તેની છેલ્લી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમી હતી અને કહેવાય છે કે તેને Farewell મેચ રમવાની તક પણ નહીં મળે. રોહિત શર્માએ આ શ્રેણીમાં પોતાની બેટિંગથી ખૂબ નિરાશ કર્યા છે. હિટમેને આ પ્રવાસ દરમિયાન 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન જ બનાવ્યા છે, જે માત્ર 6.20 ની સાધારણ બેટિંગ એવરેજ દર્શાવે છે. રોહિત શર્માના ભવિષ્ય માટે આ સમાચાર ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે બેટિંગમાં સતત નિષ્ફળ જવાની સાથે, કેપ્ટન તરીકેના ઘણા નિર્ણયો પણ ટીમ ઈન્ડિયાની હારનું કારણ બન્યા છે. મેદાન પર રોહિતના ઘણા નિર્ણયો ખેલવિશ્લેષકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો માટે ચર્ચાનો વિષય બન્યા છે.
પસંદગી પર સવાલ ઉઠ્યા
સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા પ્લેઇંગ ઈલેવનનો ભાગ નહીં હોય, અને જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળશે. હિટમેને પોતાની છેલ્લી ટેસ્ટ મેલબોર્નમાં રમી હતી. મેલબોર્ન ટેસ્ટમાં રોહિતે પ્રથમ ઇનિંગમાં માત્ર 3 રન બનાવ્યા હતા અને એક ખરાબ શોટ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજી ઇનિંગમાં તેણે 40 બોલ રમીને માત્ર 9 રન બનાવ્યા હતા. આ બે ઇનિંગ્સમાં રોહિતના પ્રદર્શનને કારણે તે રમ્યા બાદ તેની પસંદગી પર સવાલ ઉઠ્યા હતા.
કપ્તાની અને બેટિંગ પ્રદર્શન અંગે ટીકા
રોહિતની કેપ્ટનશીપ દરમિયાન ભારતીય ટીમે છેલ્લી 6 ટેસ્ટ મેચમાંથી 5માં હારનો સામનો કર્યો છે, જેમાં ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 3-0 થી શ્રેણી ગુમાવવી પડી હતી. એડિલેડમાં પિંક બોલ ટેસ્ટમાં પણ ટીમ હારી ગઈ હતી. મેલબોર્નમાં ભારતીય બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનના કારણે ભારતીય ટીમે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે પ્લેઇંગ ઈલેવનમાં કરેલા ફેરફારો અને બેટિંગ ઓર્ડરમાં કરેલા ફેરફારોને લઈને તેની ભારે ટીકા થઈ હતી. તેણે ઓપનિંગ કરવાનું પસંદ કર્યું હતું, જે સમગ્ર ટીમ માટે ખરાબ સાબિત થયું હતું. સાથે જ, કેએલ રાહુલ ત્રીજા નંબર પર રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. બોલિંગ અને ફિલ્ડિંગ સેટઅપમાં કરાયેલા ફેરફારોને લઈને ભૂતપૂર્વ ક્રિકેટરો દ્વારા રોહિત શર્માની ખૂબ ટીકા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કોચ અને ખેલાડીઓ વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત રહેવી જોઈએ : ગૌતમ ગંભીર