NZ vs PAK : એક થ્રો અને બેટ્સમેન ઈજાગ્રસ્ત! ઇમામ-ઉલ-હકની હાલત ખરાબ
- ઇમામ-ઉલ-હક ઈજાગ્રસ્ત, મેદાન બહાર
- જડબાને ઇજા: ઇમામને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો
- ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઇમામ ઇજાગ્રસ્ત
- ઉસ્માન ખાન બન્યા કોન્કશન સબસ્ટિટ્યૂટ
NZ vs PAK : પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઇમામ-ઉલ-હકને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ફિલ્ડરના થ્રોથી જડબામાં ગંભીર ઈજા થઈ, જેના કારણે તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. ઇમામ આ ઘટના બાદ ખૂબ જ પીડામાં જોવા મળ્યો હતો. મેદાન પર ડૉક્ટરો અને ફિઝિયોએ તેને પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિને જોતાં તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયો. આ ઘટનાએ પાકિસ્તાન ટીમ અને ચાહકોમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે.
ત્રીજી ઓવરમાં બની ઘટના
આ મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી અને તે પછી બંને ટીમો માટે 42 ઓવરની મેચ રાખવામાં આવી હતી. પાકિસ્તાનની રન ચેઝ દરમિયાન ત્રીજી ઓવરમાં આ દુર્ઘટના ઘટી. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર વિલિયમ ઓ'રોર્કની એક બોલ પર ઇમામે ઓફ-સાઈડ તરફ શોટ રમ્યો અને સિંગલ લેવા માટે દોડ્યો. આ દરમિયાન નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ ફિલ્ડરે ઝડપથી થ્રો કર્યો, જે બોલ સીધો ઇમામના હેલ્મેટની ગ્રિલમાંથી પસાર થઈને તેના જડબા પર વાગ્યો. બોલની આકસ્મિક અસરથી ઇમામે તરત જ પોતાનું હેલ્મેટ ઉતારી દીધું અને જડબાને પકડીને દુખાવામાં હેરાન પરેશાન થતો જોવા મળ્યો. આ ઘટના પહેલાં ઇમામે 7 બોલનો સામનો કરીને માત્ર 1 રન બનાવ્યો હતો. તેની આ ધીમી શરૂઆત બાદ આ ઈજાએ ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો.
ઉસ્માન ખાન બન્યો કોન્કશન સબ્સ્ટીટ્યુટ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે ઇમામની જગ્યાએ ઉસ્માન ખાનને કોન્કશન સબ્સ્ટીટ્યુટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે અગાઉની મેચમાં પણ પાકિસ્તાનના ઝડપી બોલર હરિસ રૌફને હેલ્મેટ પર બોલ વાગ્યો હતો, જેના કારણે તેની જગ્યાએ નસીમ શાહને લાવવામાં આવ્યો હતો. નસીમે તે મેચમાં 50 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની પ્રથમ વનડે ફિફ્ટી ફટકારી હતી. આ વખતે ઉસ્માન ખાન પાસે પણ ટીમ માટે યોગદાન આપવાની તક છે.
પાકિસ્તાન સામે 265 રનનો લક્ષ્યાંક
આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં હરિસ રૌફની જગ્યાએ નસીમ શાહને સામેલ કરાયો. નસીમે પોતાની બોલિંગથી શરૂઆતમાં જ નિક કેલીને સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ કરીને પાકિસ્તાનને સફળતા અપાવી. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન હેનરી નિકોલ્સે 40 બોલમાં 31 રન બનાવીને સારી શરૂઆત આપી, પરંતુ ઝડપી બોલર આકિફ જાવેદે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ન્યૂઝીલેન્ડની ટીમ માટે રાઇસ મારિયુએ 61 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી, જે તેની કારકિર્દીની પ્રથમ અડધી સદી હતી. તેને ડાબોડી ચાઇનામેન બોલર સુફિયાન મુકીમે આઉટ કર્યો. આ પછી, કેપ્ટન માઈકલ બ્રેસવેલે 40 બોલમાં 59 રનની ઝડપી ઇનિંગ રમીને ટીમનો સ્કોર 42 ઓવરમાં 264/8 સુધી પહોંચાડ્યો. પાકિસ્તાને આ લક્ષ્યાંકનો પીછો કરવાની શરૂઆત કરી, પરંતુ ઇમામની ઈજાએ ટીમની ચિંતામાં વધારો કર્યો.
આ પણ વાંચો : તિલક વર્માને રિટાયર્ડ આઉટ કરવું MI ને ભારે પડ્યું! ખૂબ થઇ રહી છે ટીકા