Asia Cup : દુબઈની સખત ગરમીમાં આજે IND vs UAE ની રમાશે મેચ, જાણો પિચ કોને કરી શકે છે મદદ
- Asia Cup 2025 : IND vs UAE પિચ રિપોર્ટ અને મેચની સંભાવનાઓ
- UAE સામે ભારતનું અભિયાન દુબઈથી શરૂ
- સૂર્યકુમારની આગેવાની હેઠળ UAE સામે મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ
- 42 ડિગ્રી ગરમીમાં IND vs UAE નો મુકાબલો
IND vs UAE : Asia Cup 2025 માં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોતાનું અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો યજમાન યુનાઈટેડ અરબ અમિરાત (UAE) સામે થશે. T20I ક્રિકેટના ઇતિહાસમાં INDIA અને UAE વચ્ચે આ બીજી મેચ હશે. અગાઉ 2016ના એશિયા કપમાં બંને ટીમ એકબીજા સામે ટકરાઈ હતી, જેમાં ભારતે 9 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. જોકે, છેલ્લા 9 વર્ષમાં UAEની ટીમમાં ઘણો સુધારો થયો છે, અને તેઓ પોતાની ધરતી પર ભારતને સખત પડકાર આપવા માટે ઉત્સુક હશે. આ મેચ માટે દુબઈની પિચ અને હવામાન કેવા રહેશે, તેના પર એક નજર નાખીએ.
દુબઈની પિચ : ફાસ્ટ બોલરો માટે 'વરદાન'
સામાન્ય રીતે દુબઈની પિચ સ્પિનરોને મદદ કરતી હોવાનું મનાય છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે. પિચ પર થોડું ઘાસ હશે, જે ફાસ્ટ બોલરોને સારો બાઉન્સ અને સ્વિંગ આપી શકે છે. વર્ષની શરૂઆતમાં ભારતે અહીં ચેમ્પિયન્સ ટ્રોફી મેચ રમી હતી, ત્યારે પિચ ધીમી અને સ્પિનરો માટે અનુકૂળ હતી. પરંતુ તાજેતરમાં પિચ પર કરવામાં આવેલી મહેનતને કારણે આ વખતે ફાસ્ટ બોલરો મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નવા બોલથી શાનદાર સ્વિંગ અને ગતિનો ઉપયોગ કરીને ફાસ્ટ બોલરો વિરોધી ટીમના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી શકે છે.
આકરા હવામાનનો પડકાર (IND vsUAE)
દુબઈમાં હાલમાં હવામાન ઘણું ગરમ છે, જે ખેલાડીઓ અને દર્શકો બંને માટે એક મોટો પડકાર બની રહેશે. મેચના દિવસે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે મેચ શરૂ થશે ત્યારે પણ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આટલી ગરમીમાં લાંબા સમય સુધી ક્રિકેટ રમવું શારીરિક રીતે ઘણું થકવી નાખનારું સાબિત થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ખેલાડીઓની સ્ટેમિના અને સહનશક્તિની કસોટી થશે. ટોસ જીતનાર કેપ્ટન કદાચ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, જેથી તેની ટીમના બોલરોને બીજી ઇનિંગ્સમાં તાજી પિચનો ફાયદો મળે અને બેટ્સમેનોને ગરમીથી થોડી રાહત મળે.
Before we take on the World again, let's conquer Asia 💪
India's campaign starts today and we are absolutely ready to defend our crown 🏆#TeamIndia | #AsiaCup2025 pic.twitter.com/LfvfwzdjeM
— BCCI (@BCCI) September 10, 2025
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના રેકોર્ડ્સ અને આંકડા
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ T20I ક્રિકેટ માટે એક લોકપ્રિય સ્થળ છે. અહીં અત્યાર સુધી કુલ 93 T20I મેચ રમાઈ છે. આ મેદાનના આંકડાઓ નીચે મુજબ છે:
- પહેલા બેટિંગ કરનાર ટીમ: 46 મેચ જીતી (49.46%)
- બીજી બેટિંગ કરનાર ટીમ (ચેઝ): 47 મેચ જીતી (50.54%)
- આ આંકડા દર્શાવે છે કે આ મેદાન પર ચેઝ કરવું થોડું સહેલુ છે, પરંતુ જીત અને હારનું અંતર બહુ મોટું નથી.
- ટોસ જીતનાર ટીમ: 53 મેચ જીતી (56.99%)
- ટોસ હારનાર ટીમ: 40 મેચ જીતી (43.01%)
આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ટોસ જીતવો મેચ જીતવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મોટાભાગે કેપ્ટન Toss જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે.
- સૌથી વધુ સ્કોર: 212/2
- સૌથી ઓછો સ્કોર: 55
- ટાર્ગેટનો પીછો કરવામાં સૌથી વધુ સ્કોર: 184/8
- વિકેટ દીઠ સરેરાશ રન: 21.16
- પ્રતિ ઓવર સરેરાશ રન: 7.31
- પહેલા બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર: 145
ઉલ્લેખનીય છે કે, આ આંકડાઓ સૂચવે છે કે આ મેદાન પર ઊંચા સ્કોર બન્યા છે, પરંતુ એવરેજ સ્કોર ઘણો ઓછો છે, જે દર્શાવે છે કે બેટ્સમેનોને રન બનાવવા માટે ઘણી મહેનત કરવી પડશે. આ મેચમાં ભારતીય ટીમ ફેવરિટ રહેશે તે નિશ્ચિત છે, પરંતુ UAE ની ટીમ પોતાની ધરતી પર સારું પ્રદર્શન કરવા માટે મક્કમ છે. પિચ અને હવામાન બંને મેચના પરિણામ પર અસર કરી શકે છે. વળી આ મેચમાં ફાસ્ટ બોલરોની ભૂમિકા નિર્ણાયક રહેશે, અને જે ટીમ ગરમીનો સારી રીતે સામનો કરી શકશે તેને સફળતા મળવાની શક્યતા વધુ છે. દર્શકોને રોમાંચક મુકાબલાની અપેક્ષા છે.
આ પણ વાંચો : Asia Cup 2025 : મેદાન પર જ નહીં, કોમેન્ટ્રી બોક્સમાં પણ જોવા મળશે ભારત-પાક "જંગ"!
આ પણ વાંચો : Asia Cup 2025 : અફઘાનિસ્તાનનો પહેલી જ મેચથી દબદબો, હોંગકોંગને 94 રનથી હરાવ્યું


