Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs WI Delhi Test : ભારત-વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ સિરીઝનો અંતિમ મુકાબલો આજે શરૂ, કાળી માટીની પિચ પર કોણ કરશે રાજ?

IND vs WI Delhi Test : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજે, 10 ઓક્ટોબર, 2025થી દિલ્હીના પ્રતિષ્ઠિત અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઈ રહી છે.
ind vs wi delhi test   ભારત વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ સિરીઝનો અંતિમ મુકાબલો આજે શરૂ  કાળી માટીની પિચ પર કોણ કરશે રાજ
Advertisement
  • આજે IND vs WI વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટનો મુકાબલો
  • દિલ્હી ટેસ્ટ આજે શરૂ : ભારત સામે વેસ્ટ ઇન્ડીઝની અંતિમ લડત
  • દિલ્હી ટેસ્ટ 2025 : કાળી માટીની પિચ પર કોણ કરશે રાજ?
  • અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અથડામણ
  • ક્લીન સ્વીપના લક્ષ્ય સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે
  • દિલ્હીની કાળી માટીની પિચ બનાવશે મેચ રોમાંચક!

IND vs WI Delhi Test : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજે, 10 ઓક્ટોબર, 2025થી દિલ્હીના પ્રતિષ્ઠિત અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને માત્ર 3 દિવસમાં ઇનિંગ અને 140 રનથી કારમી હાર આપી હતી, ત્યારે હવે ક્રિકેટ ચાહકોની નજર દિલ્હીની પિચ અને બંને ટીમોના પ્રદર્શન પર ટકેલી છે. જોકે, અમદાવાદ અને દિલ્હીની પિચની પ્રકૃતિમાં મોટો તફાવત જોવા મળશે, જે મેચની ગતિને અસર કરી શકે છે.

અમદાવાદની 'ગ્રીન' પિચની અસર

પ્રથમ ટેસ્ટ અમદાવાદની એવી પિચ પર રમાઈ હતી, જે 2019 માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) શરૂ થયા પછી ભારતમાં જોવા મળેલી સૌથી લીલી પિચોમાંની એક હતી. લાલ માટીના પાયા પર બનેલી અને 4 મિલીમીટર જીવંત ઘાસના એકસરખા પડવાળી આ પિચે ઝડપી બોલરોને જબરદસ્ત મદદ પૂરી પાડી હતી. વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની જોડીએ નવા બોલથી શાનદાર પ્રદર્શન કર્યું. ભારતીય ઝડપી બોલરો સામે મુલાકાતી ટીમ બંને ઇનિંગ્સમાં 45 ઓવરથી વધુ ટકી શકી નહોતી. વેસ્ટ ઇન્ડીઝને આ કારમી હારના કારણે ટીમ કોમ્બિનેશન પર પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

Advertisement

અરુણ જેટલી સ્ટેડિયમમાં કેવી છે પિચ? (IND vs WI)

દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ (જે અગાઉ ફિરોઝ શાહ કોટલા તરીકે જાણીતું હતું) ની પિચ અમદાવાદથી તદ્દન અલગ દેખાવ ધરાવે છે. અહીં કાળી માટીના પાયા પર પિચ તૈયાર કરવામાં આવી છે, જેમાં ઘાસના પેચોની વચ્ચે બોલ્ડ સ્પોટ્સ પણ દેખાઈ રહ્યા છે. પિચનું પૂર્વાનુમાન વિશે વાત કરીએ તો કાળી માટીના પાયાને કારણે શરૂઆતમાં આ પિચ બેટ્સમેનો માટે વધુ અનુકૂળ રહેવાની અપેક્ષા છે. બેટ પર બોલ સારી રીતે આવશે. વળી જેમ જેમ મેચ આગળ વધશે અને સપાટી સુકાતી જશે, તેમ તેમ આ પિચ પર સ્પિનરો મુખ્ય ભૂમિકા ભજવશે. જો કે દિલ્હીની પિચો ધીમી ગતિએ ટર્ન અને બાઉન્સ આપવા માટે જાણીતી છે. અહીં આઉટફિલ્ડ ઝડપી છે અને બાઉન્ડ્રી પણ પ્રમાણમાં ટૂંકી છે, જે બેટ્સમેનોને ઝડપી રન બનાવવામાં મદદ કરશે.

Advertisement

આ મેદાન પર છેલ્લી ટેસ્ટ 2023માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન રમાઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતી છતાં, ધીમી અને ટર્નિંગ પિચ પર 3 દિવસમાં જ હાર માની હતી. આ દર્શાવે છે કે દિલ્હીની પિચ પર ટોસ જીતવો અને પ્રથમ બેટિંગ કરવી ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ જેમ જેમ પિચ તૂટે છે તેમ તેમ સ્પિનરોનો દબદબો વધી જાય છે.

ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ-11 માં ફેરફારની શક્યતા કેટલી?

પ્રથમ મેચમાં ઇનિંગથી જીત મેળવ્યા પછી ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોઇશેટે સંકેત આપ્યો છે કે ટીમ મેનેજમેન્ટ જીતનારા સંયોજનમાં ફેરફાર કરવાના મૂડમાં નથી. આનો અર્થ એ છે કે દિલ્હી ટેસ્ટમાં પણ અમદાવાદ ટેસ્ટ જેવી જ ટીમનો સમાવેશ થવાની શક્યતા છે.

દિલ્હી ટેસ્ટ માટે સંભવિત ભારતીય પ્લેઇંગ ઇલેવન:

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

દિલ્હી ટેસ્ટ માટે સંભવિત વેસ્ટ ઇન્ડીઝ પ્લેઇંગ ઇલેવન:

જોન કેમ્પબેલ, તેજનારાયણ ચંદ્રપોલ, એલિક એથાનેસ, બ્રાન્ડન કિંગ, રોસ્ટન ચેઝ (કેપ્ટન), શાઈ હોપ, જસ્ટિન ગ્રીવ્સ, ખારી પિયર, જોમેલ વોરિકન, જેડિયા બ્લેડ્સ, જેડેન સીલ્સ.

હવામાન કેવું રહેશે?

મેચ દરમિયાન દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. વરસાદની શક્યતા લગભગ નહિવત છે, તેથી મેચમાં કોઈ વિક્ષેપ પડવાની સંભાવના નથી.

ક્યા જોઇ શકશો મેચ?

ઓનલાઈન લાઇવ સ્ટ્રીમિંગ : JioCinema (JioHotstar)

ઉલ્લેખનીય છે કે, જ્યાં અમદાવાદની પિચ ઝડપી બોલરો માટે 'સ્વર્ગ' સાબિત થઈ, ત્યાં દિલ્હીની પિચ બેટિંગ અને સ્પિનરો વચ્ચેની રસપ્રદ લડાઈનું મેદાન બનવાની સંભાવના છે. વેસ્ટ ઇન્ડીઝ માટે આ મેચ તેમના પ્રવાસની પ્રતિષ્ઠા બચાવવાની છે, જ્યારે ટીમ ઇન્ડિયા સિરીઝને 2-0થી ક્લીન સ્વીપ કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. કાળી માટીની આ પિચ પર ભારત ફરી એકવાર સ્પિનર્સના સહારે વિરોધી ટીમ પર દબાણ બનાવી શકે છે. ક્રિકેટ ચાહકો માટે આ એક રોમાંચક મેચ સાબિત થશે, જેમાં પિચનો બદલાયેલો મિજાજ મેચનું પરિણામ નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.

આ પણ વાંચો :   મેદાનમાં જ જોવા મળ્યા ફિલ્મી દ્રશ્યો! Prithvi Shaw એ બેટ લઇ આ ખેલાડીને દોડાવ્યો, જુઓ Video

Tags :
Advertisement

.

×