આધુનિક ક્રિકેટમાં બેટિંગ પાવરનો નવો ધમાકો, England ની ટીમે ભારતીય ટીમનો રેકોર્ડ તોડ્યો
- England ની ટીમે T20I માં 304 રન બનાવી ઇતિહાસ રચ્યો
- દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડનો રેકોર્ડ બ્રેકિંગ સ્કોર
- ભારતનો 297 રનનો રેકોર્ડ તૂટ્યો, ઇંગ્લેન્ડે લખ્યો નવો અધ્યાય
England 304 runs record : ક્રિકેટની દુનિયામાં બેટિંગ પાવરનો નવો યુગ શરૂ થયો હોય તેવું લાગે છે. 12 સપ્ટેમ્બરના રોજ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20I શ્રેણીની બીજી મેચમાં, ઇંગ્લેન્ડની ટીમે (England Team) એવો બેટિંગ પાવર દર્શાવ્યો, જેણે સૌને અવાક કરી દીધા. આ મેચમાં ઇંગ્લેન્ડે માત્ર 20 ઓવરમાં 304 રનનો વિશાળ સ્કોર બનાવીને T20 ઇતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે. તેમણે માત્ર 300 રનનો આંકડો પાર કર્યો એટલું જ નહીં, પણ ભારતીય ટીમનો એક મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
પૂર્ણ સભ્ય ટીમ સામે 300 રન બનાવનાર પ્રથમ ટીમ
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર 3 વખત જ 300 રનનો આંકડો પાર થયો છે. જોકે, આ પહેલા ઝિમ્બાબ્વે અને નેપાળ જેવી ટીમોએ આ સિદ્ધિ હાંસલ કરી હતી, પરંતુ તેઓએ આ સ્કોર નાની અને એસોસિએટ ટીમો સામે બનાવ્યો હતો. ઇંગ્લેન્ડ હવે પહેલી એવી પૂર્ણ સભ્ય ટીમ બની છે, જેણે અન્ય પૂર્ણ સભ્ય ટીમ (દક્ષિણ આફ્રિકા) સામે આટલો મોટો સ્કોર બનાવ્યો છે.
આ પહેલા પૂર્ણ સભ્ય ટીમ સામે સૌથી વધુ T20I સ્કોર બનાવવાનો રેકોર્ડ ભારતીય ટીમના નામે હતો. ભારતે 2024 માં હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામેની મેચમાં 297 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે હવે 304 રન બનાવીને આ રેકોર્ડ તોડ્યો છે અને ક્રિકેટ જગતમાં પોતાનું નામ ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે કોતરાવી દીધું છે.
England’s record-breaking blitz levelled the T20I series against South Africa in style 🔥
📝 #ENGvSA: https://t.co/N2fx1e7Gpx pic.twitter.com/d3qA5h8bY5
— ICC (@ICC) September 13, 2025
England ની ટીમના પાવરપ્લેમાં 100 રન
આ સ્કોર પાછળ ઇંગ્લેન્ડ (England) ના ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ અને જોસ બટલરની જોડીનો સિંહ ફાળો છે. તેમણે મેચની શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી, દક્ષિણ આફ્રિકાના બોલરોને એક પણ તક આપી ન હતી. આ જોડીએ એટલી ઝડપથી રન બનાવ્યા કે ઇંગ્લેન્ડે પાવરપ્લે (પહેલી 6 ઓવરમાં) 100 રનનો આંકડો પાર કરી લીધો.
ઇંગ્લેન્ડ માટે આ પહેલીવાર બન્યું છે કે તેમણે T20Iમાં પાવરપ્લેમાં 100 રન બનાવ્યા હોય. આ સિદ્ધિ હાંસલ કરનાર ઇંગ્લેન્ડ વિશ્વની ચોથી પૂર્ણ સભ્ય ટીમ બની છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ પણ આ સિદ્ધિ મેળવી હતી. આ આંકડા દર્શાવે છે કે આધુનિક ક્રિકેટમાં પાવરપ્લેનું કેટલું મહત્વ વધી ગયું છે અને ટીમો હવે શરૂઆતથી જ આક્રમક રમત અપનાવી રહી છે.
પૂર્ણ સભ્ય ટીમ સામે T20Iમાં સર્વોચ્ચ સ્કોર
આ ઐતિહાસિક મેચ બાદ T20Iમાં પૂર્ણ સભ્ય ટીમ સામે સૌથી વધુ સ્કોર બનાવનારી ટીમોની યાદી આ પ્રમાણે છે:
- ઇંગ્લેન્ડ : 304 રન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2025, મેન્ચેસ્ટર)
- ભારત : 297 રન વિરુદ્ધ બાંગ્લાદેશ (2024, હૈદરાબાદ)
- ભારત: 283 રન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2024, જોહાનિસબર્ગ)
- અફઘાનિસ્તાન: 278 રન વિરુદ્ધ આયર્લેન્ડ (2019, દેહરાદૂન)
- ઇંગ્લેન્ડ: 267 રન વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ (2023, તારોબા)
ઉલ્લેખનીય છે કે, આ યાદી સ્પષ્ટપણે દર્શાવે છે કે બેટિંગનું સ્તર કેવી રીતે ઉંચે ગયું છે અને હવે 250+ નો સ્કોર પણ સામાન્ય થવા લાગ્યો છે. ઇંગ્લેન્ડની આ સિદ્ધિ ભવિષ્યના ક્રિકેટ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે અને ચાહકોને T20 ફોર્મેટમાં વધુ રોમાંચક મેચો જોવાની અપેક્ષા જગાડે છે.
આ પણ વાંચો : મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે પુત્રીનું નામ જાહેર કર્યું, જાપાન સાથે છે ખાસ જોડાણ


