IND vs SA : Quinton de Kock નો ભારત વિરુદ્ધ નવો રેકોર્ડ!
- Quinton de Kock નો ભારતવિરુદ્ધ નવો રેકોર્ડ
- ડી કોકે તોડ્યો એબી ડી વિલિયર્સનો રેકોર્ડ
- નિર્ણાયક વનડેમાં ડી કોકનો સુપર શો
IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી 3 મેચની વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન Quinton de Kock નું બેટ ગર્જ્યું છે. વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં, જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારે ડી કોકે દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની શરૂઆત કરતા એક શાનદાર સદી ફટકારીને માત્ર પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં જ નથી મૂકી, પરંતુ અનેક મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
ભારત સામે દક્ષિણ આફ્રિકાનો 'કિંગ'
પ્રથમ 2 વનડેમાં શાંત રહેલા ડી કોક પાસેથી ત્રીજી મેચમાં મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, જોકે તેણે નિરાશ કર્યા નહીં. વિશાખાપટ્ટનમના મેદાન પર પોતાની બેટિંગનો જાદુ ચલાવતા, ડી કોકે પોતાની 23મી વનડે સદી પૂરી કરી. આ સદી સાથે તેણે એક એવી સિદ્ધિ મેળવી છે જે આફ્રિકન ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ પણ હાંસલ કરી શક્યા નહોતા. જણાવી દઇએ કે, ક્વિન્ટન ડી કોક હવે ભારત સામે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન બની ગયો છે. તેણે મહાન ખેલાડી એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે. ટીમ ઈન્ડિયા સામે આ ડી કોકની સાતમી વનડે સદી છે. જે દર્શાવે છે કે જ્યારે પણ ભારત સામે મોટી મેચ હોય છે, ત્યારે ડી કોકનું બેટ ખાસ ચાલે છે.
વિકેટકીપર-બેટ્સમેન Quinton de Kock નો વિશ્વ રેકોર્ડ
ડી કોકે માત્ર એક આફ્રિકન રેકોર્ડ જ નહીં, પરંતુ વૈશ્વિક ક્રિકેટમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે પણ એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે વિશ્વ ક્રિકેટમાં એક જ ટીમ સામે (ભારત) વિકેટકીપર-બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. જોકે, આ સિદ્ધિ તેણે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર એડમ ગિલક્રિસ્ટ અને શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમાર સંગાકારાને પાછળ છોડી દીધા છે. ગિલક્રિસ્ટે શ્રીલંકા સામે વનડેમાં 6 સદી ફટકારી હતી. જ્યારે સંગાકારાએ ભારત સામે 6 સદી ફટકારી હતી. ડી કોકનો ભારત સામેનો આ પ્રભાવ તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર-બેટ્સમેનોની હરોળમાં મૂકે છે.
કોહલીની બરાબરી, સંગાકારા સાથે ભાગીદારી
ક્વિન્ટન ડી કોકે પોતાની આ શાનદાર ઇનિંગ્સ દરમિયાન 2 વધુ મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે, જેનાથી તે રેકોર્ડ બુકમાં વિરાટ કોહલી અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજોની બરાબરી પર આવી ગયો છે. ડી કોક હવે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની બરાબરી પર આવી ગયો છે. કોહલીએ પણ દક્ષિણ આફ્રિકા સામે વનડેમાં 7 સદી ફટકારી છે. આ બંને ખેલાડીઓ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે મેચોમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ હવે સંયુક્ત રીતે ધરાવે છે. આ તેની 23મી વનડે સદી છે, અને આ સાથે તે વિકેટકીપર-બેટ્સમેન દ્વારા વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કુમાર સંગાકારા (23 સદી)ની બરાબરી પર આવી ગયો છે. વળી, ભારતમાં વનડેમાં 1,000થી વધુ રન બનાવનાર તે દક્ષિણ આફ્રિકાનો બીજો ખેલાડી પણ બન્યો છે, જે આ મામલે એબી ડી વિલિયર્સ પછી આવે છે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતીય પિચો પર તેનું પ્રદર્શન કેટલું મજબૂત રહ્યું છે.
નિર્ણાયક મેચ, મજબૂત પ્લેઇંગ ઇલેવન
શ્રેણીની આ ત્રીજી મેચ અત્યંત મહત્વપૂર્ણ છે. બંને ટીમો શ્રેણી જીતવા માટે સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી છે. અહીં બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન પર એક નજર છે:
- ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ.
- દક્ષિણ આફ્રિકા: રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ બ્રીટ્ઝકે, એડન માર્કરામ, ડેવાલ્ડ બ્રુઇસ, માર્કો જેનસેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, લુંગી ન્ગીડી, ઓટનિલ બાર્ટમેન.
આ પણ વાંચો : Cricketer Birthday : ટીમ ઈન્ડિયાના 5 સ્ટાર ખેલાડીઓનો આજે છે જન્મદિવસ, જાણો તેમના વિશે