MS Dhoni Birthday : કેપ્ટન કૂલ ધોનીની 5 ઐતિહાસિક ઇનિંગ, જે આજે પણ ફેન્સ કરે છે યાદ
- ધોનીના 44માં જન્મદિવસે જાણો તેની યાદગાર ઇનિંગ્સ
- ધોનીની તે 5 ઐતિહાસિક ઇનિંગ્સ, જેને ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં
- કારકિર્દીની શરૂઆતમાં રમી 183* રનની ઇનિંગ
MS Dhoni Birthday : ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્રસિંહ ધોનીનો આજે જન્મ દિવસ છે. તેઓ આજે 44 વર્ષના થયા છે. દેશભરમાં ધોનીના ફેન્સ ખૂબ ધામધૂમથી તેના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આજે ભલે ધોની ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો નથી પણ તેના દ્વારા રમવામાં આવેલી અમુક ઇનિંગને તેના ફેન્સ આજે પણ ખૂબ યાદ કરે છે. જણાવી દઇએ કે, ધોનીએ પોતાની કારકિર્દીમાં ઘણી એવી ક્ષણો આપી જે હંમેશા ક્રિકેટ ચાહકોના હૃદયમાં જીવંત રહેશે. ધોનીની કેપ્ટનશીપે ભારતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક ટ્રોફી અપાવી, પરંતુ એક ખેલાડી તરીકે પણ તેમણે ટીમને અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી છે. ધોનીની શાંત નેતૃત્વ શૈલી અને નિર્ણાયક ઇનિંગ્સે તેમને વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર્સમાંના એક બનાવ્યા છે. ચાલો, તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 5 યાદગાર ઇનિંગ્સ પર નજર નાખીએ, જે ચાહકોના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.
શ્રીલંકા સામે 91* રનની ઇનિંગ
2011ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી, જે ભારતીય ક્રિકેટના ઇતિહાસની સૌથી યાદગાર મેચોમાંની એક છે. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 274/6નો પડકારજનક સ્કોર ખડક્યો હતો. ભારતની શરૂઆત ખરાબ રહી, જ્યારે લસિથ મલિંગાએ વીરેન્દ્ર સેહવાગ અને સચિનની વિકેટ ઝડપથી લઈ લીધી. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ ઇનિંગ્સને સ્થિરતા આપી, પરંતુ 114/3 પર ગંભીર આઉટ થતાં દબાણ વધ્યું. આ સમયે ધોની, જે ટુર્નામેન્ટમાં ફોર્મમાં નહોતો, પોતે બેટિંગ માટે આવ્યો. તેણે યુવરાજ સિંહ સાથે મળીને 79 બોલમાં અણનમ 91 રનની શાનદાર ઇનિંગ રમી. ધોનીનો ઐતિહાસિક વિજયી છગ્ગો, જેણે ભારતને 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતાડ્યો, આજે પણ ચાહકોની યાદોમાં જીવંત છે.
MS Dhoni celebrating his 44th Birthday 😍❤️ pic.twitter.com/SYVATE9FUG
— ` (@WorshipDhoni) July 7, 2025
પાકિસ્તાન સામે 113* રનની ઇનિંગ
2012માં ચેન્નાઈમાં પાકિસ્તાન સામેની વન-ડે મેચમાં ભારતની બેટિંગ લાઇન-અપ ધ્વસ્ત થઈ ગઈ હતી. 29 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી, પરંતુ ધોનીએ હાર માની નહીં. તેણે સુરેશ રૈના અને રવિચંદ્રન અશ્વિન સાથે નિર્ણાયક ભાગીદારી કરી અને ટીમને 227/6ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. ધોનીએ 125 બોલમાં અણનમ 113 રન ફટકાર્યા, જેમાં 7 ફોર અને 3 છગ્ગાનો સમાવેશ હતો. ભલે ભારત આ મેચ હારી ગયું, પરંતુ ધોનીની આ ઇનિંગે ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું.
ઇંગ્લેન્ડ સામે 99 રનની ઇનિંગ
2012 ની નાગપુર ટેસ્ટમાં ભારત 71/4 પર સંઘર્ષ કરી રહ્યું હતું. ધોનીએ વિરાટ કોહલી સાથે મળીને ઇનિંગ્સને સંભાળી અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી. તેણે 246 બોલમાં 99 રનની શાનદાર ઇનિંગ રમી, જોકે તે એક રનથી સદી ચૂકી ગયો. આ ઇનિંગે ભારતીય બેટિંગની ધીરજ અને ટેકનીકનું ઉદાહરણ આપ્યું, જેણે ટીમને હારથી બચાવી અને મેચ ડ્રો કરાવી.
શ્રીલંકા સામે 183* રનની ઇનિંગ
વર્ષ 2005માં જયપુરમાં શ્રીલંકા સામે 299 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ધોનીને ત્રીજા નંબરે બેટિંગ માટે મોકલવામાં આવ્યો. આ તેની કારકિર્દીની શરૂઆતનો સમય હતો, અને તેણે 145 બોલમાં અણનમ 183 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. આ ઇનિંગમાં 15 ફોર અને 10 છગ્ગાનો સમાવેશ હતો, જેણે શ્રીલંકાના બોલરોને સ્તબ્ધ કરી દીધા. ભારતે 23 બોલ બાકી રહેતાં આ મેચ જીતી લીધી, અને ધોનીની આ ઇનિંગે તેને વિશ્વ ક્રિકેટમાં ઓળખ આપી.
ઇંગ્લેન્ડ સામે 76* રનની ઇનિંગ
વર્ષ 2007 માં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતને 380 રનનો પડકારજનક લક્ષ્યાંક મળ્યો હતો. ભારતની બેટિંગ પત્તાની જેમ પડી ભાંગી હતી, અને ટીમ હારના કિનારે જ હતી. ધોનીએ છેલ્લી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી અને 76 અણનમ રન બનાવ્યા. વરસાદના કારણે મેચ ડ્રો થઈ, પરંતુ ધોનીની આ ઇનિંગે ભારતને હારથી બચાવ્યું અને તેની લડાયક શૈલીએ સૌ કોઇનું દિલ જીતી લીધું.
આ પણ વાંચો : IND vs ENG 2nd Test : ટીમ ઈન્ડિયાની જીતમાં 5 મુખ્ય પરિબળોએ નિર્ણાયક ભૂમિકા ભજવી


