John Cena Retirement:જૉન સીનાની 23 વર્ષની કારકિર્દી સમાપ્ત, રિંગમાં ભાવુક દ્રશ્યો!
- WWE Main Eventમાં જૉન સીનાની કારકિર્દી પૂરી (John Cena Retirement)
- અંતિમ મેચમાં ગુન્થર સામે હારનો સામનો કર્યો
- 21 વર્ષમાં પહેલીવાર સીનાએ 'ટેપઆઉટ' કર્યું
- ગુન્થરે સ્લીપર હૉલ્ડથી સીનાને હરાવી ઇતિહાસ રચ્યો
- સીના હવે WWE સાથે એમ્બેસેડર તરીકે જોડાયેલા રહેશે
WWEના મહાન સુપરસ્ટાર જૉન સીનાની લગભગ 23 વર્ષ લાંબી શાનદાર કારકિર્દીનો WWE Saturday Night’s Main Event માં કરુણ અંત આવ્યો છે. તેમના અંતિમ મુકાબલામાં જર્મન રેસલર ગુન્થર (Gunther) સામે તેમને હારનો સામનો કરવો પડ્યો. આ મેચ માત્ર હાર-જીત માટે જ નહીં, પરંતુ સીનાની એક એવી 'સ્ટ્રીક' તૂટવાને કારણે પણ ચર્ચામાં રહી, જેના પર તેમને ખૂબ ગર્વ હતો. સીનાની આ હારથી ચાહકો ભાવુક થયા અને સ્ટેડિયમમાં તેમના માટે જોરદાર તાળીઓનો ગગડાટ થયો.
John Cena Retirement : 21 વર્ષમાં પહેલીવાર સીનાએ કર્યું 'ટેપઆઉટ'
જૉન સીનાએ તેમની કારકિર્દીમાં ક્યારેય સહેલાઈથી હાર સ્વીકારી નથી. તેમનો "Never Give Up"નો મંત્ર તેમને એક સાચા આઇકોન તરીકે સ્થાપિત કરે છે. 2005માં ‘ફેસ’ તરીકે કંપનીમાં કામ શરૂ કર્યા પછી, લગભગ બે દાયકા સુધી સીના WWEના હીરો રહ્યા. આ સમય દરમિયાન, તેમને પિનફૉલ (Pinfall) અથવા DQ (Disqualification) દ્વારા ઘણી વખત માત મળી, પરંતુ એક બાબત અડીખમ રહી – સીનાએ ક્યારેય કોઈના સબમિશન મૂવ સામે હાર માનીને ‘ટૅપઆઉટ’ કર્યું નહોતું.
John Cena Retirement : ગુન્થરે તોડ્યો ગર્વ
21 વર્ષ બાદ, આ શાનદાર સ્ટ્રીક આખરે તૂટી ગઈ. ગુન્થરે મેચ પહેલા જ વચન આપ્યું હતું કે તે સીનાને ટેપઆઉટ કરવા મજબૂર કરશે, અને મુકાબલામાં બરાબર એવું જ બન્યું. મેચના અંતિમ તબક્કામાં, ગુન્થરે સીનાને સતત સ્લીપર હૉલ્ડ લૉકમાં જકડી રાખ્યા. જોકે સીનાએ શરૂઆતમાં ઘણીવાર આ લૉક તોડ્યો, પરંતુ ગુન્થરે તેમની ગરદન પર સતત હુમલો ચાલુ રાખ્યો, જેના કારણે સીનાની હાલત કફોડી બની. થાકી ગયેલા અને ગંભીર રીતે ઘાયલ સીના પાસે અંતે પોતાને બચાવવા માટે ટૅપઆઉટ (Tapout) કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો રહ્યો. આમ, ગુન્થરે 21 વર્ષ બાદ જૉન સીનાને સબમિશન દ્વારા હરાવી એક ઇતિહાસ રચ્યો.
WWE સાથે રહેશે સંબંધ
ભલે જૉન સીનાની ઇન-રિંગ કારકિર્દીનો અંત આવ્યો હોય, પરંતુ WWE સાથેનો તેમનો સંબંધ સમાપ્ત થયો નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સીનાએ પોતે જણાવ્યું હતું કે તેમણે WWEના એમ્બેસેડર (Ambassador) તરીકે રહેવા માટે પાંચ વર્ષની ડીલ સાઇન કરી છે. ટ્રિપલ એચ (Triple H) દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. WWE Saturday Night’s Main Event પછીના પોસ્ટ-શોમાં ટ્રિપલ એચે કહ્યું કે સીનાનો WWE પ્રત્યેનો ઉત્સાહ હજી પણ અકબંધ છે. ભવિષ્યમાં તેઓ પૂર્ણ-સમયના રેસલર તરીકે નહીં દેખાય, પરંતુ ટીવી શોમાં સમયાંતરે તેમની હાજરી જોવા મળતી રહેશે. આ રીતે, 23 વર્ષના એક સુવર્ણ યુગનો અંત આવ્યો, પરંતુ જૉન સીનાનું વ્યક્તિત્વ WWE સાથે હંમેશા જોડાયેલું રહેશે.
આ પણ વાંચો : મેસીની 10 મિનિટની હાજરી! કોલકાતામાં ભડકેલા ચાહકોએ ખુરશીઓ તોડી નાખી


