IPL 2026: 1355 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન, ઓક્શનમાં ક્યા ભારતીયો?
- 1355 ખેલાડીઓએ મીની-ઓક્શનમાં નામ નોંધાવ્યું (IPL 2026 Mini Auction)
- મીની-ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં થશે
- મોઈન અલી અને મેક્સવેલ IPL 2026 નહિ રમેં
- આન્દ્રે રસલે IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી
- ફાફ ડુ પ્લેસીસ હવે PSL રમશે
IPL 2026 Mini Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2026 સીઝનના મિની ઓક્શન માટે 1000થી વધુ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ યાદીમાં ડઝનબંધ ભારતીય સ્ટાર પ્લેયર્સની સાથે સાથે અનેક વિદેશી સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. મયંક અગ્રવાલ, કેએસ ભરત, રાહુલ ચાહર, આકાશ દીપ, દીપક હૂડા, સરફરાઝ ખાન, શિવમ માવી, ચેતન સાકરિયા, કુલદીપ સેન, નવદીપ સૈની, પૃથ્વી શો, રાહુલ ત્રિપાઠી, ઉમેશ યાદવ અને સંદીપ વોરિયર જેવા મોટા ભારતીય ખેલાડીઓએ અબુ ધાબીમાં 16 ડિસેમ્બરે યોજાનાર ઓક્શનમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે.
ક્રિકબઝ (Cricbuzz)ને મળેલા એક્સેસ મુજબ, રજિસ્ટ્રેશન લિસ્ટમાં કુલ 1355 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. 13 પાનાની એક્સેલ શીટ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના મોટા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓથી ભરેલી છે. કેમેરોન ગ્રીન, મેથ્યુ શોર્ટ અને સ્ટીવ સ્મિથ એવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓમાં સામેલ છે જેમને મોંઘા ભાવે ખરીદદાર મળવાની આશા છે.
જે ખેલાડીઓની ઉપલબ્ધતા (Availability) તેમના લગ્નને કારણે હજી નક્કી નથી, તેવા જોશ ઇંગ્લિસે પણ ઓક્શન માટે રજિસ્ટર કર્યું છે. આ લાંબી યાદીમાં ઇંગ્લેન્ડના જેમી સ્મિથ અને જોની બેયરસ્ટો, ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્ર, શ્રીલંકાના વનિન્દુ હસરંગા અને મથીશા પથિરાના જેવા સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે.
રૂ.2 કરોડ બેઝ પ્રાઈસમાં ક્યા ભારતીય ખેલાડીઓ?
રસપ્રદ વાત એ છે કે આ વખતે માત્ર બે જ ભારતીય ખેલાડીઓ એવા છે જેમની બેઝ પ્રાઈસ (Base Price) બે કરોડ રૂપિયા છે. આ બે ખેલાડીઓ છે સ્પિનર રવિ બિશ્નોઈ અને ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર, જેને અગાઉના મેગા ઓક્શનમાં KKR દ્વારા રૂ.20 કરોડથી વધુ રકમમાં ખરીદવામાં આવ્યો હતો.
43 વિદેશી ખેલાડીઓ મહત્તમ બેઝ પ્રાઈસમાં સામેલ
મેક્સિમમ બેઝ પ્રાઈસ એટલે કે રૂ.2 કરોડના બ્રેકેટમાં કુલ 43 વિદેશી ખેલાડીઓ છે. આ યાદીમાં કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, જેમી સ્મિથ, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક (બંને અફઘાનિસ્તાન), શોન એબટ, એશ્ટન એગર, મુસ્તફિઝુર રહેમાન, ગસ એટકિન્સન, ટોમ બેન્ટન, ટોમ કરણ, ડેનિયલ લોરેન્સ, લિયામ લિવિંગસ્ટોન, ડેરિલ મિચેલ, રચિન રવીન્દ્ર, માઇકલ બ્રેસવેલ, જેરાલ્ડ કોએત્ઝી, લુંગી એન્ગિડી, એનરિક નોર્ખિયા, મથીશા પથિરાના, મહેશ થીક્ષણા અને વનિન્દુ હસરંગા સહિત ઘણા મોટા નામનો સમાવેશ થાય છે. શાકિબ અલ હસને પોતાની બેઝ પ્રાઈસ એક કરોડ રૂપિયા રાખી છે. વેસ્ટ ઇન્ડીઝના શાઈ હોપ, અકીલ હુસૈન અને અલ્ઝારી જોસેફની બેઝ પ્રાઈસ પણ બે કરોડ રૂપિયા છે.
77 સ્લોટ માટે 14 દેશના ખેલાડીઓ વચ્ચે જંગ
કુલ 14 દેશના ખેલાડીઓએ IPL ઓક્શનમાં રસ દાખવ્યો છે. જોકે, આમાંથી કેટલા ખેલાડીઓ શોર્ટલિસ્ટ થશે તે સમય જ કહેશે, પરંતુ IPLમાં રમવા માટે ખેલાડીઓની દીવાનગી જરાય ઓછી થઈ નથી. 10 ટીમો પાસે પર્સમાં કુલ રૂ.237.55 કરોડ રૂપિયાની રકમ છે. 77 સ્લોટ ભરવાના છે, જેમાં 31 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે. આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓના રજિસ્ટ્રેશનથી સ્પર્ધા વધુ આક્રમક બનશે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો : સૈયદ મુશ્તાક અલીમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક સદી!