જસપ્રીત બુમરાહે વર્ષના પહેલા જ દિવસે રચ્યો ઈતિહાસ, રવિચંદ્રન અશ્વિનનો તોડ્યો રેકોર્ડ
- ICCએ બુધવારે રેન્કિંગ જાહેર કરી
- જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો
- બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 પર
- બુમરાહના રેટિંગ પોઈન્ટ વધીને 907 થયા
Jasprit Bumrah ICC Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવાર (1 જાન્યુઆરી) ના રોજ તાજા રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો છે. બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 પર છે. આ સિવાય તેના રેટિંગ પોઈન્ટ પણ વધીને 907 થઈ ગયા છે.
બુમરાહે રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડ્યો
આ પોતાનામાં એક ઐતિહાસિક રેકોર્ડ છે. બુમરાહ આટલા રેટિંગ પોઈન્ટ મેળવનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. તેણે પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા અશ્વિને ડિસેમ્બર 2016માં સૌથી વધુ 904 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ધૂમ મચાવી છે, જેના કારણે તેને ICC રેન્કિંગમાં ફાયદો થયો છે.
India star smashes rankings record after Boxing Day Test exploits 💪https://t.co/EzHceJFkxZ
— ICC (@ICC) January 1, 2025
આ પણ વાંચો : IND vs AUS: ગૌતમ ગંભીરે તમામ સ્ટાર્સનો લીધો ક્લાસ, ડ્રેસિંગ રૂમમાં ભડક્યો
બુમરાહને મળ્યા 907 રેટિંગ પોઈન્ટ
આ ઉપરાંત, 907 રેટિંગ પોઈન્ટ સાથે, બુમરાહ ઓલ ટાઈમ લિસ્ટમાં ઈંગ્લેન્ડના સ્પિનર ડેરેક અંડરવુડ સાથે સંયુક્ત 17માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર સિડની બાર્ન્સ (932) અને જ્યોર્જ લોહમેન (931) ટોચ પર છે, જ્યારે ઈમરાન ખાન (922) અને મુથૈયા મુરલીધરન (920) ત્રીજા અને ચોથા સ્થાને છે.
બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર
તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. અહીં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે, જેમાંથી ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ હતી. આ ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાનો 184 રને વિજય થયો હતો. આ રીતે યજમાન ટીમસિરીઝમાં 2-1થી આગળ છે. હવે છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
બુમરાહે 4 ટેસ્ટની 8 ઇનિંગ્સમાં સૌથી વિકેટ લીધી
બુમરાહ અત્યાર સુધી સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 4 ટેસ્ટની 8 ઇનિંગ્સમાં સૌથી વધુ 30 વિકેટ લીધી છે. તેની એવરેજ પણ 12.83 રહી છે. તેના પછી પેટ કમિન્સ બીજા સ્થાને છે જેણે 20 વિકેટ લીધી હતી. બુમરાહને આ પ્રદર્શનનો મજબૂત ફાયદો મળ્યો છે.
ગાબા ટેસ્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું
બુમરાહે શ્રેણીની ત્રીજી ગાબા ટેસ્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ દાવમાં 76 રન આપીને 6 વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહે ગાબા ટેસ્ટની બીજી ઇનિંગમાં 18 રનમાં 3 વિકેટ લીધી હતી. બુમરાહે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં 8 અને બીજી ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : IND vs AUS: સિડનીમાં રમાશે પિંક ટેસ્ટ, જાણો તેની પાછળનું કારણ


