ઇરફાન પઠાણે 'અફઘાન જલેબી' પર કર્યો ડાન્સ: પાકિસ્તાન પર માર્યો ટોણો
- એશિયા કપમાં ભારતની જીતથી ઝૂમી ઉઠ્યા ઈરફાન પઠાન (Irfan Pathan Dance)
- અફઘાન જલેબી ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો
- પાકિસ્તાની ચાહકોને મજદારે રીતે ટોણો માર્યો
Irfan Pathan Dance : એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યા બાદ સમગ્ર દેશ ઉત્સાહમાં ડૂબી ગયો હતો. આ વિજયની ઉજવણીમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ પણ જોડાયા હતા. તેમણે 'અફઘાન જલેબી' ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો અને પાકિસ્તાની ચાહકોને મજેદાર રીતે ટોણો પણ માર્યો. ભારતીય બેટ્સમેન તિલક વર્માની શાનદાર અણનમ 69 રનની ઇનિંગ્સના કારણે ભારત 147 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી શક્યું હતું.
તિલક વર્માએ અપાવી યાદગાર જીત
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતને 147 રનનો પડકાર મળ્યો હતો. ત્રીજી ઓવરમાં માત્ર 10 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ યુવા બેટ્સમેન તિલક વર્મા ક્રીઝ પર આવ્યા. તેમણે ધીરજ અને આક્રમકતાનું ઉત્તમ મિશ્રણ દર્શાવીને 69 રનની અણનમ ઇનિંગ્સ રમી અને ભારતને ખિતાબ અપાવ્યો. આ જીતથી દેશભરમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
View this post on Instagram
ઇરફાન પઠાણનો 'અફઘાન જલેબી' પર ગરબા ડાન્સ
પોતાના મજેદાર ડાન્સ અને સ્પષ્ટ ટિપ્પણીઓ માટે જાણીતા ઇરફાન પઠાણ આ વખતે પણ ચર્ચામાં રહ્યા. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર 'અફઘાન જલેબી' ગીત પર ગરબાની શૈલીમાં ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો. આ વીડિયો સાથેના કેપ્શનમાં તેમણે લખ્યું, "શાબાશ ટીમ ઇન્ડિયા! નવરાત્રિના પ્રસંગે આ ડાન્સ ગરબાના નામે. તિલક વર્મા, યૂ બ્યુટી!" આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાન પર ઇરફાનનો તીખો કટાક્ષ
ઇરફાન પઠાણે પાકિસ્તાની ટીમને ટ્રોલ કરવાની કોઈ તક છોડી નહોતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, "સન્ડે કેવો રહ્યો પડોશીઓ? હું જાણું છું, અવાજ આમ પણ નથી આવી રહ્યો." એક અન્ય પોસ્ટમાં તેમણે તિલક વર્માની ઇનિંગ્સના વખાણ કરતાં લખ્યું, "તિલકે પાકિસ્તાન સામે ફાઇનલમાં વિરાટ કોહલી જેવી ઇનિંગ્સ રમી. શાંત, સંયમિત અને દબાણમાં ટકી રહેનારી ઇનિંગ્સ. આ તેના કરિયરની અત્યાર સુધીની સૌથી શાનદાર ઇનિંગ્સ છે."
મેચનું પરિણામ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ફખર ઝમાન (58 બોલમાં 84 રન) અને સાહિબઝાદા ફરહાનની અડધી સદીની ભાગીદારીથી મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરીને પાકિસ્તાનની આખી ટીમને 146 રનમાં સમેટી લીધી હતી. જવાબમાં, ભારતે 20/3ના આંકડે સંઘર્ષ કર્યા પછી તિલક વર્માની વિજેતા ઇનિંગ્સના કારણે ટ્રોફી પોતાના નામે કરી.ઇરફાન પઠાણના ડાન્સ અને કટાક્ષથી ભારતીય ચાહકોમાં ઉત્સાહ બમણો થયો છે


